- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
- તારા બંને દીકરાઓ ભણીગણીને કમાતાં થાય ત્યાં સુધીની તમામ ફરજ હું પ્રેમથી નિભાવીશ. એના બદલામાં તારે દીકરી બનીને નિમુબાની સેવા કરવી પડશે
બ કુલ સોની તમામ ઘટનાઓનું એટલું સરસ રીતે વર્ણન કરી રહ્યા હતા કે એ સાંભળીને એ જ વખતે વાર્તા ગોઠવાઈ રહી હતી... એ જ લખી રહ્યો છું.
સવારે આઠ વાગ્યે અમદાવાદની હવામાં લગીર ઉકળાટ હતો. ચાનો ખાલી કપ બાજુ પર મૂકીને બકુલે ગુજરાત સમાચાર હાથમાં લીધું, એ જ વખતે મોબાઈલ રણક્યો.
''બકલા, ચા-પાણી પતી ગયાને?'' અરવિંદ આચાર્યે રણકતા અવાજે પૂછ્યું. અરવિંદ અમેરિકા-કેલિફોર્નિયામાં રહેતો હતો. વર્ષો અગાઉ રતનપુરની ધૂળિયા શેરીમાં સાથે રમીને બંને મોટા થયા હતા, એટલે અરવિંદ અને બકુલ વચ્ચેની ઘનિષ્ટ મૈત્રી હજુ અકબંધ હતી.
''ચા પતાવીને છાપું હાથમાં લીધું ને તારો ફોન આવ્યો.'' આટલું કહીને બકુલે પૂછ્યું. ''બોલ, શું કામ હતું ?''
''અહીં નિમુબાએ ઘર માથે લીધું છે...'' અરવિંદે નિરાશાથી કહ્યું. ''મારાથી સમજાવાય એટલું સમજાવ્યું. વીણા પણ કરગરે છે. છતાં, નિમુબાએ હઠ પકડી છે કે મારે હવે અમેરિકામાં નથી રહેવું ! રોજ રાત્રે એમને અમારું રતનપુરનું હવેલી જેવું ઘર જ દેખાય છે. સાવ ઢીલા અવાજે સતત બબડયાં કરે છે કે મારે છેલ્લા દિવસો વતનની ધૂળમાં જ વિતાવવા છે. એમની આવી દશામાં એમને અહીં રોકી રાખવાનો કોઈ અર્થ નથી. તું તૈયાર રહેજે. એકાદ બે દિવસમાં સીધી અમદાવાદની ફલાઈટમાં એમને બેસાડીને તને ફોન કરીશ. તું એરપોર્ટ જઈને એમને લઈ આવજે અને તારી કારમાં રતનપુર એમને મૂકવા પણ તારે જ જવું પડશે.''
''નો પ્રોબ્લેમ.'' બકુલે તરત કહ્યું. ''મારું રતન પુરનું ઘર પંદર વર્ષથી બંધ પડયું છે એ રીપેર કરાવવાનું વિચારતો હતો. નિમુબાને લઈ જઈશ ત્યારે ત્યાં એમના માટે બધી ગોઠવણ તો કરવી પડશે ને ? મારું મકાનનું કામ દસેક દિવસ ચાલશે ત્યાં સુધી હું તો ત્યાં જ રોકાઈશ અને એ દરમ્યાન નિમુબા માટે ત્યાં બધું સેટિંગ કરાવી દઈશ. જરાયે ચિંતા કર્યા વગર તું એમને પ્લેનમાં બેસાડી દેજે.''
ચોથા દિવસે પાંસઠ વર્ષના નિમુબા અમદાવાદ આવ્યા ત્યારે બકુલ એરપોર્ટ પર હાજર હતો. નિમુબાનેએ પોતાના ઘેર લઈ ગયો. બીજા દિવસે નિમુબાને લઈને એ રતનપુર પહોંચ્યો.
અરવિંદનું પૈતૃક મકાન વિશાળ હવેલી જેવું હતું. બકુલ નિમુબાને ત્યાં લઈ ગયો ત્યારે નિમુબાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ''બકલા, સાચું કહું ? ત્યાં અમેરિકામાં અરવિંદના ઘેર સ્વર્ગ જેવું સુખ હતું તોય વતનનો ઝૂરાપો વેઠતી હતી.'' તારા કાકાએ ત્યાં દેહ મૂક્યો, પણ મારે તો છેલ્લા શ્વાસ આ ઘરમાં જ લેવા છે. અહીં હાથે રાંધવાની અને કામની થોડી તકલીફ પડશે એ વેઠી લઈશ.
પણ એ તકલીફ નાની સૂની નહોતી. બકુલને બે-ત્રણ દિવસમાં જ ખ્યાલ આવી ગયો કે હવે ગામડામાં ઘરકામ કરવા માટે માણસો નથી મળતા. એણે પોતાના મકાનનું રિપેરિંગ કામ શરૂ કરાવ્યું. એના તો એક ફૈબા ગામમાં રહેતા હતા એટલે એમને ત્યાં એ જમી લેતો હતો. નિમુબાએ આડોશી પાડોશીઓની મદદથી ઘરની સફાઈ કરાવીને રસોડું ચાલુ કરી દીધું હતું. એમને જોઈતી ચીજવસ્તુઓ બકુલ લાવી આપતો હતો, પરંતુ કપડાં અને વાસણ માટે કોઈ બહેન મળતાં નહોતા. આ ઊંમરે નિમુબા માટે આ બધાં કામ અઘરાં હતા.
પાંચમા દિવસે ગામની સુથાર શેરીમાં હો-હા થઈ ગઈ. રામજી મિસ્ત્રીની નયનાને વડોદરા પરણાવી હતી. ચાલીસ વર્ષની ઊંમરે નયનાના વરને હાર્ટએટેક આવ્યો અને એ મરી ગયો. એ પછી નયનાને એના સાસરિયાંઓએ તગેડી મૂકી. દસ અને આઠ વર્ષના બે દીકરાઓને લઈને નયના અહીં ભાઈ-ભાભીના આશરે આવી હતી. ભાઈ-ભાભીની દશા હેન્ડ ટુ માઉથ જેવી હતી. એમાં એ આ ત્રણને કઈ રીતે પાલવે ? યુવાન વયે વિધવા થયેલી બહેન માટે ભાઈને લાગણી તો અપરંપાર હતી, પણ માત્ર લાગણીથી પેટ કઈ રીતે ભરાય ? એકાદ અઠવાડિયાની વાત હોય તો નિભાવી શકાય, પણ કાયમ માટે આ જવાબદારી લેવાની એની આર્થિક શક્તિ નહોતી. શેરી વચ્ચે બહેન કપડાંનું પોટલું લઈને ઊભી હતી. બંને દીકરાઓ એને વળગીને ઓશિયાળાં બનીને મામા-મામી સામે આશાભરી નજરે તાકી રહ્યા હતા. આજુબાજુના લોકો આ તમાશો જોઈ રહ્યાં હતાં. લોકલાજે ભાભીએ એ ત્રણેયને ઘરમાં આવવા તો દીધાં પણ ચોખ્ખા શબ્દોમાં બધાની વચ્ચે કહી દીધું કે અમારેય સાંજે શું ખાવું એની ચિંતા હોય છે, એટલે મહેરબાની કરીને દસેક દિવસમાં બીજી જગ્યા શોધી કાઢજો. કોઈ ઠેકાણું ના મળે તો ગામને પાદર ભમ્મરિયો કૂવો તો છે જ !
આ ઘટનાની ખબર પડી કે તરત જ વીજળીના ચમકારાની જેમ બકુલના મગજમાં એક વિચાર ઝબકી ગયો. અરવિંદના દિલેર સ્વભાવની એને ખબર હતી, અને અહીં નિમુબાની મુશ્કેલીનો એને ખ્યાલ હતો એટલે એ બધાં એને ઓળખતાં હતાં. બકુલે નયનાને પૂછ્યું કે નિમુબાની સાથે રહીને એમનાં બધાં કામ કરવાની તારી તૈયારી છે ? જો તને વાંધો ના હોય તો હું અમેરિકા અરવિંદને ફોન કરીને વાત કરું. એ જો હા પાડે તો તારી બધી મુશ્કેલી ટળી જાય. બંને દીકરાઓ સાથે નિમુબાને ત્યાં રહેવાની વ્યવસ્થા થઈ જાય. બોલ, ફોન કરું ? બંને દીકરાઓને ઉછેરવા માટે લાચાર નયના તો ઉઘાડા પગે આગ ઉપર ચાલવા પણ તૈયાર હતી. એણે તરત હા પાડી દીધી.
બકુલે થોડે દૂર જઈને ફોન જોડયો. અરવિંદ સાથે વાત કરીને આખી પરિસ્થિતિ સમજાવી. ગરીબડી નયના નિમુબાની પૂરી સંભાળ રાખશે અને એનીય જિંદગી બચી જશે. રામજી મિસ્ત્રી અને નયનાને તો અરવિંદ ઓળખતો હતો. અઢાર વર્ષથી અમેરિકામાં એ ખાસ્સું કમાયો હતો એટલે પૈસાનો એના માટે કોઈ પ્રશ્ન નહોતો. નિમુબાની સારી રીતે કાળજી લેવાય એ માટે ગમે તેટલો ખર્ચ કરવા એ તૈયાર હતો. બકુલની વાત સાંભળીને એણે જવાબ આપ્યો કે હું પોતે જ પાંચ- છ દિવસમાં ત્યાં આવું છું.
અરવિંદ રતનપુર આવ્યો. એણે નિમુબા સાથે વાત કરી. નિમુબાનો સ્વભાવતો આમેય અન્નપૂર્ણા જેવો હતો. ગામની એક દુઃખિયારી દીકરી પોતાના આશરે રહીને એનાં બે બાળકોને મોટા કરે એવી વાતમાં એમને શું વાંધો હોય ? દીકરાના હૈયાની અમીરાત જોઈને એ રાજી થઈ ગયાં. આમેય ભગવાને મને દીકરીનું સુખ નહોતું આપ્યું, એ હવે ઘરડે ઘડપણમાં મળ્યું એમ માનીશ. એવું કહીને એમણે સંમતિ આપી કે તરત અરવિંદે નયનાને ઘેર બોલાવી. એ વખતે બકુલ પણ અરવિંદની સાથે જ હતો.
અરવિંદની વ્યવહારુ બુધ્ધિ સલામ કરવી પડે એવી. ''આ મારી બા છે, એ આજથી તારી યે બા.'' અરવિંદે નયનાને સમજાવ્યું. ''હું તો છેક અમેરિકામાં બેઠો છું, પણ તારે હવે ચોવીસેય કલાક આપણી બા સાથે રહેવાનું છે. એમને કોઈ તકલીફ ના પડે એ જોવાની જવાબદારી તારી. કંઈ પણ કામકાજ હોય તો આ બકુલભાઈ તો અમદાવાદમાં જ રહે છે. એમને તું કહીશ એટલે એ તો કાર લઈને બે કલાકમાં અહીં આવી જશે. ભાઈ બનીને હું તારી પડખે ઊભો છું. તારા બંને દીકરાઓ ભણીગણીને કમાતાં થાય ત્યાં સુધીની તમામ ફરજ હું પ્રેમથી નિભાવીશ. એના બદલામાં તારે દીકરી બનીને નિમુબાની સેવા કરવી પડશે.'' નયનાની સામે જોઈને અરવિંદે પૂછ્યું. ''મારી વાત સમજાય છે, બેન ?'' જવાબમાં નયના એક અક્ષર પણ બોલી ના શકી. ભીની આંખ સાથે એણે અરવિંદના પગ પકડી લીધા.
બકુલ અને નયનાને લઈને અરવિંદ બેન્કમાં ગયો. નિમુબા અને નયનાની સંયુક્ત નામે રૂપિયા વીસ લાખની એણે એ રીતની ડિપોઝિટ મૂકી કે દર મહિને એનું વ્યાજ ચૂકવાય.
પતિના અકાળ અવસાન પછી સાવ ભાંગી પડેલી નયના હવે સંપૂર્ણ શક્તિ સાથે જિંદગીના પડકારને ઝીલીને નિમુબાની સારસંભાળમાં લાગી ગઈ હતી. સાત દિવસ રોકાઈને અરવિંદ પાછો અમેરિકા જતો રહ્યો. એ દરમિયાન બકુલ વચ્ચે વચ્ચે અમદાવાદ જઈ આવતો હતો. એના મકાનનું રિપેરિંગ કામ પતી ગયું એ પછી એ પણ અમદાવાદ ગયો. નયના પૂરી નિષ્ઠાથી નિમુબાની સગી માતાની જેમ સેવા કરતી હતી. નયનાના બંને દીકરાઓ તો નાની-નાની કહીને નિમુબા સાથે એ રીતે ભળી ગયાં હતાં કે કોઈ અજાણ્યાને તો એમ જ લાગે કે આ નયના નિમુબાની સગી દીકરી છે !
અહીં સુધીની આખી કથાના બધા પ્રસંગો વિશે વિગતવાર વાત કરીને બકુલ સોનીએ લગીર અટકીને ગળું ખોખાર્યું અને પાણી પીધા પછી આગળ બોલવાનું શરૂ કર્યું.
આ આખી વાત જે મેં કહી એ પંદર-સોળ વર્ષ અગાઉની છે... આવી ઘટનામાં પરમેશ્વરે મને નિમિત્ત બનાવ્યો એને હું મારું સદભાગ્ય માનું છું. મારા સદનસીબે જ મને આ સેવાની તક મળી ગયેલી. ગરીબડી નયનાની વાત સાંભળીને તરત જ મને વિચાર આવ્યો અને મેં અરવિંદને ફોન કર્યો. મારો એ દિલદાર દોસ્ત અમેરિકાથી દોડી આવ્યો. એણે ખૂબ આનંદથી ઓશિયાળી નયનાને પોતાની બહેનનો દરજ્જો આપીને માતાની જવાબદારી સોંપી દીધેલી. મેં આંગળી ચીંધી અને અરવિંદે ઉદારતા દાખવી, એમાં નયનાનું જીવન સુધરી ગયું.
દર વર્ષની જેમ આ દિવાળીએ પણ ભીમનાથ દાદાના દર્શન કરવા રતનપુર ગયેલો. ત્યાં ગયો એટલે નિમુબાને પણ વંદન કરવા ગયેલો.
નયના તો મને પણ મોટો ભાઈ સમજીને આદર આપે છે, નિમુબાનું હવેલી જેવું મકાન નયના ચોખ્ખુંચણાક રાખે છે. અરવિંદ અમેરિકામાં જલસા કરે છે. અહીં નયના અને એના બંને દીકરાઓ સાથે નિમુબાની જિંદગી પણ આનંદથી હરીભરી બની ગઈ છે. એમને જીવવાનું હવે વધુ સાર્થક લાગે છે. તમે નહીં માનો, પણ દિવસે દિવસે નિમુબાની ઊંમર જાણે નાની થતી જતી હોય એટલા ઉત્સાહ અને ઉલ્લાસથી એ જીવે છે કે આજે એંશી વર્ષની ઊંમરે પણ એ કડેધડે છે. નયનાના મોટા દીકરાને બારમામાં ખૂબ સારા ટકા આવેલા એટલે નિમુબાએ એને મોરબીની કોલેજમાં ભણવા મોકલેલો. એ છોકરો મિકેનિકલ એન્જિનિયર બની ગયો એ દિવસે નિમુબાએ રાજી થઈને એને નવી મોટરસાઈકલ અપાવી છે. નાનો દીકરો ધંધૂકાની કોમર્સ કોલેજમાં ભણી રહ્યો છે. એક અભાગણી યુવતીના જીવનમાં સુખદ પરિવર્તન લાવવામાં હું નિમિત બન્યો એનો મને આનંદ છે.
બકુલ સોની વિગતવાર જાણકારી આપીને બોલી રહ્યાં હતાં ત્યારે એ તમામ પાત્રો જાણે મારી નજર સામે તરવરી રહ્યાં હતાં !


