Get The App

કપિલે સુખી થવાનો ખતરનાક પ્લાન શાલુને સમજાવ્યો

- ક્રાઈમવૉચ- મહેશ યાજ્ઞિાક

Updated: Jul 7th, 2020

GS TEAM

Google News
Google News

- 'આ વાર્તા નથી, મેડમ! હકીકત છે.' કપિલે ગંભીરતાથી કહ્યું. 'માનો કે ના માનો એ તમારી મરજી પણ મને તો રાહ જોવાની પણ મજા આવી. બદલામાં આજે તો તમારા દર્શન થયાને?'

- શાલુએ ભીની આંખે કપિલનો હાથ જકડીને કહ્યું. 'તું ચાલાક છે. થોડીક વધુ કમાણી થાય એવો રસ્તો શોધીને મને તારી સાથે રાખ. તારા વગર નહીં જીવાય. મારી ધીરજ ખૂટી છે. 

કપિલે સુખી થવાનો ખતરનાક પ્લાન શાલુને સમજાવ્યો 1 - image

ઈ. સ.૨૦૧૮ના આરંભે દિલ્હીમાં પ્રવાસીઓ જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ રહ્યા હતા એટલે મહેરૌલીનું ટેક્સી સ્ટેન્ડ ભરચક હતું.

'માચિસ છે?' બીડીની ગડી બહાર કાઢીને કપિલે બાજુમાં ઊભેલા વડીલ ટેક્સી ડ્રાઈવરને પૂછયું. પેલાએ માચિસ આપ્યું. 'થેંક્સ.' કહીને કપિલે એની સામે બીડીની ગડી ધરી. કુતુબમિનાર જોઈને પેસેન્જરો પાછા ના આવે ત્યાં સુધી આ લોકો નવરા હતા.

'ક્યારથી ટેક્સી ચલાવે છે?' ત્રીસ વર્ષના કપિલ સામે જોઈને વડીલે પૂછયું. 

'આમ તો હાથમાં સ્ટિયરિંગ સાથે જ જન્મેલો એમ કહેવાય.' કપિલે હસીને કહ્યું. 'ગાઝિયાબાદ જિલ્લામાં ડાસના મારું ગામ. બાપા રિક્ષા ચલાવતા હતા. હું ચૌદ વર્ષનો હતો ત્યારે બાપાનું અવસાન થયું. આવકનું બીજું કોઈ સાધન નહોતું એટલે એ ઉંમરથી જ રિક્ષા ચલાવતો થઈ ગયેલો. ગયા વર્ષે બા ગુજરી ગયા એટલે ડાસના છોડીને દિલ્હી આવી ગયો, ટેક્સી ખરીદી, એમાંથી દાલ-રોટી મળી રહે છે.' ફિક્કું હસીને એણે વડીલ સામે જોયું. 'ભણવામાં પહેલો નંબર હતો, પણ ભાગ્ય ભમરાળું એટલે ડૉક્ટરને બદલે ડ્રાઈવર બની ગયો.'

'ગરીબનું નસીબ ગરીબ જ હોય.' વડીલે સમજાવ્યું. 'મૂંડયા વગર મૂડીપતિ ના થવાય પણ કોઈનેય મૂંડી નાખવાનું આપણને ના આવડે.'

'મારી તો એમાંય માસ્ટરી છે.' ચપટી વગાડીને કપિલ હસ્યો. 'મૂંડી નખાય એવો સધ્ધર બકરો મળે એની જ રાહ જોઉં છું.' દૂરથી પોતાના પેસેન્જરને આવતા જોઈને એણે છેલ્લો કશ ખેંચીને બીડી ફેંકી દીધી અને પેલા લોકો માટે ટેક્સીનું બારણું ખોલી આપ્યું.

જાન્યુઆરીના છેલ્લા દિવસે સાંજે એક પેસેન્જરને સીરી ફોર્ટ ઑડિટોરિયમ પાસે ઊતારીને બીજા પેસેન્જરની શોધમાં કપિલે ચારે તરફ નજર ફેરવી. આગળ ઊભેલી એક યુવતીએ હાથ ઊંચો કર્યો. કપિલે ટેક્સી ત્યાં લીધી.

'બહુ દૂર નથી જવાનું. મેટ્રો સ્ટેશન લઈ લો.' એ પાછળની સીટ પર ગોઠવાઈ એટલે કપિલે ટેક્સી સ્ટાર્ટ કરી. પેલીને ખ્યાલ ના આવે એ રીતે તિરછી નજરે કપિલે એનું નિરીક્ષણ કરી લીધું. ઉંમર સત્યાવીસ વર્ષ જેટલી, ગોરો રંગ, પતલું નાક, વિશાળ આંખોમાં ભીનાશની સાથે ઉદાસી. પંજાબી ડ્રેસ સાવ સાદો અને ટેક્સીને બદલે મેટ્રોમાં ઘેર જવાની વાત એટલે મધ્યમ વર્ગની નોકરિયાત હશે એવું કપિલે અનુમાન કર્યું.

મેટ્રો સ્ટેશન પાસે ટેક્સીમાંથી એ નીચે ઊતરી. પર્સ ખોલીને એણે કપિલ સામે બે હજારની નોટ ધરી.

'નાની નોટ નથી?' પોતાની પાસે માત્ર સાતસો રૂપિયા હોવાથી કપિલે પૂછયું. 

પેલીએ પર્સ ખોલીને કપિલને બતાવ્યું. 'સોરી. બે હજારની બે નોટ સિવાય એકેય પૈસો નથી.' કાંડા ઘડિયાળમાં જોતી વખતે એ યુવતીના ચહેરા પર ચિંતા હતી. 'ટ્રેનનો ટાઈમ પણ થઈ ગયો છે.' એણે કપિલ સામે જોયું. 'કાલે આ જ ટાઈમે હું અહીં આવવાની છું.વિશ્વાસ હોય તો બાકી રાખો. કાલે આપી દઈશ.'

રકમ કંઈ એટલી મોટી નહોતી. એના રૂપાળા ચહેરા સામે જોઈને કપિલે હસીને હા પાડી. આભાર માનીને એ મેટ્રો સ્ટેશન તરફ દોડી.

બીજા દિવસે એ સમયે કપિલ દૂરના વિસ્તારમાં હતો. ત્રીજા દિવસે સીરી ફોર્ટ નજીક આવવાનું થયું એટલે પેલી યુવતી જ્યાંથી બેઠી હતી એ જગ્યાએ ટેક્સી ઊભી રાખીને એણે રાહ જોવાનું નક્કી કર્યું. પૈસા તો ઠીક પણ એને હવે એ યુવતીમાં રસ પડયો હતો. ભાડાની ખોલી જેવી ઓરડીમાં રહીને લગ્નનું સમણું ના જોવાય એટલી સમજદારી હોવા છતાં, પહેલી નજરે એને જોયા પછી એને અંદરથી થતું હતું કે આ ગરીબડી સાથે મેળ પડી જશે.

દૂરથી એને આવતી જોઈને એણે વાળ વ્યવસ્થિત કર્યા અને ટેક્સીના ટેકે સ્ટાઈલમાં ઊભો રહ્યો.

'કાલે રાહ જોઈને અહીં ઊભી રહી પણ છ વાગ્યા સુધી તમે દેખાયા નહીં.' એણે પર્સમાંથી પૈસા કાઢીને કપિલ સામે લંબાવ્યા.

'સાચું કહું?' એની આંખોમાં આંખો પરોવીને કપિલે કહ્યું. 'કાલે છ ને દસ મિનિટે અહીં આવેલો. ઘેર કોઈ રાહ જોનારું તો છે નહીં એટલે તમારી રાહ જોઈને ચોવીસ કલાકથી ખડે પગે અહીં જ ઊભો છું. બિલિવ મી.'

પેલી ખિલખિલાટ હસી પડી. 'તમે તો જબરી વાર્તા બનાવો છો.'

'આ વાર્તા નથી, મેડમ! હકીકત છે.' કપિલે ગંભીરતાથી કહ્યું. 'માનો કે ના માનો એ તમારી મરજી પણ મને તો રાહ જોવાની પણ મજા આવી. બદલામાં આજે તો તમારા દર્શન થયાને?'

એની વાત સાંભળીને પેલી ગૂંચવાઈ. 'ટુ બી વેરી ફ્રેન્ક, તમે શું કહેવા માગો છો એ સમજાતું નથી.' કપિલ સામે જોઈને એણે કહ્યું. 'હું કાંઈ એવી રૂપસુંદરી નથી અને તમે પણ રોડસાઈડ રોમિયો જેવા નથી દેખાતા.'

'સેવાની તક આપો. પ્લીઝ. અંદર બેસો. પૂરી શરાફતથી તમને ઘેર મૂકી જઈશ.' કપિલની આંખમાં છલકાતી આજીજી સામે તાકીને પેલીએ પાંચેક સેકન્ડ વિચાર્યું. પછી કપિલની જોડે આગળની સીટ પર બેઠી.

આ પ્રથમ પરિચય પછી ધીમે ધીમે દોસ્તી વધી અને એ દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. એ યુવતીએ નિખાલસતાથી પોતાની વ્યથાની કથા કપિલને જણાવી. એનું નામ શાલિની-શાલુ. ત્રણ વર્ષ અગાઉ એના લગ્ન થયેલા. પતિ સાથે એ સુલતાનપુરમાં રહેતી હતી. કોઈ સંતાન નહોતું. છ મહિના અગાઉ એનો પતિ અકસ્માતમાં ઓન ધ સ્પોટ ગુજરી ગયેલો. પતિના વીમાની રકમ સિવાય બીજો કોઈ આથક આધાર નહોતો અને સુલતાનપુરમાં નોકરીની કોઈ તક નહોતી એટલે એ દિલ્હી આવીને એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતી હતી.

કપિલે પણ કશુંય છૂપાવ્યા વગર પોતાની દશા જણાવી દીધી હતી. દર રવિવાર બંને સાથે જ પસાર કરતા હતા.

કપિલના ત્રણેક કાયમી ગ્રાહકો મેરઠના હતા. એને લીધે દર અઠવાડિયે બે વાર એને મેરઠની વરધી મળતી હતી. દિલ્હી-મેરઠ રોડ પર મુરાદનગર પોલીસ સ્ટેશનની સામે શિવશંકર ધાબાનું ભોજન કપિલને ભાવી ગયું હતું એટલે કાયમ એ ત્યાં જ જમવા જતો. જમ્યા પછી આરામથી બીડી સળગાવીને એની આદત મુજબ ધાબાના માલિક જોડે હસી-મજાકની વાતો પણ કરતો. ધાબાનું કાઉન્ટર અને વહીવટ નાનો ભાઈ સુનિલ સંભાળતો હતો. એનો મોટો ભાઈ અશોક શર્મા બાળકબુધ્ધિનો. એ નવરો હોય એટલે કપિલને એની સાથે ગમ્મતની વાતો કરવાનું ગમતું.

શાલુ સાથેનો સંબંધ આઠ મહિનામાં એટલો ગાઢ બની ગયો હતો કે હવે એકબીજાથી દૂર રહેવાનું બેમાંથી એકેયને ગમતું નહોતું.

'કપિલ, આમને આમ ક્યાં સુધી ચાલશે?' શાલુના અવાજમાં લાચારી હતી. એ કરગરી. 'વહેલામાં વહેલી તકે પરણી જઈએ. આ રીતે જીવવાનું નથી ગમતું.'

'ચોવીસેય કલાક સાથે રહેવાનું મનેય ગમે પણ આરામથી જીવી શકાય એવું ઘર તો હોવું જોઈએને?' કપિલે પોતાની મજબૂરી વર્ણવી. 'મારી ખોલીમાં માંડ એક ખાટલો સમાય એટલી જગ્યા છે અને તું પીજીમાં રહે છે. લગ્ન કરીને જો રૂમ-રસોડું ભાડે લઈએ તો ખાવાના ફાંફા પડે. દિલ્હીમાં મકાન ભાડે મેળવવાનું કામ સહેલું નથી.'

શાલુએ ભીની આંખે કપિલનો હાથ જકડીને કહ્યું. 'તું ચાલાક છે. થોડીક વધુ કમાણી થાય એવો રસ્તો શોધીને મને તારી સાથે રાખ. તારા વગર હવે નહીં જીવાય. મારી ધીરજ ખૂટી છે. હું આપઘાત કરીશ.'

'ચિંતા ના કર. મારા ઉપર વિશ્વાસ રાખ.' કપિલે ધરપત આપી, છતાં. શાલુ એને વળગીને રડતી હતી. 'અરે પગલી, હિંમત રાખ. ગરીબીમાં જીવવાનું મનેય નથી ગમતું. કોઠા-કબાડા કરીને પણ કંઈક રસ્તો શોધી કાઢીશ.'

બે મહિના આ રીતે વીત્યા પછી પણ શાલુની જીદ ચાલુ જ હતી અને કપિલ એને મનાવી લેતો હતો.

એ પછીના રવિવારે કપિલ ખૂબ ગંભીર હતો. 'શાલુ, તું આપઘાત કરવાની વાત કરતી હતીને? મરવાથી સરળ એક રસ્તો જડયો છે. જો તું સાથ આપે તો છ-સાત મહિના તકલીફ વેઠવી પડશે પણ એ પછી આખી જિંદગી આપણે આરામથી જીવાશે.'

'હું ગમે તે કરવા તૈયાર છું. તું બોલ.' ગળે આવી ગયેલી શાલુએ સીધું જ પૂછયું. 'કોઈનું અપહરણ કરવાનું છે? ખૂન કરવાનું છે? આઈ એમ રેડી.'

'ધ્યાનથી સાંભળ. આ પ્લાનમાં મારા કરતાં તારો રોલ વધુ મહત્વનો છે અને ત્રાસ પણ તારે જ વેઠવાનો છે. તું હા પાડ તો ઉજ્જ્વળ ભવિષ્યનું બારણું ખૂલશે.' 

'આઈ એમ રેડી. બોલ.'

કપિલે એને પ્લાન સમજાવ્યો. એ સાંભળીને શાલુ હબકી ગઈ.

દિલ્હી-મેરઠ રોડ પર શિવશંકર ધાબાના માલિક જોડે કપિલે મિત્રતા વધારી હતી. ધાબાનું કાઉન્ટર અને વહીવટ નાનો ભાઈ સુનિલ સંભાળતો હતો. એનો મોટો ભાઈ અશોક શર્મા છેંતાળીસ વર્ષની ઉંમરે પણ પરણ્યો નહોતો કારણ કે એની માનસિક ઉંમર દસેક વર્ષના બાળક જેવી હતી. વાઈનો રોગ પણ હતો. માનસિક વિકલાંગ હોવાથી એ વાંઢો રહ્યો હતો પરંતુ એને લગ્ન કરવાની તીવ્ર ઈચ્છા હતી અને એની સાથે વાતો કરીને કપિલે એની ઈચ્છા જાણી લીધી હતી. આ મુદ્દે એણે સુનિલ સાથે પણ ચર્ચા કરી હતી. સુનિલે નિખાલસતાથી કહેલું કે અત્યારે અશોકભાઈ અમારી સાથે રહે છે, પણ આ હોટલ અને શહેરમાં શંકરવિહાર કોલોનીમાં એક મકાન અશોકભાઈના નામે જ છે. મા-બાપને નબળા સંતાન માટે વધુ લાગણી હોય એટલે એમણે મરતા અગાઉ આવી ગોઠવણ કરેલી છે. અશોકભાઈને પણ પૈણ ઉપડયું છે પણ એ દિવ્યાંગને કન્યા કોણ આપે?

સુનિલની વાત સાંભળીને કપિલે એને કહેલું કે અમારા સગામાં એક વિધવા છે. ત્રીસ વર્ષની એ સ્ત્રી ઘરરખ્ખુ ગૃહિણી બનીને અશોકભાઈની સંભાળ રાખશે એ મારી ગેરંટી. એની વાત સાંભળીને સુનિલ રાજી થયેલો અને અશોક તો આનંદથી પાગલ બની ગયેલો. જો સારું પાત્ર હોય તો સેટિંગ કરી દઈએ એવું સુનિલે ગયા અઠવાડિયે કહેલું એ પછી આજે કપિલે શાલુને આખો પ્લાન સમજાવ્યો.

'તારે એ ગાંડા જોડે લગ્ન કરવાના. સ્વતંત્ર મોટા મકાનમાં મહારાણી બનીને રહેવાનું. હું ત્યાં આવતો-જતો રહીશ.

 છ-સાત મહિના પછી મોકો મળે ત્યારે અશોકને ઉપર પહોંચાડી દઈશું.આઈ એમ વિથ યુ. પરફેક્ટ પ્લાન બનાવીને વાઈના એ દર્દીને વિદાય આપવામાં કોઈ વાંધો નહીં આવે. એ મરે એટલે કાયદેસરની પત્ની તરીકે હાઈવેની એ હોટલ અને મકાનની માલિકી તારી!'

છળકપટની આ ખતરનાક રમતની વાત સાંભળીને શાલુનો ચહેરો ફિક્કો પડી ગયો.

'આપણે સાથે રહીને સુખી થવું હોય તો માત્ર આ એક જ રસ્તો છે.' એના ખભે હાથ મૂકીને કપિલે સમજાવ્યું. 'આમેય નાના ભાઈના ઘરમાં એ બાપડો હડધૂત થઈને જીવતો હશે, માલિક હોવા છતાં હોટલમાં એની દશા વેઈટર જેવી! છેંતાળીસ વર્ષના એ વાંઢાને તારે માત્ર છ મહિના સુખમાં રાખીને સાચવી લેવાનો છે. એ બાપડો પણ તને ઈન્દ્રલોકની અપ્સરા સમજીને અછોવાનાં કરશે. એ પછી એને ખતમ કરવાની જવાબદારી મારી.' એકેએક શબ્દ ઉપર ભાર મૂકીને કપિલ બોલ્યો. 'આપણી પાસે આ અને માત્ર આ એક જ ઉપાય છે.'

વિચારમાં ડૂબેલી શાલુએ હકારમાં માથું હલાવ્યું.

એ પછી તો બધું ઝડપથી ગોઠવાયું. સુનિલ, એની પત્ની અને અશોકભાઈ- એ ત્રણેયની સાથે  શાલુની મુલાકાત ગોઠવાઈ. શાલુએ એટલો સરસ અભિનય કર્યો કે સુનિલ અને એની પત્ની પ્રભાવિત થઈ ગયા. શંકરવિહાર કોલોનીમાં જે મકાન હતું એમાં રંગરોગાન કરાવીને સારું મુહૂર્ત જોઈને અશોક અને શાલુના ત્યાં લગ્ન થઈ ગયા.

સમય સડસડાટ વહેતો હતો. સ્વર્ગમાં વિહરતો અશોક એક મહિના સુધી તો હોટલ ઉપર પણ ના ગયો. એણે જવાનું શરૂ કર્યું એ પછી બપોરે કપિલની ટેક્સી એના ઘેર આવવા લાગી. પાડોશીઓએ આ મુદ્દે સુનિલનું ધ્યાન દોર્યું. સુનિલ સમજદાર હતો. એણે કપિલને બોલાવીને સખત શબ્દોમાં ધમકી આપી કે હવે પછી અશોકભાઈના ઘેર જઈશ તો પરિણામ સારું નહીં આવે.

કપિલે પ્લાન વિચારી લીધો. દિલ્હીની ખોલી ખાલી કરીને એ પોતાના વતન ડાસનામાં રહેવા આવી ગયો અને નાનકડી હોટલ શરૂ કરી. મુરાદનગર અને ડાસના વચ્ચે વધારે અંતર નહોતું. હવે શાલુ ડાસના આવતી જતી હતી.

'આ આઠ મહિનામાં એ ગાંડાએ મને ગાંડી કરી નાખી છે. આટલા વર્ષની એની ભૂખ ભાંગવા માટે એ મને તોડી નાખે છે.' શાલુએ રડીને કપિલ સામે હાથ જોડયા. 'હવે એનો ત્રાસ સહન નથી થતો. જલ્દી કંઈક કર.'

'ગુરૂવારે રાત્રે હું આવીશ. ત્યાં સુધી સાચવી લે.' કપિલે વચન આપ્યું અને શાલુ વિદાય થઈ.

તારીખ ૨૯-૫-૨૦૨૦. શુક્રવારે સવારે આઠ વાગ્યે શાલુએ ચીસાચીસ કરી એટલે પાડોશીઓ દોડી આવ્યા. 'હું રસોડામાં ચા બનાવતી હતી ને એ બાથરૂમમાં નહાવા ગયા. ગીઝરની સ્વીચનો જોરદાર ઝાટકો લાગ્યો એટલે એમણે ચીસ પાડી. હું દોડી. જોયું તો મારી દુનિયા લૂંટાઈ ગઈ હતી.' બાથરૂમમાં અશોકની લાશ ચત્તીપાટ પડી હતી. શાલુ ભીંતે માથું પટકીને આક્રંદ કરતી હતી.

કોઈએ ફોન કરેલો એટલે સુનિલ આવી ગયો. બીજા પાડોશીએ પોલીસને ફોન કરેલો એટલે મુરાદનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ઓમપ્રકાશસિંહ પણ એમની ટીમ સાથે દોડી આવ્યા હતા. સુનિલે એમને કહ્યું કે દાળમાં કંઈક કાળું છે.

અશોકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી. બપોરે રિપોર્ટ આવી ગયો કે ઈલેક્ટ્રિક કરન્ટથી નહીં પરંતુ શ્વાસ રુંધાઈ જવાથી રાત્રે ત્રણેક વાગ્યે મૃત્યુ થયું છે. સુનિલે ફરિયાદ આપી દીધેલી અને શકમંદમાં શાલુ અને કપિલના નામ જણાવેલા.

ઓમપ્રકાશસિંહે તાબડતોબ એક્શન લઈને શાલુ અને કપિલને લોકઅપમાં નાખી દીધા. લેડી કોન્સ્ટેબલ ગંગાદેવીના નામથી શહેરના પુરુષ ગુંડાઓ પણ ફફડતા હતા. કપિલની પૂછપરછ અગાઉ ઓમપ્રકાશસિંહે શાલુનો હવાલો ગંગાદેવીને સોંપીને એનું મોઢું ખોલાવવા સૂચના આપી. ગંગાદેવીએ એની રીતે પૂછપરછ શરૂ કરી ત્યારે શાલુની ચીસો સાંભળીને બાજુની કોટડીમાં કપિલ પણ ધ્રૂજતો હતો. શાલુ ટક્કર ના ઝીલી શકી. એણે કબૂલ્યું કે રાત્રે બે વાગ્યે કપિલ આવ્યો હતો અને ઊંઘતા અશોકના મોઢા ઉપર ઓશિકું દાબીને એણે અશોકને મારી નાખ્યો હતો અને પછી લાશને ઢસડીને બાથરૂમમાં મૂકી દીધી હતી!

પ્રેમીપંખીડાએ પ્રપંચ કરીને પોતાનો માળો બાંધવા માટે માસુમને મારી તો નાખ્યો પણ સરસ ઘર અને હોટલનું સપનું રોળાઈ ગયું. અત્યારે મુરાદનગરની જેલમાં કપિલ અને શાલુ પસ્તાવો કરે છે.

Tags :