- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક
- ગઈકાલે હોળીના દિવસે તો સાચેસાચી હૈયાહોળી થઈ ગઈ. ગઈકાલે સર્વિસ રેકર્ડની આખી ફાઈલ ખોઈને આવ્યા છે. નોકરીમાં લાગ્યા ત્યારથી આજ સુધીનાં બધાં જરૂરી કાગળ એમાં હતાં
'ત મારી માએ તમને વસ્તુ સાચવવાનું જરાયે શીખવ્યું નથી. પોતાની વસ્તુ સાચવવાનો વેતો જ નથી બળ્યો !' લીનાએ લલિતને લબડધક્કે લીધો હતો.
'ગયા મહિને મોબાઈલ ખોયો. એ અગાઉ નવરાત્રિમાં ચશ્માં ખોઈ આવ્યા હતા.'
'એ એકની એક કથા ક્યાં સુધી સંભળાવીશ ?' લલિતે ચિડાઈને ખુલાસો કર્યો. 'એટલા માટે તો બધા મશ્કરી કરે એવો સીધોસાદો બેઝિક મોબાઈલ રાખું છું. નંબરવાળા ચશ્માની ફ્રેમ પણ સાવ સસ્તામાં સસ્તી શોધું છું. ગુમ થઈ જાય તો જીવ ના બળે...'
'એ વાત સાચી, પણ વસ્તુને જાળવવાની કાળજી તો હોવી જોઈએ ને ? મોબાઈલ અને ચશ્માં તો મૂવા નવા લઈ લેવાય, પણ આ ફાઈલનું શું કરશો ? બધા ઓરિજીનલ કાગળિયાં ક્યાંથી લાવશો ?...' લીનાનો અવાજ ધીમો પડયો અને એમાં ચિંતાનો રણકાર ઉમેરાયો. 'આવતા મહિને તો રિટાયર થશો, એ પછી કોઈ તમને સરખો જવાબ પણ નહીં આપે.'
લીના બોલતી હતી એ જ વખતે ટિપોઈ પર પડેલો ટેલિફોન રણક્યો. એ ફોન તરફ આગળ વધી એટલે લલિતે હાશકારો અનુભવ્યો. હવે એ ફોન ઉપર વાત કરે ત્યાં સુધી શાંતિ.
'શીલાડી, તું તો ક્યારેય ફોન પણ નથી કરતી. જૂની બહેનપણી પાસે મને એટલી તો આશા હોય ને ?..' સામા છેડે લીનાની કોઈ જૂની સખી છે એ જાણ્યા પછી લલિતને ખ્યાલ આવી ગયો કે હવે વાંત લાંબી ચાલશે. એ આરામથી સોફા ઉપર બેઠો અને અખબાર હાથમાં લીધું. આજે ધૂળેટીનો તહેવાર હોવાથી રંગરંગીન પૂર્તિ ઉપર નજર ફેરવી પણ કાન તો લીનાનો રણકતો અવાજ સાંભળવામાં રોકાયા હતા.
લીનાની વાત ચાલુ હતી. 'આજે ચોથી તારીખ તો થઈ ગઈ. સત્યાવીસમી તારીખે જાન આવશે. ઘરમાં પહેલો પ્રસંગ છે એટલે બેનપણી તરીકે તારી ફરજ શું ? મને તારી પાસેથી એટલી તો આશા હોય ને કે ઘેર આવીને તું પૂછે કે લગ્નમાં કોઈ કામકાજમાં કંઈ જરૂર છે ?...' આક્રમકતાથી આટલું કહીને એણે શાંતિથી ઉમેર્યું. 'શીલાડી, આમ તો કંઈ કામ બાકી નથી, તોય તું આવે તો સારું લાગે...'
સામે છેડેથી શીલાએ કંઈક કહ્યું એ સાંભળીને લીનાએ કથા શરૂ કરી. 'એ સાહેબને ક્યાં કંઈ ઉપાધિ છે ? હું બેઠી છું ને ? સાહેબ તો અત્યારે આરામથી છાપું વાંચે છે...' લલિત સામે નજર કરીને લીનાએ બળાપો ઠાલવ્યો. 'આમ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, પણ સાવ ભૂલકણા. કોઈ વસ્તુ સાચવવાનો વેતો જ ના મળે. નાના છોકરાની જેમ વારેઘડીએ ચશ્માં ને મોબાઈલ ખોઈ નાખે. એમાંય ગઈકાલે હોળીના દિવસે તો સાચેસાચી હૈયાહોળી થઈ ગઈ. ગઈકાલે સર્વિસ રેકર્ડની આખી ફાઈલ ખોઈને આવ્યા છે. નોકરીમાં લાગ્યા ત્યારથી આજ સુધીનાં બધાં જરૂરી કાગળ એમાં હતાં. એ ફાઈલ નહીં જડે ત્યાં સુધી પેન્શનનું ઠેકાણું નહીં પડે !'
લીનાના અવાજમાં પીડા ઉમેરાઈ. 'હું ચિંતા કરીને જીવ બાળું છું, પણ સાહેબને કોઈ અસર નથી, એ નિરાંતે છાપું વાંચે છે. પાછા મને સમજાવે છે કે ફાઈલમાં પૂરું નામ-સરનામું છે એટલે જેને જડશે એ ઘરે આવીને આપી જશે ! જાણે સતયુગમાં જીવતાં હોય એવી વાત કરે ત્યારે દાઝ તો ચડે ને ? રિક્ષામાં બેસતી વખતે રિક્ષાનો નંબર જોવાની કાળજી રાખવાને બદલે શાંતિથી મને આવું સમજાવે એ કેમ ચાલે ?...'
સામા છેડેથી વાતનો વિષય બદલાયો એટલે લીનાના અવાજમાં ઉત્સાહ છલકાયો. 'સાડી હવે કોણ પહેરે છે ? બેબીએ ચોખ્ખી ના પાડી એટલે એની પસંદગીના ચૌદ જોડી ડ્રેસ અપાવી દીધાં. લગ્ન અને રિસેપ્શન માટે બે સાડી ખરીદી એમાં લાંબા થઈ ગયા. ભગવાને બુદ્ધિ સૂઝાડેલી એટલે આઠ તોલાના દાગીના તો આ ભાવ વધ્યા એ પહેલાં જ ખરીદી લીધેલાં, બાકી અત્યારે તો સોનાનો ભાવ પણ પૂછાય એવું નથી. એ વખતે ય મેકિંગ ચાર્જના નામે ઘડામણ તો ખૂબ મોંધું હતું... હશે... દીકરા બે છે, પણ દીકરી તો એક જ છે ને ? વળી પહેલો પ્રસંગ છે, એટલે આઠ તોલાની હિંમત કરેલી, દીકરી એના નસીબનું લઈ જશે...'
સામેથી જે કહેવાયું એ સાંભળીને લીનાના ચહેરા પર આનંદ ઉભરાયો. 'હું તો ઘરે જ છું. ચાર વાગ્યે આવ કે પાંચ વાગ્યે. મારે ક્યાંય જવાનું નથી. ઘેર જ છું. તું આવ. નિરાંતે વાતો કરીશું.'
ફોન મૂકીને લીનાએ લલિત સામે જોયું. 'આ શીલાનો વર ધંધા માટે લાખોની હેરફેર કરે છે. શીલા કહેતી હતી કે એમણે ક્યારેય કંઈ ખોયું નથી... ને તમે ? સાચવણ જેવી કોઈ ચીજ જ નથી. આપણી વસ્તુ સંભાળીને રાખવી જોઈએ એવી સાદી સમજણ પણ તમારામાં નથી. મને તો સમજાતું નથી કે નિશાળમાં છોકરાંઓને તમે શું શીખવાડતા હશો ? લગ્નનું કામ ઓછું હતું કે આ નવી મુસીબત ઉભી કરી ?...'
લલિત ચૂપચાપ સાંભળતો હતો. ગઈ કાલે ગાંધીનગરની ઓફિસે ગયો હતો. સ્કૂલની બધી ફાઈલોની સાથે જ પેન્શન માટેની આ ફાઈલ હાથમાં હતી. ગાંધીનગરથી એક ઓફિસરની કારમાં થલતેજ ચાર રસ્તા સુધી લિફ્ટ મળી હતી. ત્યાંથી બે શટલ રિક્ષા બદલીને ઘેર આવ્યો હતો. સ્કૂલની બધી ફાઈલો સલામત હતી. માત્ર મહત્વની આ ફાઈલ જ આ પ્રવાસમાં ક્યાંક ખોવાઈ ગઈ હતી. લગ્નની ભરચક તૈયારીઓ વચ્ચે આ અણધારી ઉપાધિ નોતરવામાં પોતાની બેકાળજી હતી એટલે લીના જે બોલે એ સાંભળી લીધા સિવાય છૂટકો નહોતો.
'બે કલાક સુધી હું લોહીઉકાળા કરીશ તોય તમે નહીં સુધરો...' લીનાએ તલવાર મ્યાન કરી. 'પથ્થર ઉપર પાણી રેડવાનો કોઈ અર્થ નથી..' રસોડામાં જતાં અગાઉ અટકીને લલિત સામે જોઈને બબડી. 'આ તો તમારું નસીબ સારું છે કે મારા જેવી કાળજી અને ચોકસાઈવાળી બૈરી મળી છે, બાકી કોક દાધારંગી અને તમારા જેવી બેપરવા બૈરી મળી હોત તો તમારી શું દશા થાત ?'
બપોરે જમ્યા પછી એકાદ કલાક આરામ કરીને લલિતે સ્કૂટરની ચાવી હાથમાં લીધી. 'હું જાઉં છું. ધૂળેટી છે, છતાં જો પ્રેસ ખુલ્લો હશે અને કંકોત્રી તૈયાર હશે તો લેતો આવીશ. કલરકામ માટે મિશ્રાજીના માણસને સાથે પકડતો આવીશ. કાલે જેમની કારમાં લિફ્ટ લીધેલી, એ સાહેબનો અતોપતો શોધીને કોન્ટેક્ટ કરીશ. ફાઈલ કદાચ એમની કારમાં પણ રહી ગઈ હોય એવું બને.'
એની વાત સાંભળીને લીનાએ ફરીથી પૂછ્યું. 'તમે બે શટલ રિક્ષામાં બેઠેલા, એમાંથી એકેયનો નંબર તમને યાદ નથી ?'
'લ્યો કર લો બાત !' લલિતે સહેજ ચિડાઈને કહ્યું. 'અમદાવાદમાં રિક્ષામાં બેસતા બધા માણસો રિક્ષાનો નંબર ગોખીને બેસતા હશે ?' આટલું કહીને એ ઘરની બહાર નીકળી ગયો અને સ્કૂટર સ્ટાર્ટ કર્યું.
શીલાની દીકરીનું લગ્ન આઠ મહિના પછી હતું. એને લીધે સાંજે શીલા એની દીકરીને લઈને ચાર વાગ્યે જ આવી ગઈ. લલિત તો હજુ બહાર જ હતો.
એ મા-દીકરીને ઉત્સાહથી આવકારીને લીનાએ ચા-નાસ્તો કરાવ્યો. એ બંને નાસ્તો કરતાં હતાં ત્યારે લીનાએ લલિતની બેદરકારીની કેસેટ જ વગાડયા કરી.
એ પછી બેડરૂમના કબાટમાંથી કાઢીને બધો ખજાનો લીના બહાર લાવી. એકની એક દીકરીના લગ્ન માટે ખરીદેલી ચીજવસ્તુઓ પોતાની બહેનપણી અને એની લગ્નોત્સુક દીકરીને બતાવતી વખતે જનેતાના હૈયામાં જે ઉત્સાહ હોય છે, એનું શબ્દોમાં વર્ણન શક્ય નથી. મોંઘીદાટ બંને સાડીઓ, ચૌદેચૌદ ડ્રેસ અને પહેરામણી માટેની સાડીઓ ખૂબ હોંશથી બતાવી.
એ પછી લીના બેડરૂમમાં જઈને દાગીનાના બંને બોક્સ લઈને આવી. 'પહેલા દેશી સોનીઓ ઘડામણ લેતા હતા. હવે મેકિંગ ચાર્જના નામે મોટા શોરૂમવાળા મારી નાખે છે, પણ સામે ગેરંટી સર્ટિ આપે છે એ ફાયદો... સવા વરસ પહેલાં જ સદબુદ્ધિ સૂઝી અને આ બધું લઈ લીધું એ ઇશ્વરની કૃપા જ કહેવાય, બાકી અત્યારે તો આપણી તાકાત નથી.'
લીનાએ બંને બોક્સ ખોલ્યાં એટલે શીલા અને એની દીકરીએ ખૂબ ધ્યાનથી નિરીક્ષણ કર્યું. સુખદ આશ્ચર્યથી એ મા-દીકરી એકબીજાની સામે જોઈ રહ્યાં.
'અદ્ભૂત !' શીલાએ લીનાના બરડામાં ધબ્બો માર્યો. 'તારી પસંદગીમાં કંઈ કહેવાપણું ના હોય. બંને સાડીઓ ખૂબ ફાઈન છે. એકેએક ડ્રેસની ડિઝાઈન અને મટિરિયલ પણ જોરદાર છે અને સોનાના દાગીના ? એની તો વાત જ થાય એવી નથી. રિયલી ગ્રેટ !...' એણે હસીને ઉમેર્યું. 'મારે ખરીદી શરૂ કરવાની હશે ત્યારે દરેક વખતે તને સાથે લઈ જઈશ. તારા ગાઈડન્સમાં જ ખરીદી કરીશ.'
બીજી આડીઅવળી થોડી વાતો કરીને એ મા-દીકરીએ વિદાય લીધી. એ બંનેને મૂકવા માટે લીના ટેનામેન્ટના પગથિયાં સુધી આવી. શીલા એની દીકરીના એક્ટિવા પર આવી હતી. એમનું એક્ટિવા બહાર ગયું અને લીના ઘરમાં જાય એ અગાઉ નવીનક્કોર રિક્ષા ગેટ પાસે ઊભી રહી.
'લલિતભાઈ દરજી ?' રિક્ષાવાળાએ પૂછ્યું. લીનાએ હકારમાં માથું હલાવ્યું. હાથમાં ફાઈલ લઈને ત્રીસેક વર્ષનો રિક્ષાવાળો અંદર આવ્યો એટલે લીનાની આંખમાં સુખદ આશ્ચર્ય ચમક્યું. 'સાહેબ આ ફાઈલ રિક્ષામાં ભૂલી ગયા હતા...' એકદમ વ્યવસ્થિત દેખાતા રિક્ષાવાળાએ લીનાની સામે જોઈને ખુલાસો કર્યો. 'બીજા પેસેન્જરે મને બતાવી ત્યારે ખબર પડી. અંદર જરૂરી કાગળ છે એવું લાગ્યું એટલે ધક્કો ખાઈને આપવા આવ્યો.' યુ.પી.ની હિન્દીની છાંટવાળા અવાજે આટલું કહીને એ બારણાં પાસે જ ઊભો રહ્યો હતો.
'અમે તો ચિંતાથી ગાંડા થઈ ગયા હતા, ભાઈ આવો...' લીનાની પાછળ એ ઘરમાં આવ્યો. એણે લીનાના હાથમાં ફાઈલ મૂકી ત્યારે આભારવશ લીના ફાઈલ સામે તાકી રહી હતી. 'તમને શું ઇનામ આપું, ભાઈ ? અમારા માટે તો આ ફાઈલ ખૂબ કામની હતી. તમે આપવા આવ્યા, એ મોટી મહેરબાની. ધક્કામાં ગેસ તો બળ્યો હશે ને ? બોલો, ભાઈ, શું ઇનામ આપું ?'
'હરામની કોઈ ચીજ ના જોઈએ, મોટીબેન !..' હિન્દી-ગુજરાતીના મિશ્રણમાં એ બોલ્યો. 'યુ.પી. કે ગોરખપુર કા નામ સુના હૈ ન ? વહાં કા હૂં... મફતનું કાંઈ ના લેવાય, મેડમ ! પ્રેમથી અડધો કપ ચા પીવડાવી દો, એમાં બધું આવી ગયું...'
હરખઘેલી લીના રસોડામાં ગઈ. અંદર આવ્યો ત્યારે એ રિક્ષાવાળાની નજર શિકારી કૂતરા જેવી નજર આખા ઓરડામાં ઝડપથી ફરતી હતી એનો લીનાને ખ્યાલ નહોતો.
ચાનો કપ લઈને એ બહાર આવી ત્યારે રિક્ષાવાળો નહોતો, બહાર ઊભેલી રિક્ષા નહોતી અને દાગીનાના બે બોક્સ પણ નહોતા !
હાંફળી ફાંફળી લીના ગાંડાની જેમ છેક રોડ સુધી દોડી. રિક્ષા ક્યાંય દેખાતી નહોતી...લીનાએ રિક્ષાનો નંબર પણ નહોતો જોયો !
(શીર્ષક પંક્તિ : લેખક)


