'બધું મારા નામે હશે તો જ મારાં લગ્ન થશે'
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- ચૂપ! હું સત્તાપક્ષનો હોદ્દેદાર કાર્યકર છું, મારી સાથે માનથી વાત કરવાની. સમજ્યો? કોન્સ્ટેબલે કચકચાવીને રાજાના ગાલ પર એવો તમાચો માર્યો કે એ ચૂપ થઈ ગયો!
- પ્રમિલા સિંહ
- પ્રીતુ સિંહ
- જેલમાં રાજા સિંહ
ક્રા ઈમવૉચ માટે તાજી ઘટનાઓ શોધતી વખતે વણસેલા પારિવારિક સંબંધોની ખોફનાક ઘટનાઓ મળે છે. માતા-પિતા અને સંતાનો વચ્ચે અગાઉ ઝઘડામાં હત્યા સુધી વાત નહોતી પહોંચતી. હવે એવું નથી. ઉત્તરાખંડમાં દેવદત્તે પોતાના ચૌદ વર્ષના દીકરા અંકિતની હત્યા કરેલી એ કિસ્સો ગયા અઠવાડિયે જોયો. આજે કાનપુરનો કિસ્સો નાલાયક દીકરાનો છે.
કાનપુરથી લગભગ સિત્તેર કિલોમીટર દૂર આવેલા ફતેહપુર શહેરની સ્થાપના ઝાંસીની રાણીના સાથીદાર બાબુ ફતેહચંદ્રે કરેલી. શહેરમાં આવેલી રેફ્યુજી કોલોનીમાં રહેતા ધર્મેન્દ્રસિંહના પડછંદ શરીરને લીધે લોકો એમને રૂસ્તમ કહેતા હતા. ધર્મેન્દ્રસિંહના પત્નીનું નામ પ્રમિલાસિંહ. એમને ચાર સંતાનમાં સૌથી મોટી દીકરી પ્રીતુસિંહ, એ પછી આકાંક્ષાસિંહ, એ પછી બે પુત્ર રાજાસિંહ અને સૌથી નાનો રાહુલ. મોટી દીકરી પ્રીતુસિંહને ઈ.સ. ૨૦૧૧માં કાનપુરમાં પરણાવેલી. આકાંક્ષાના પણ લગ્ન થઈ ચૂક્યા હતા. કોરોનામાં ધર્મેન્દ્રસિંહનું અવસાન થયું અને એના દોઢ વર્ષ પછી સૌથી નાનોપુત્ર રાહુલ પણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો. પૈતૃક ગામમાં આવેલી જમીન અને આ મકાન પ્રમિલાસિંહના નામે છે.
અઠ્ઠ્યાવીસ વર્ષનો રાજાસિંહ ભાજપનો કાર્યકર હતો. પીરનપુર શક્તિ કેન્દ્રનો એ સંયોજક હતો. છેલ્લા ત્રણ વર્ષથી એ એક યુવતીના પ્રેમમાં હતો. એની પ્રેમિકા અંકિતા (આ નામ કાલ્પનિક છે) પણ એની સાથે લગ્ન કરવા તૈયાર હતી. રાજાસિંહ ચસકેલ દિમાગવાળો યુવાન હોવાથી કોઈ એની સાથે માથાકૂટ નહોતા કરતા. એની માનસિક બીમારી માટે દવા ચાલુ હતી. દવા લેવાનું ચૂકી જાય ત્યારે એની કમાન છટકતી હતી. માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં શિવમંદિરમાં બુથ અધ્યક્ષોનો સન્માન સમારંભ યોજાયેલો, એમાં એક કાર્યકર્તા સાથે રાજાસિંહને બોલાચાલી થઈ, એટલે રાજા હથોડો લઈને પેલાને મારવા દોડેલો. કાર્યકરોએ વચ્ચે પડીને પેલાને બચાવી લીધેલો!
પિતાના અવસાન પછી મોટી દીકરી પ્રીતુસિંહ કાનપુરમાં રહેતી હોવા છતાં માતા અને રાજાસિંહની પૂરી કાળજી રાખતી હતી. કોઈ સમસ્યા હોય ત્યારે પ્રમિલાસિંહ પણ પ્રીતુને ફોન કરીને હૈયું ઠાલવે. રાજાસિંહ અંકિતા સાથે લગ્ન કરવા માટે મારો જીવ ખાય છે, એવું માતાએ દીકરીને જણાવેલું. પ્રીતુસિંહે અંકિતા અને એના પરિવારની જાણકારી મેળવી, તો એને ક્યાંયથી પણ સારો અભિપ્રાય ના મળ્યો, એટલે એણે માતાને કહી દીધું કે રાજા માટે બીજી કન્યા શોધજો, આ છોકરીમાં પડવા જેવું નથી.
અંકિતા લગ્ન માટે રાજાસિંહ પર દબાણ કરતી હતી. માત્ર એટલું જ નહીં, એની શરત ખૂબ આકરી હતી. એણે રાજાસિંહ સામે શરત મૂકેલી કે જો મારી સાથે લગ્ન કરવા હોય તો તારા કુટુંબની તમામ પ્રોપર્ટી તારી માતાના નામે છે, એ તારા નામે કરાવી નાખ, તો અને તો જ હું તારી સાથે લગ્ન કરીશ. એ પછી એણે પાછું ઉમેરેલું કે જમીન અને મકાન તારા નામે થઈ જાય એ પછી તારે એ બધુંય મારા નામે કરી આપવું પડશે. એ સિવાય હું તારી સાથે ક્યારેય લગ્ન નહીં કરું!
રાજાસિંહ બરાબરનો અકળાયેલો હતો. એણે માતાને કહ્યું કે બધી પ્રોપર્ટી મારા નામે કરી આપો. પ્રમિલાસિંહે સમજાવ્યું કે બેટા. આ બધું તારું જ છેને? હું ઉપર જઈશ ત્યારે આમાંથી કશુંય સાથે નથી લઈ જવાની! તારા સિવાય બીજા કોઈનેય નથી મળવાનું!
એમ નહીં, અત્યારે એ બધું મારા નામે કરી આપ.. રાજાસિંહે ખુલાસો કર્યો. એ બધું મારા નામે હશે તો જ મારા લગ્ન થશે. અંકિતાની આ શરત હું પૂરી નહીં કરું, ત્યાં સુધી એ મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે.
દીકરી પ્રીતુએ તો ચોખ્ખું કહેલું કે એ છોકરી આપણા ઘરને લાયક નથી, એમાં વળી આવી શરતની વાત આવી એટલે પ્રમિલાસિંહે રાજાને કહી દીધું કે પ્રોપર્ટી તારા નામે નહીં થાય. અંકિતાને ભૂલી જા. તારા માટે એનાથી પણ સારી કન્યા હું શોધી આપીશ! માતાની વાત સાંભળીને રાજાસિંહ પગ પછાડીને ગુસ્સે થઈને જતો રહ્યો.
એ પછી દર અઠવાડિયે એકાદ વાર મા-દીકરા વચ્ચે આ મુદ્દે ઝઘડો થતો હતો. જેમ ફાવે એમ બોલીને ઝઘડીને રાજાસિંહ ચિડાઈને ઘરમાંથી નીકળી જતો અને એ પછી પ્રમિલાસિંહ ફોન કરીને પ્રીતુસિંહને આખી રામકહાણી સંભળાવીને રડી પડતી. દીકરી માતાને સધિયારો આપીને તાકીદ કરતી કે અંકિતાના પરિવારનો જ આ પ્લાન છે, તું રાજાને મચક ના આપતી. જે છોકરી અત્યારથી આવી શરત મૂકે, એ આપણા ઘરમાં આવીને તો શું નહીં કરે?
તારીખ ૩૦-૩-૨૦૨૫ ના દિવસે પ્રમિલાસિંહને પગમાં દુખાવો થતો હતો. ગરમ પાણીમાં પગ બોળી રાખવાથી, અનેપાણી વધુ ગરમ હશે તો જલ્દી આરામ થશે એ ધારણાએ એમણે મૂર્ખામી કરી અને બંને પગ દાઝી ગયા. આવી દશામાં હવે શું કરવાનું? પ્રમિલાસિંહ પહોંચી ગયા કાનપુર દીકરીના ઘેર. જમાઈ સૌરભ એમને ડૉક્ટર પાસે લઈ ગયો અને સારવાર શરૂ કરાવી. પ્રમિલાસિંહને દાંતમાં પણ તકલીફ હતી એટલે ડેન્ટિસ્ટને ત્યાં રૂટકેનાલ ટ્રિટમેન્ટ માટે પણ સૌરભે એપોઈન્ટમેન્ટ લઈ લીધી.
ત્રીજા દિવસથી રાજાસિંહે ફોન કરીને રોજ પૂછવાનું શરૂ કરી દીધું કે પાછા ફતેહપુર ક્યારે આવવાનું છે? જલ્દી આવી જાવ અને મકાન મારા નામે કરી આપો, અંકિતા સિવાય કોઈની સાથે હું લગ્ન નથી કરવાનો.
રાજાસિંહની હાલત કફોડી હતી. અંકિતા હવે છેલ્લા પાટલે બેસીને બરાબર વિફરી હતી.તારીખ ૧૫-૪-૨૦૨૫, મંગળવારે એણે રાજાસિંહને તાકીદ કરી કે મકાન અને જમીન તારા નામે કેમ કરાવતો નથી? જલ્દી એ કામ પતાવી દે એટલે આપણે લગ્ન કરી લઈએ. મારા માટે તો બીજા મુરતિયા લાઈનમાં ઊભા છે. તું જલ્દી ફેંસલો નહીં કરે તો હું એમાંથી કોઈકની સાથે પરણી જઈશ! માત્ર આટલું કહીને એ અટકી નહીં. એણે તીણા અવાજે ધમકી આપી કે ધ્યાનથી સાંભળ. દસેક દિવસમાં તું કામ નહીં પતાવે તો હું સીધી પોલીસસ્ટેશને જઈશ અને તારા ઉપર બળાત્કારનો કેસ કરીશ! તને જેલમાં પૂરાવીને હું બીજાની સાથે પરણી જઈશ! કાંતો હું મરી જઈશ અથવા તને મારી નાખીશ!
અંકિતાએ આવી ધમકી આપીને મરવા-મારવાની વાત કરી એટલે હવે રાજાસિંહ ગભરાયો. એ કલેક્ટર ઑફિસે જઈને અધિકારીઓને મળ્યો અને વિનંતિ કરી કે તમે લોકો મારી માતાને સમજાવો. પેલા લોકોએ એને સરખો જવાબ ના આપ્યો. એ પછી રાજાસિંહ મુરાઈનટોલા પોલીસસ્ટેશન જઈને ઈન્સ્પેક્ટર અનુજ યાદવને મળ્યો અને કહ્યું કે તમે મારી માતાને સમજાવો. અનુજ યાદવે એને સમજાવ્યું કે તારા માતુશ્રી કાનપુરથી અહીં આવે પછી વાત કરીશું. ત્યાંથી રાજાસિંહ ફતેહપુર જિલ્લાના ભાજપના વડા ધનંજય દ્વિવેદીને કરગર્યો કે મારી માતાને મનાવો. એમણે પણ એ જ કહ્યું કે એ અહીં આવે પછી હું સમજાવવીશ.
ધૂંધવાયેલા રાજાસિંહે રાત્રે જ માતાને ફોન કરીને પૂછયું કે કાનપુરમાં ક્યાં સુધી પડયા રહેવાનું છે? અહીં આવીને મકાન મારા નામે કરવાનું છે કે નહીં? પ્રમિલાસિંહે કહ્યું કે દાંતની ટ્રિટમેન્ટ પતે પછી હું આવીશ. રાજાસિંહે ચિડાઈને ગાળાગાળી કરીને ધમકી આપી કે પ્રોપર્ટી મારા નામે નહીં કરે તો તને પછાડીને મારી નાખીશ! માતાએ ફોન કાપી નાખ્યો.
તારીખ ૧૬-૪-૨૦૨૫, બુધવારે સવારે છ વાગ્યે ગુસ્સાથી ફાટફાટ મગજ સાથે રાજાસિંહે માતાને ફોન કર્યો. પ્રોપર્ટી પોતાના નામે કરી દેવાનું કહીને મારી નાખવાની ધમકી આપીને ગાળાગાળી કરી એટલે માતાએ ફોન કાપી નાખ્યો.
સવારે પોણા દસ વાગ્યે રાજાસિંહ સીધો જ કાનપુર નારાયણપુરી વિસ્તારમાં પ્રીતુના ઘેર અચાનક પહોંચી ગયો. પ્રમિલાસિંહ ચોકમાં કપડાં સૂકવી રહ્યા હતા. રાજાએ ધડ દઈને એમને લાત મારી એટલે એ ગબડી પડયા. ધમાધમ સાંભળીને પ્રીતુ બહાર આવી એટલે ખિસ્સામાંથી છરો કાઢીને રાજાસિંહ બહેન તરફ ધસ્યો. તું જ મારી વિરૂધ્ધ માને ભડકાવીને ઘરમાં હોળી સળગાવે છે-એમ કહીને એ આગળ વધ્યો ત્યારે દીકરીને બચાવવા પ્રમિલાસિંહ ઊભી થઈને આડી ઊભી રહી. એક ધક્કો મારીને રાજાસિંહે માતાને નીચે પાડી દીધી અને એમની છાતીમાં છરાના એક પછી એક પ્રહાર કરવા લાગ્યો. પંચાવન વર્ષની માતાએ પ્રતિકાર કરવા માટે ચાકુ હાથમાં પકડી લેવા પ્રયત્ન કર્યો, પરંતુ રાજાના ઝનૂન પાસે એ હારી ગયા. પ્રીતુના સસરા લવકુશસિંહે દોડીને રાજાને રોકવા મથામણ કરી, એમાં એ ઘાયલ થયા, પરંતુ ત્યાં સુધીમાં તો હૃદય પર જ છરાના ત્રણ ઘા થયા હોવાથી પ્રમિલાસિંહના શ્વાસ અટકી ચૂક્યા હતા!
પ્રીતુ, સૌરભ અને લવકુશસિંહ ડઘાઈ ગયા હતા. એમના આશ્ચર્ય વચ્ચે રાજાએ જ પોલીસને ફોન કર્યો કે જલ્દી આવો, મેં મારી માને મારી નાખી છે! હનુમંતવિહાર પોલીસસ્ટેશનના ઈન્સ્પેક્ટર ઉદયપ્રતાપસિંહ એમની ટીમ સાથે આવી પહોંચ્યા ત્યારે બધાની સામે જોઈને રાજાએ ટણીથી કહ્યું કે મેં કંઈ ખોટું નથી કર્યું. મારું પણ જીવન છે. હું જેને પ્રેમ કરું છું એની સાથે લગ્ન કરવાનો મારો અધિકાર છે!
લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને રાજાને પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાં પહોંચીને રાજાએ પોલીસને કહ્યું કે સવારનો ભૂખ્યો છું, કંઈક જમવાનું મંગાવી આપો!
એ નફટાઈથી જે રીતે જમ્યો એ જોઈને હેડ કોન્સ્ટેબલનું લોહી ઉકળી ઉઠયું. એ બોલ્યો કે આવા નીચ નરાધમ દીકરાને સીધો ફાંસીએ લટકાવવો જોઈએ. એ સાંભળીને ખોંખારો ખાઈને રાજાએ અભિમાનથી ઘાંટો પાડયો.ચૂપ! હું સત્તાપક્ષનો હોદ્દેદાર કાર્યકર છું, મારી સાથે માનથી વાત કરવાની. સમજ્યો? કોન્સ્ટેબલે કચકચાવીને રાજાના ગાલ પર એવો તમાચો માર્યો કે એ ચૂપ થઈ ગયો!
ગુરૂવારે ૧૭-૪-૨૦૨૫ ના દિવસે રાજાને કોર્ટમાં રજૂ કરીને એની વિધિસર ધરપકડ કરવામાં આવી અને જેલમાં લઈ જતા હતા, ત્યારે એ રડીને કરગર્યો કે મારી ભૂલ થઈ ગઈ, મને સુધરવાનો એક મોકો આપો, પ્લીઝ, મને જેલમાં ના મોકલો!
પ્રેમમાં પાગલ બનીને માતાની હત્યા કરનાર આ કપાતરને જલ્દી સજા મળે એ માટે પોલીસ ચોકસાઈથી ચાર્જશીટ બનાવી રહી છે અને રાજા જેલમાં રડયા કરે છે.