બિહારના દોસ્ત-દુશ્મન ગેંગસ્ટરની કથની
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિાક
- જેલવાસ દરમ્યાન એમને જેલમાંથી જ નવા સાથીઓ મળી જતા હતા. આમ જેલવાસને લીધે એમનું નેટવર્ક વધુ વિસ્તૃત બનતું હતું
- ચંદન મિશ્રા
- શેરૂસિંહ
- પાંચ હત્યારામાં મોખરે તૌસિફ રઝા
બિ હાર રાજ્યમાં કાયદા-કાનૂનની પરિસ્થિતિ વિશે કંઈ કહેવા જેવું નથી. બક્સર જિલ્લાના જીજીઁ કાર્તિકેય શર્મા અને જીઁ શુભમ આર્ય દ્વારા તારીખ ૨૨-૭-૨૦૨૫ ના દિવસે આખા જિલ્લાના તમામ પોલીસસ્ટેશનને તાકીદ કરીને હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું. એના કારણમાં એ કે એકસમયે એક થાળીમાં સાથે જમનારા બે ગેંગસ્ટર જિગરી દોસ્તાર હવે દોસ્તી ભૂલીને એકબીજાનો જીવ લેવા માટે ઝનૂની બનેલા હતા, એમાં એક ગેંગના માણસો દ્વારા બીજી ગેંગના નાયકની હત્યાને લીધે ગમે ત્યારે ગેંગવાર ભડકી ઉઠવાની પૂરેપૂરી શક્યતા હતી!
આ બે દોસ્ત-દુશ્મન ગેંગસ્ટરની આખી કથા અનોખી છે. ભારતના યુવાનોને ક્રિકેટનું વળગણ છે. સાથે ક્રિકેટ રમતી વખતે ખેલાડીઓ એકબીજાના દોસ્ત બની જાય છે. બિહારના યુવાનો પણ આમાં અપવાદ નથી. ઈ.સ. ૨૦૦૯માં સાથે ક્રિકેટ રમતા બે યુવાન એકબીજાના દોસ્ત બની ગયા. એક મેચ દરમ્યાન સામેની ટીમ સાથે ઝઘડો થયો. આ તો બિહારની ધરતી હતી, એટલે આ બે મિત્રો આક્રમક બનીને બેટ લઈને સામેની ટીમના કેપ્ટન ઉપર તૂટી પડયા. એમાં સામેની ટીમવાળો અનિલસિંહ મરી ગયો! પોલીસ કેસ થયો. આ બંને યુવાનને પકડીને બક્સર જેલમાં પૂરી દેવામાં આવ્યા. દોઢ વર્ષના એ જેલવાસ દરમ્યાન બંનેની દોસ્તી એકદમ પાક્કી થઈ ગઈ અને એ બંનેને હવે પછીના વર્ષો માટે દાદાગીરી કરીને જીવવાની એક નવી દિશા પણ મળી ગઈ ! બંનેએ નક્કી કરી લીધું કે સીધીસાદી નોકરી કરવાને બદલે આપણે બે આપણા જેવા થોડા મિત્રોને સાથે લઈને એક ટૂકડી બનાવીશું. એમાંથી જ કમાણી કરીને જલસાથી જીવીશું. આમાં એક ચંદન મિશ્રા. ચંદન મિશ્રા પોતાની જાતને પ્રિન્સ તરીકે ઓળખાવતો. બીજા મિત્રનું નામ ઓમકારનાથસિંહ. એને પોતાનું લાંબુ નામ પસંદ નહોતું એટલે એણે પોતાની ઓળખ શેરૂસિંહ તરીકે જ ઊભી કરી. બંને બક્સર જિલ્લાના. ચંદનનું ગામ સોનબરસા અને શેરૂ દુલ્લહપુર ગામનો. જેલમાંથી છૂટયા પછી ચંદન અને શેરૂની જોડીએ ધમકી આપીને ખંડણી ઉઘરાવવાનો કારોબાર શરૂ કરી દીધો. એમને એમના જેવા સાથીઓ પણ મળી ગયા હતા. પૈસાદાર વેપારીઓ કે કારખાનેદારોને ધમકાવીને -મારપીટ કરીને-કે એમના ઉપર ગોળીબાર કરીને એમણે પૈસા ઉસેટવાના શરૂ કરી દીધા.
ઈ.સ. ૨૦૧૧ માં ચંદન-શેરૂની જોડીએ એવો હાહાકાર મચાવી દીધો કે આખા જિલ્લામાં એમના નામથી વેપારીઓ ફફડતા હતા. તારીખ ૨૦-૪-૨૦૧૧ ના દિવસે ખંડણી આપવાનો ઈન્કાર કરનાર વેપારી ભરત રાયને ભરબજારે ગોળીબાર કરીને મારી નાખ્યો. તારીખ ૨૬-૭-૨૦૧૧ના દિવસે આ જ કારણથી બીજા ઉદ્યોગપતિ શિવાજી ખરવારની હત્યા કરવામાં આવી. ઓગસ્ટ મહિનામાં બક્સર મોડેલ પોલીસસ્ટેશનના ક્લાર્ક હૈદરઅલીની હત્યા થઈ એ પછી પોલીસ ચોંકીને જાગી ઉઠી અને આ બંનેને પકડવા માટે આક્રમક બની. એ છતાં, ઓક્ટોબર. ૨૦૧૧માં કેસરી ચૂના ભંડારના માલિક રાજેન્દ્ર કેસરીની અત્યંત ક્રૂરતાથી હત્યા કરીને ચંદન મિશ્રા અને વીરૂસિંહે જાણે પોલીસને પડકાર આપ્યો. હવે તો એમની ગેંગમાં અનેક સાગરીતો પણ જોડાઈ ચૂક્યા હતા, એટલે અપહરણ, ખંડણી, જાહેરમાં ગોળીબાર જેવા કારનામાઓ કરીને બક્સર જિલ્લામાં એમણે દહેશત ફેલાવી દીધી હતી.
બિહારની સરહદ ઓળંગીને આ બંને ગેંગસ્ટરે તો બંગાળમાં પણ પગદંડો જમાવ્યો હતો અને ત્યાં એમને સાથીઓ પણ મળી ગયા હતા.
હત્યા, અપહરણ અને ખંડણીના એક પછી એક કામોમાં એમનું વર્ચસ્વ વધતું ગયું હતું. આ બંને ગેંગસ્ટરમાં ચંદન મિશ્રા વધુ ભણેલો હતો. એણે પંજાબ યુનિવર્સિટીમાંથી એન્જીનિયરિંગની ડીગ્રી મેળવેલી હતી અને આપણા સુરતની કોઈ સંસ્થામાંથી સાયબર સિક્યોરિટીનો કોર્સ પણ કરેલો હતો, એ કુશળ હેકર પણ હતો!
અપરાધ કરીને જ્યાં પકડાય, ત્યાંની જેલની મહેમાનગતિ આ બંનેને માણવા મળતી હતી. આવી રીતે બક્સર, બેઉર, પટણા ઉપરાંત બંગાળના પુરૂલિયાની જેલમાં પણ આ બંનેએ મહિનાઓ વિતાવ્યા હતા. અલબત્ત, જેલવાસ દરમ્યાન એમને જેલમાંથી જ નવા સાથીઓ મળી જતા હતા. આમ જેલવાસને લીધે એમનું નેટવર્ક વધુ વિસ્તૃત બનતું હતું.
ચંદન મિશ્રા ઉપર હત્યાના બાર કેસ ચાલી રહ્યા હતા, અને એ ઉપરાંત હત્યાની કોશીશ, ગેરકાયદેસર હથિયાર, લૂંટ જેવા બીજા ચોવીસ કેસ પણ ચાલી રહ્યા હતા.
બંને પુરૂલિયા જેલમાં સાથે હતા ત્યારે માર્ચ,૨૦૨૫ માં ચંદન મિશ્રાએ પૂરી એકાગ્રતાથી પ્લાનિંગ કરીને એક ખતરનાક ઘટનાને અંજામ આપ્યો. બિહારના ભોજપુર જિલ્લાનું મુખ્ય મથક આરા શહેર છે. પોતાના ટેકનીકલ જ્ઞાનનો ઉપયોગ કરીને ચંદને એક ટીમ બનાવી અને એ ટીમના લીડર તરીકે ચુનમુન ઝાની પસંદગી કરી. જબરજસ્ત હિંમતવાળા ચુનમુન ઝાને પૂરેપૂરું માર્ગદર્શન આપીને ચંદન મિશ્રાએ જેલમાં બેસીને પણ એ જબરજસ્ત લૂંટની ઘટના પાર પાડી. આરામાં આવેલા તનિષ્કના શોરૂમમાં તારીખ ૧૦-૩-૨૦૨૫ ના દિવસે બંદૂકધારીઓ ત્રાટક્યા અને ગણીને ચોવીસ મિનિટમાં પચીસ કરોડ રૂપિયાના સોનાની લૂંટ કરીને રફૂચક્કર થઈ ગયા! અગાઉ આવી જ રીતે ચંદને બંગાળના એક શોરૂમમાંથી સાડા છ કરોડના દાગીનાની લૂંટ કરાવેલી! પચીસ કરોડના સોનાની લૂંટના સમાચારથી આખા બિહારમાં હાહાકાર મચી ગયેલો. એ પછીની વિગત જાણીને ચંદને શેરૂને જાણકારી આપી કે મારો પ્લાન જબરજસ્ત હોવા છતાં, ભાગતી વખતે ટીમે મૂર્ખામી કરી અને એમાં બે સાથીદારને પોલીસે પગમાં ગોળી મારી અને એમની પાસેથી પંદર કરોડનો માલ પાછો મેળવી લીધો અને બાકીના દસ કરોડનો માલ લઈને ભાગી રહેલા બે સાથીઓને ઓરછા પાસે ગંગા નદી પાર કરતી વખતે રેતી માફિયાઓએ પકડયા અને એમાંથી અર્ધો માલ પડાવી લીધો છે.
આ વાત શેરૂના ગળે ના ઊતરી. એણે માની લીધું કે લૂંટના પૈસાની વહેંચણીમાં ચંદન ચાલાકી કરી રહ્યો છે. આ મામલે વિવાદ થયો. આ અગાઉ વૈશાલી શહેરમાં આવેલી એક વિવાદાસ્પદ જમીનનો વહીવટ શેરૂએ સ્વીકારેલો, ત્યારે ચંદને એને ના પાડેલી, મામલો માતબર રકમનો હોવાથી શેરૂએ મનોમન નિર્ધાર કરી લીધેલો કે ચંદનને ખતમ કર્યા પછી જ આ પ્રોજેક્ટ મને મળશે. આ કારણથી બંને જિગરી દોસ્તાર વચ્ચેની મિત્રતાનો અંત આવ્યો. શેરૂસિંહને લાગતું હતું કે ચંદને મને અન્યાય કર્યો. પકડાયેલા માણસો પાસેથી માહિતી ઓકાવીને પોલીસે જાણ્યું કે આ લૂંટનો માસ્ટરમાઈન્ડ ચંદન મિશ્રા છે, અને શેરૂસિંહ એનો સાથીદાર છે. બિહાર પોલીસ એ બંનેને પુરૂલિયા જેલમાંથી ઉઠાવીને ત્રણ દિવસ રિમાન્ડ માટે આરા લઈ ગઈ. ત્યાં ચંદને કબૂલાત કરી કે રૂપિયા ત્રીસ લાખના બદલામાં મેં આ ટીમ બનાવીને એમને પ્લાન બનાવી આપેલો. કેસરી ચૂના ભંડારના માલિક રાજેન્દ્ર કેસરીની હત્યાના કેસમાં ચંદન મિશ્રાને આજીવન કેદની સજાનો હુકમ થયેલો હતો. આ ઘટના પછી ચંદન મિશ્રાને પુરૂલિયા જેલમાંથી બેઉર જેલમાં લાવવામાં આવ્યો.
ચંદન અને શેરૂની સંયુક્ત ગેંગમાં જે સાથીઓ હતા એ પણ હવે વહેંચાઈ ગયા હતા. અમુકે શેરૂ સાથે રહેવાનું પસંદ કર્યું અને બાકીનાએ ચંદન પ્રત્યે વફાદારી બતાવી. હવે લડાઈ વર્ચસ્વની બની ચૂકી હતી એટલે શેરૂ ચંદનને ખતમ કરી નાખવા માગતો હતો.
શેરૂ બંગાળની પુરૂલિયા જેલમાં હતો અને ચંદન બિહારની બેઉર જેલમાં હતો. ચંદન જેલમાં હોઈ, ત્યાં એની હત્યા કરવાનું કામ સહેલું નહોતું. ચંદન પેરોલ ઉપર ક્યારે બહાર આવે એની જાણકારી મેળવવા માટે શેરૂએ મોટી લાલચ આપીને ચંદનના એક ખાસ સાથી શેખરને ફોડયો. (આ નામ કાલ્પનિક છે, પોલીસે એ સાથીનું નામ હજુ જાહેર નથી કર્યું.) હવે શેખર ચંદનની એકેએક વાતની જાણકારી શેરૂને પહોંચાડતો હતો.
બિમારીના ઈલાજ માટે ચંદનને એકવીસ દિવસની પેરોલ મળી. ચંદન પોતાનો ઈલાજ પટણાની એઈમ્સ હોસ્પિટલમાં કરાવવા માગતો હતો. એઈમ્સની સિક્યોરિટી મજબૂત હોવાથી, શેરૂએ આદેશ આપ્યો એ મુજબ શેખરે ચંદનને સમજાવ્યો કે એઈમ્સની તુલનામાં પટણાની પારસ હોસ્પિટલ વધુ સારી છે. પારસ હાઈ મેડિકેર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયુટ ૩૫૦ બેડની હોસ્પિટલ છે, ૪૦૦નો સ્ટાફ છે, એક સોથી વધારે ડાક્ટર્સ ૩૧ સ્પેશિયાલિટી વિભાગ સંભાળે છે. શેખરનું કહેવું માનીને ચંદને પારસ હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી. આઈ.સી.યુ. માં સ્પેશિયલ રૂમ નંબર ૨૦૯ માં એ હતો.
ચંદનની હત્યા કરવા માટે ગેંગના શાર્પશૂટર તૌસિફ રઝાને શેરૂએ દસ લાખ રૂપિયાની આફર કરી. જુગારમાં લાખો રૂપિયા ગૂમાવ્યા પછી તૌસિફ તંગીમાં હતો. એણે આ કામ સ્વીકાર્યું. તૌસિફના મસિયાઈ ભાઈ નીશુખાનના ઘેર મિટિંગ ગોઠવાઈ. હર્ષ નામનો સાથી પારસ હોસ્પિટલની નજીક રહેતો હતો અને એને ત્યાંના બધા ગાર્ડ સાથે હાયહલ્લોનો સંબંધ હતો. હર્ષને રેકી કરીને ચંદનના એક્ઝેટ લોકેશનની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવેલી. એણે એ જાણકારી આપી એ પછી તૌસિફખાનની આગેવાની હેઠળ પાંચ બંદૂકધારી નક્કી થઈ ગયા.
ગુરૂવાર, તારીખ ૧૭-૭-૨૦૨૫ સવારે સવા સાત વાગ્યે હાથમાં રિવોલ્વર લહેરાવતા પાંચેય જણા વટકે સાથ આઈ.સી.યુ.ના રૂમ નંબર ૨૦૯ માં પ્રવેશ્યા. બેડ પર સૂતેલો ચંદન કંઈ સમજે- વિચારે એ અગાઉ પાંચેય જણાએ ગોળીબાર શરૂ કરી દીધા. ધડાધડ ગોળીબાર કરીને ચંદનના શરીરમાં છત્રીસ બુલેટસ ધરબીને ગણતરીની મિનિટોમાં પાંચેય ભાગી ગયા. તૌસિફખાને તો આખી ઘટનાનો વીડિયો પર ઊતાર્યો હતો!
ચંદન મિશ્રાની હત્યાના સમાચારથી આખા બિહારમાં હલચલ મચી ગઈ. પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને ચાર સિક્યોરિટી ગાર્ડને ઘરભેગા કર્યા.
ફૂટેજમાં સૌથી મોખરે તૌસિફખાન દેખાયો.એણે તો પોતાનું મોઢું છૂપાવવાનો પણ પ્રયત્ન નહોતો કર્યા. તૌસિફના ઘેર પહોંચીને પોલીસે આખા પરિવારને સકંજામાં લીધો, ત્યારે જાણકારી મળી કે આખી ગેંગ કલકત્તા ભાગી ગઈ છે. નીશુખાનની કારમાં બધા કલકત્તા પહોંચી ગયા હતા.
બિહાર પોલીસ, બિહાર અને બંગાળની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા તરત જ કાર્યવાહી શરૂ કરવામાં આવી અને પચાસ કલાકની અંદર જ કલકત્તાના ન્યુ ટાઉન વિસ્તાર અને આનંદપુરમાંથી શૂટર તૌસિફખાન રઝા અને નીશુખાન ઉપરાંત એમને મદદ કરનાર મોનુસિંગ, સચિનસિંગ, ભીમકુમાર, હર્ષ અને યુનુસખાનની ધરપકડ કરવામાં આવી. કલકત્તામાં એમના માટે બધી વ્યવસ્થા કરનાર અલ્પના દાસ નામની યુવતીની પણ ધરપકડ કરવામાં આવી. તૌસિફનો પ્લાન તો ત્યાંથી બાંગ્લાદેશમાં ભાગી જવાનો હતો.
પાંચ શૂટરમાંથી બલવંતસિંહ, અભિષેક અને રવિરંજન તો બિહારમાં જ હતા એટલે એમને પકડવા માટે બિહાર એસટીએફની દોડાદોડી ચાલુ હતી. બાતમીના આધારે તારીખ ૨૩-૭-૨૦૨૫ ની રાત્રે બિહિયા રેલ્વેસ્ટેશન પાસે પોલીસે એ ત્રણેયને ઘેરી લીધા. સામસામે ફાયરિંગ થયું એમાં બલવંતસિંગ અને રવિરંજનને પગમાં ગોળી વાગી. એ બંનેને પકડીને પોલીસે જાપ્તા હેઠળ સદર હોસ્પિટલમાં દાખલ કરાવ્યા અને અભિષેકની ધરપકડ કરી.
જેલમાં બેઠેલા ગુનેગારો પણ મોબાઈલના-વોટસેપ કોલના ઉપયોગથી કેવા ખતરનાક પ્લાન કરી શકે છે એ આ બંને ગેંગસ્ટરની લડાઈમાં જાણવા મળ્યું. એક સમયના જિગરી દોસ્ત પૈસા અને વર્ચસ્વની લડાઈમાં ખૂંખાર બનીને હત્યા કરવામાં પણ દયામાયા નથી રાખતા. છત્રીસ બુલેટસ્ પછી હીરો જેવા દેખાતા ચંદન મિશ્રાની હાલત કેવી થઈ હશે?