અત્યંત રૂપાળી અજાણી યુવતીની હત્યાનો પર્દાફાશ માત્ર ત્રણ દિવસમાં!
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- એક દિવસ રામેન્દુ કાર ઘેર મૂકીને ગયેલો ત્યારે સુનિધિએ પરિચિત મિકેનીકને બોલાવીને કારમાં જીપીએસ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાવી અને પોતાના મોબાઈલ સાથે કનેક્ટ કરાવી!
- શ્રેયા શર્મા
- રામેન્દુ ઉપાઘ્યાય
- પ્રેસ કોન્ફરન્સમાં આરોપી
- શ્રેયાની બહેન સિજાના
- ઘટનાસ્થળે પોલીસ
- શ્રેયાની લાશ
અ નેક પ્રાચીન તીર્થધામ ત્યાં આવેલા હોવાથી ઉત્તરાખંડ રાજ્યને દેવભૂમિનો દરજ્જો મળ્યો છે. એ ઉપરાંત, ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં અત્યંત વિશાળ કેન્ટોનમેન્ટ વિસ્તાર હોવાથી એને સૈન્યધામ પણ કહેવામાં આવે છે. તાજેતરમાં બનેલી એક ઘટનામાં એક વ્યક્તિના કારનામાએ લોકોને ભાન કરાવ્યું કે દેવભૂમિમાં દાનવ જેવા માણસ પણ વસે છે અને સૈન્યમાં સેતાની દિમાગ ધરાવતા ફૌજી પણ હોય છે!
દહેરાદૂનની નજીક આવેલા સિલ્વારગઢ જવા માટે થાણા રોડ પસાર કરીને આગળ વધવું પડે. આજુબાજુ જંગલ જેવા એ પહાડી રસ્તા પર રાત્રે તો કોઈ પદયાત્રી ના હોય, ખેતરમાં કામ કરનારા લોકો સવારે અજવાળું થાય પછી ત્યાંથી નીકળે. તારીખ ૧૦-૯-૨૦૨૩ઃ રવિવારે સવારે છ વાગ્યે એ રસ્તા પર જતા એક ગ્રામજનની નજર રસ્તાની ધારે આવેલા કાચા નાળા ઉપર પડી અને એ ભડક્યો. પચીસેક વર્ષની અત્યંત રૂપાળી યુવતીની લાશ એ નાળામાં પડી હતી! એ અર્ધનગ્ન ગોરી ગોરી લાશના માથામાંથી વહેલું લોહી જામીને કાળું પડી ગયું હતું અને એના ઉપર માખીઓ બણબણતી હતી. એ માણસમાં પોલીસને ફોન કરવાની હિંમત નહોતી એટલે એ સીધો સરપંચના ઘેર દોડયો. એની વાત સાંભળીને સરપંચે તરત મોટરસાઈકલને કીક મારી અને પેલાને પાછળ બેસાડયો. આ વિસ્તાર દહેરાદૂનના રાયપુર પોલીસસ્ટેશનની હદમાં આવતો હતો એટલે નાળા પાસે લાશને જોયા પછી સરપંચે પોલીસસ્ટેશને ફોન કર્યો. રૂપાળી યુવતીની અર્ધનગ્ન લાશના સમાચાર જાણીને પોલીસની જીપ ત્યાં આવી ગઈ.
લાશના શરીર ઉપર બીજી કોઈ ઈજા નહોતી. હથોડા જેવા બોથડ પદાર્થથી એના માથામાં સંખ્યાબંધ પ્રહાર કરીને અત્યંત પાશવી રીતે એ યુવતીનું મોત નિપજાવવામાં આવેલું. આ યુવતી કોણ છે? એની હત્યા કોણે કરી? શા માટે હત્યા કરીને લાશને અહીં ફેંકવામાં આવી? આ બધા પ્રશ્નો વચ્ચે પોલીસ માટે આ અઘરો કેસ હતો. લાશની ઓળખ થઈ શકે એવી પર્સ કે મોબાઈલ જેવી એકેય કડી પણ ત્યાં નહોતી.
દહેરાદૂન જેવા પ્રમાણમાં શાંત વિસ્તારમાં આવી ક્રૂર હત્યા થયેલી એટલે સિનિયર એસ.પી. દલિપસિંહ કુંવર પણ એમની ટીમ સાથે ત્યાં દોડી આવ્યા. લાશની દશા અને આસપાસની જગ્યાનું નિરીક્ષણ કરીને એમણે ચાર ટીમ બનાવીને એસ.પી. (સીટી) સરિતા ડોભાલ અને અન્ય ત્રણ અધિકારીઓને ટીમની જવાબદારી સોંપી દીધી.
આ યુવતી કોણ છે? એની ઓળખનું કામ સૌથી મહત્વનું હતું. એક ટીમે એ જવાબદારી સંભાળીને કામ શરૂ કરી દીધું. લાશના ફોટોગ્રાફ લઈને એને સોશિયલ મીડિયાના જુદા જુદા ગ્રુપમાં મોકલીને જણાવ્યું કે આ બહેન વિશેની કોઈ પણ જાણકારી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો.
એ યુવતીએ જે ફ્રોક પહેરેલું એ સાવ નવું હતું અને એના પર બ્રાન્ડ નેઈમ 'ઝુડિયો'ની ટેગ હતી. આ બ્રાન્ડના દહેરાદૂનમાં માત્ર બે શૉરૂમ હતા. એક ટીમે લાશના ફોટા લઈને એ બંને શૉરૂમમાં તપાસ શરૂ કરી. છેલ્લા પંદર દિવસમાં આ રંગ અને ડિઝાઈનના કુલ આઠ ફ્રોક વેચાયેલા. એ આઠેયના બિલની તારીખ અને સમય નોંધીને એ વખતના સ્ટોરના સીસીટીવી કેમેરાના ફૂટેજની પોલીસે ચકાસણી શરૂ કરી.
ત્રીજી ટીમે આસપાસના અર્ધો કિલોમીટર વિસ્તારમાં આવેલા કાચા ઝૂંપડા જેવા મકાનોમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી દીધી.
શનિવારની રાત્રે જ આ બનાવ બનેલો હશે એ ધારણાએ ચાલાક પોલીસની ટીમે થાણા રોડની શરૂઆતમાં મહારાણા ચોક-થાણો ચોક અને છેલ્લે સિલ્વારગઢમાં જે સીસીટીવી હતા એના ફૂટેજની ઝીણવટથી ચકાસણી શરૂ કરી કારણ કે ઘટનાસ્થળની આસપાસ તો કોઈ સીસીટીવી કેમેરા નહોતા. થાણો ચોક સીસીટીવી અને સિલ્વારગઢના સીસીટીવી- એ બંને જગ્યા વચ્ચેનું અંતર કાપવામાં વાહનને અઢારથી વીસ મિનિટ થાય. બંને તરફથી આવેલા અને ગયેલા વાહનોએ રસ્તા પર કેટલો સમય પસાર કર્યો એ ચકાસણીનું કામ ચોકસાઈ માગી લે એવું હતું અને શનિવારે રાત્રે ત્યાં આવ-જા કરનારા કુલ ૨૪૦ વાહનોના સમયની પોલીસે ચકાસણી કરી તો એમાં અઢાર કાર એવી હતી કે જેણે વીસ મિનિટથી વધારે સમય લીધો હતો. એ અઢાર કારના નંબર મેળવીને એના માલિકોનો અતોપતો અને મોબાઈલ નંબર મેળવ્યા પછી પોલીસને થોડીક આશા જન્મી.
આ તરફ યુવતીએ પહેરેલા 'ઝુડિયો' બ્રાન્ડના ફ્રોકની તપાસમાં શૉરૂમના સીસીટીવીમાં તારીખ ૩-૯-૨૦૨૩ના દિવસે આ યુવતી આ ફ્રોક ખરીદતી દેખાઈ. એની સાથે કોણ હતું એ જાણવા માટે સીસીટીવીમાં એ સમયે શૉરૂમની બહાર પાર્ક થયેલા જે વાહનો દેખાતા હતા એમના નંબર પણ નોંધી લેવામાં આવ્યા. એમાં એક કિઆ કાર ઉપર મોટા અક્ષરે 'આર્મી' લખેલું હતું.
વીસ મિનિટથી વધારે સમય લેનારા વાહનોની તપાસમાં સૌથી વધારે સમય લેનાર કારનો નંબર પોલીસને મળી ગયો. UK 07 DX 5881 નંબરની કિઆ કારે થાણા રોડથી સિલ્વારગઢ વચ્ચે વીસ મિનિટને બદલે દોઢ કલાક લીધેલો! એ કાર ઉપર 'આર્મી' લખેલું હતું!
બંને ટીમનું સંકલન થયું એટલે પોલીસને ખાતરી થઈ કે આ કારનો માલિક હત્યા સાથે સંકળાયેલો છે. એ કારનો માલિક પ્રેમનગર, પંડિતવાડીમાં રહેતો હતો. એનું નામ રામેન્દુ વાલ્મિકી ઉપાધ્યાય! ૪૨ વર્ષનો આ આર્મી અધિકારી લેફ્ટનન્ટ કર્નલની પોસ્ટ ઉપર હતો અને એના મોબાઈલનું લોકેશન પણ ઘટનાસ્થળનું જ હતું.
ક્લેમેન્ટટાઉન કેન્ટોનમેન્ટમાં જ રામેન્દુનું પોસ્ટિંગ હતું. એની પત્ની અને બે વર્ષના પુત્ર સાથે એ પંડિતવાડીમાં રહેતો હતો. પોલીસની જીપ ત્યાં પહોંચી ત્યારે રામેન્દુ ફફડી ગયો. પ્રતિકાર કર્યા વગર એ ચૂપચાપ જીપમાં બેસી ગયો અને પોલીસસ્ટેશને પહોંચીને એણે હત્યાની કબૂલાત પણ કરી લીધી!
રામેન્દુ ઉપાધ્યાય મૂળ ગાજીપુરનો. ૨૦૦૯માં સેનામાં જોડાયો અને ૨૦૧૦માં ડિપાર્ટમેન્ટલ કમિશનને લીધે લેફ્ટનન્ટ કર્નલ બન્યો. ઈન્ડિયન મિલિટરી એકેડેમીમાં એક વર્ષની તાલીમ પછી પોસ્ટિંગ મળ્યું. સેનામાં અધિકારી બન્યા પછી એણે સુનિધિ (આ નામ કાલ્પનિક છે) સાથે લગ્ન કર્યા. લગ્ન પછી એને અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ મળ્યું. અહીં પંડિતવાડીમાં એના મકાનની જોડે જ એણે આઠ રૂમનું એક બીજું મકાન બનાવીને ત્યાં 'કુટુંબ' નામનું પીજી સેન્ટર બનાવેલું. એ પીજી સેન્ટરની જવાબદારી સુનિધિને સોંપીને નોકરીના દરેક સ્થળે એ એકલો જ જતો હતો.
વર્ષ ૨૦૧૯માં રામેન્દુને પ.બંગાળના સિલિગુડીમાં પોસ્ટિંગ મળેલું. સ્વભાવ રંગીલો એટલે સિલિગુડીના સીટીસેન્ટર મોલમાં આવેલા ઝીઝ્ઝી ડાન્સ બારની અવારનવાર મુલાકાત લેતો. ત્યાં જ એને બાર ડાન્સર શ્રેયા સાથે પરિચય થયો.
શ્રેયા ઉર્ફે સુમિત્રા શિવબહાદુર શર્મા નેપાળના તનહુ જિલ્લાની હતી. પાંચ વર્ષ અગાઉ એના પિતાનું અવસાન થયું એટલે માતા અને નાના ત્રણ ભાઈ-બહેનની જવાબદારી શ્રેયા ઉપર આવી ગયેલી. રૂપાળી હતી અને ડાન્સના સ્ટેપ્સ સિવાય બીજી કોઈ આવડત નહોતી, એટલે નેપાળ છોડીને એ સિલિગુડી આવી ગઈ અને બાર ડાન્સર તરીકે નોકરી શરૂ કરી. જે પગાર અને ટીપ મળે એમાંથી દર મહિને એ ત્રીસેક હજાર રૂપિયા નેપાળ મોકલતી હતી.
રામેન્દુ અને શ્રેયાનો સંબંધ વધ્યો અને રામેન્દુએ એને એક ફ્લેટ ભાડે અપાવ્યો અને એમાં એ બંને પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા. પોતે પરણેલો છે અને એક દીકરાનો બાપ છે એ જાણકારી રામેન્દુએ શ્રેયાને નહોતી આપી.
જુલાઈ, ૨૦૨૩ માં રામેન્દુનું ફરીથી દહેરાદૂનમાં પોસ્ટિંગ થયું. એ શ્રેયાનો સાથ છોડવા નહોતો માગતો એટલે શ્રેયાને પણ એ દહેરાદૂન લઈ આવ્યો. ક્લેમેન્ટટાઉન કેન્ટોનમેન્ટ પાસે જ એક ફ્લેટ ભાડે રાખીને શ્રેયાને એમાં રાખી.
સિલિગુડીમાં તો રામેન્દુ આઝાદ પંખી હતો, પણ અહીં દહેરાદૂનમાં તો એની પત્ની સુનિધિ હાજર હતી. ઑફિસમાં કામ વધારે છે, ચાર દિવસ ડેપ્યુટેશન ઉપર બહારગામ જવાનું છે-આવા જાતજાતના બહાના કાઢીને રામેન્દુ શ્રેયાની સાથે રહેવા લાગ્યો. દરેક પત્નીને ઈશ્વરે જન્મજાત એવી આવડત આપેલી છે કે પોતાના પતિનો પગ કૂંડાળામાં પડી ચૂક્યો છે એની જાણકારી એને મળી જ જાય! વારંવારના બહાનાને લીધે સુનિધિને શંકા પડેલી. એણે ચાલાકી કરી. એક દિવસ રામેન્દુ કાર ઘેર મૂકીને ગયેલો ત્યારે સુનિધિએ પરિચિત મિકેનીકને બોલાવીને કારમાં જીપીએસ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાવી અને પોતાના મોબાઈલ સાથે કનેક્ટ કરાવી! હવે રામેન્દુની કાર ક્યાં ક્યાં ફરે છે એની જાણકારી સુનિધિ માટે હાથવગી હતી. રામેન્દુ કોઈ બહાનું કાઢે કે તરત સુનિધિ એને અરીસો બતાવતી. એમાં ઝઘડા શરૂ થયા.
ચોકસાઈથી ચકાસણી કરીને લાગ જોઈને એક દિવસ સુનિધિ શ્રેયાના ફ્લેટ પર પહોંચી અને ત્યાં એણે રામેન્દુને રંગે હાથ પકડયો! શ્રેયા-સુનિધિ વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો. એ શાંત કરવા માટે રામેન્દુએ હાર સ્વીકારી. બે હાથ જોડીને સુનિધિની માફી માગી અને બીજા જ દિવસે શ્રેયાને સિલિગુડી રવાના કરી દીધી.
પતિ-પત્નીના સંબંધમાં અવિશ્વાસની દીવાલ ઊભી થઈ ગઈ હતી. એ પરિસ્થિતિમાં રામેન્દુની દશા એવી હતી કે શ્રેયા વગરનું જીવન એને ફિક્કું લાગતું હતું. કારમાં જીપીએસની એને ખબર નહોતી એટલે એણે શ્રેયાને પાછી દહેરાદૂન બોલાવી લીધી અને બીજી જગ્યાએ ફ્લેટ ભાડે રાખ્યો.
શ્રેયા આવી તો ખરી પણ એને હવે રામેન્દુની અસલિયતનો ખ્યાલ આવી ચૂક્યો હતો. પોતાની પીડા ભૂલવા માટે એ દારૂના રવાડે ચડી ગઈ હતી. ફ્લેટનું ભાડું અને દારૂના પૈસા રામેન્દુ ચૂકવતો હતો. આ ઉપરાંત, શ્રેયાને રાંધતા નહોતું આવડતું એટલે સવાર-સાંજનું ભોજન પણ એ હોટલમાંથી જ મંગાવતી હતી અને એ પૈસા પણ રામેન્દુ ચૂકવતો હતો.
રામેન્દુ બરાબર ફસાયો હતો. ઘરમાં સુનિધિનો કકળાટ ચાલુ હતો અને આ તરફ શ્રેયા લગ્ન માટે દબાણ કરતી હતી. ગળે આવી ચૂકેલી શ્રેયા હવે બેફામ આક્રમક બની ચૂકી હતી. દારૂના નશામાં ચકચૂર થઈને એ રામેન્દુને ગાળો બોલીને કહેતી હતી કે તેં મારી જિંદગી બરબાદ કરી નાખી-મને રખાતની જેમ ક્યાં સુધી રાખીશ? મારી સાથે લગ્ન ક્યારે કરીશ?
પોતાના પગ ઉપર પોતે જ કુહાડી મારી હતી અને એને લીધે રામેન્દુ પૂરેપૂરો અકળાયો હતો. શું કરવું એ એને સમજાતું નહોતું. સુનિધિ અને દીકરાનો ત્યાગ કરીને સમાજમાં બદનામ થવાની તૈયારી નહોતી અને વિફરેલી વાઘણની જેમ શ્રેયા ન્યાય માગતી હતી. લગ્ન માટે દબાણ કરતી હતી. આકરા મનોમંથન પછી રામેન્દુએ ખતરનાક નિર્ણય લીધો.
તારીખ ૯-૯-૨૦૨૩, શનિવારની સાંજે એણે શ્રેયાને બાર પર બોલાવી. પોતે સાવ ઓછો દારૂ પીધો અને શ્રેયાને ભરચક દારૂ પીવડાવ્યો. શ્રેયા પૂરેપૂરી નશામાં આવી ગઈ એ વખતે રામેન્દુએ એને કહ્યું કે લોંગ ડ્રાઈવ પર જવાની ઈચ્છા છે. શ્રેયા કારમાં બેસીને પણ સતત પીધા જ કરે એ માટે રામેન્દુએ ચાર બોટલ પણ સાથે લઈને શ્રેયાને આપી દીધેલી. રામેન્દુ સાથેની સંબંધોમાં કડવાશ ઊભી થયા પછી શ્રેયા માટે જાણે દારૂ એક સહારો બની ગયો હતો. એ દારૂ ગટગટાવતી હતી અને રામેન્દુએ કારને થાણો ચોકથી આગળ સિલ્વારગઢના રસ્તે લીધી. જંગલ જેવા સૂમસામ રસ્તે એણે કાર ઊભી રાખી. નશામાં ચૂર શ્રેયાને એમ લાગ્યું કે રામેન્દુને અહીં કારમાં સેક્સની ઈચ્છા હશે. એ કપડાં કાઢતી હતી એ વખતે રામેન્દુ ઊભો થયો. શ્રેયાને મારી નાખવા માટે એ પૂરી તૈયારી કરીને જ આવેલો. પાછળની સીટ પરથી મોટો હથોડો લઈને એણે શ્રેયાના માથામાં માર્યો. એક-બે નહીં પણ ઝનૂનપૂર્વક દસ ઘા એવા માર્યા કે શ્રેયાના શ્વાસ અટકી ગયા! સહેજ આગળ જઈને રામેન્દુએ શ્રેયાની લાશને નાળામાં ફેંકી દીધી. ચહેરાની ઓળખ ના થાય એ માટે એ ટોઈલેટ ક્લીનરની બોટલ પણ સાથે લાવેલો. એ બોટલ લાશના ચહેરા ઉપર ઠાલવીને એ પાછો ઘેર આવી ગયો.
શનિવારે રાત્રે એણે હત્યા કરેલી અને મંગળવારે સાંજે તો પોલીસે એને ઝડપી લીધો. એને કોર્ટમાં રજૂ કરીને ચૌદ દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો. એ વખતે એણે પોલીસને કહ્યું કે જો તમે પકડયો ના હોત તો હું સુનિધિને એમ જ કહેવાનો હતો કે તું નિશ્ચિંત રહે, શ્રેયાને પાછી નેપાળ મોકલી દીધી છે!
શ્રેયાના પરિવારનો મહામુસીબતે સંપર્ક થયો. શ્રેયાની નાની બહેન સિજાના કોઈ સંબંધીને સાથે લઈને આવી રહી હતી. બુધવારે કોરોનેશન હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. રામેન્દુની ક્રૂરતા જોઈને તબીબો પણ ડઘાઈ ગયા. માથા ઉપરના દસ ઘામાં સૌથી ઊંડો ઘા આઠ ઈંચનો હતો!
પોલીસે જાણ કરેલી એટલે ડિફેન્સના PRO લે. કર્નલ મનીષ શ્રીવાસ્તવે કહ્યું કે પોલીસ પાસેથી ચાર્જશીટની નકલ મળશે ત્યારે આગળની કાર્યવાહી માટે એને આર્મી હેડ ક્વાર્ટરને મોકલીશું.
સાતમા દિવસે પહોંચેલી સિજાના તો મોટીબહેનની લાશનો ચહેરો જોઈને જ ફસડાઈ પડી. એનું આક્રંદ જોઈને ત્યાં હાજર બધાએ પીડા અનુભવી. સિજાનાએ રડીને કહ્યું કે મારી મોટી બહેન એકલા હાથે અમારા આખા પરિવારનું ભરણપોષણ કરતી હતી, હવે ઘરમાં કોઈ કમાનાર નથી! પોલીસની સહાયથી જ લખ્ખીબાગ સ્મશાનમાં શ્રેયાના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા.
રામેન્દુની ધરપકડ પછી સુનિધિ પણ શોકમાં ગરકાવ છે. રંગીન સ્વભાવનો આર્મી ઑફિસર-નામ રામેન્દુ-પિતાનું નામ વાલ્મિકી-અટક ઉપાધ્યાય-એ છતાં એની હેવાનિયતથી બંને પરિવાર દુઃખના દરિયામાં ડૂબી ગયા છે!