પ્રતિષ્ઠિત વૃદ્ધ દંપતી વચ્ચેનો લોહિયાળ ઝગડો
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- મારી દીકરી કૃતિના ભોજનમાં ઝેર ભેળવવામાં આવી રહ્યું છે, એનો મોબાઈલ, લેપટોપ બધુંય હેક કરીને એની જાસૂસી કરવામાં આવી રહી છે
- ફાઈલ ફોટોમાં આખો પરિવાર
- ઓમપ્રકાશ Ex.DGP
- પલ્લવી
એ ક ગુજરાતી કહેવતમાં જણાવાયું છે કે જર, જમીન ને જોરૂ -એ ત્રણેય કજિયાના છોરૂ- એટલે કે મોટા ભાગના તમામ ઝઘડા જર એટલે કે પૈસા-દાગીના, જમીન એટલે કે પ્રોપર્ટી અને જોરૂ એટલે પત્ની-સ્ત્રીના કારણે જ થતા હોય છે. આજની ક્રાઈમકથામાં આ બધું તો છે, એ પરાંત ૬૮ વર્ષનો પતિ અને ૬૪ વર્ષની પત્ની વચ્ચેના ઝઘડાનો લોહિયાળ અંજામ હચમચાવી મૂકે એવો છે.
બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના એક ગામડામાં ૧૯૫૭ માં ઓમપ્રકાશ ગુપ્તાનો જન્મ થયેલો. એમના પિતા એલ.આઈ.સી. ઑફ ઈન્ડિયામાં ક્લાર્ક હતા. પોતે ક્લાર્ક નહીં, પણ મોટા ઑફિસર બનવું છે, એ ધ્યેય સાથે ઓમપ્રકાશે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેેજ્યુએશનની સાથે જ યુ.પી.એસ.સી. ની પરીક્ષા માટે તનતોડ મહેનત કરેલી અને એમનો પરિશ્રમ ફળ્યો. ૧૯૮૧ માં એ IPS અધિકારી બની ગયા. એમને પ્રથમ પોસ્ટિંગ કર્ણાટક રાજ્યમાં મળ્યું. એ પછી પોતાની કાર્યક્ષમતાના આધારે એક પછી એક પ્રમોશન મેળવીને ૨૦૧૩ માં રાજ્યના પોલીસ વિભાગના સૌથી સર્વોચ્ચ હોદ્દો ડાયરેક્ટર જનરલ આફ પોલીસ-DGP બન્યા.૨૦૧૭ માં એ નિવૃત્ત થયા અને બેંગલોરનાપોશ વિસ્તાર HSR લેઆઉટમાં ત્રણ માળના બંગલામાં રહેતા હતા.
ઓમપ્રકાશની પત્નીનું નામ પલ્લવી. એમને સંતાનમાં ૩૮ વર્ષનો પુત્ર કાર્તિકેશ અને ૩૫ વર્ષની પુત્રી કૃતિ. કાર્તિકેશના લગ્ન થઈ ચૂક્યા હતા અને એની પત્ની સાથે એ બંગલામાં પહેલે માળે જ રહેતો હતો. મુરતિયાની પસંદગીમાં કૃતિ વધારે પડતી ચીકાશ કરવામાં કુંવારી જ રહી ગઈ હતી. એને માતા પલ્લવીનું જબરજસ્ત વળગણ હતું એટલે મા-દીકરી ચોવીસેય કલાક સાથે જ રહેતા હતા.
બહારના લોકોને આ કુટુંબ ખૂબ સુખી લાગે. પરંતુ ઘરની પરિસ્થિતિ સાવ અલગ હતી. ઓમપ્રકાશ અને પલ્લવી વચ્ચે જરાયે મનમેળ નહોતો. આ પતિ-પત્ની વચ્ચે સાપ-નોળિયા જેવો સંબંધ હતો. છેલ્લા બારેક વર્ષથી પલ્લવી સિઝોફ્રેનિયાની બિમારીથી પીડાતી હતી અને એની સારવાર માટે ઓમપ્રકાશે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા હતા. સિઝોફ્રેનિયાનો દર્દી બીજા લોકો પર બીનજરૂરી શંકા કરે અને પોતાની જાતને અસુરક્ષિત માને. કોઈ મને મારી નાખશે યા મારા પર હુમલો કરીને ઈજા પહોંચાડશે-એવું એને સતત લાગ્યા કરે. પોતાના પતિને જ પોતાનો દુશ્મન માનીને પલ્લવી કાલ્પનિક ભયથી પીડાતી હતી. પરદેશમાં અભ્યાસ કરીને પરત આવેલી કૃતિ પણ સતત માતાની સોડમાં જ લપાયેલી રહેતી હતી, એટલે એ પણ ડિપ્રેશનનો શિકાર બનીને પોતાના પિતાને દુશ્મન જ માનતી હતી.બીજી તરફ કોઈ સારું પાત્ર મળે તો આ દીકરીને ધામધૂમથી પરણાવવાનીઓમપ્રકાશની અંતરની ઈચ્છા હતી. પરંતુ કૃતિ તો માતાની જેમ જ પિતાની પ્રત્યેક વાતનો પ્રતિકાર જ કરતી હતી, એમાં જ એ કુંવારી રહી ગઈ, એની પીડા ઓમપ્રકાશને કોરી ખાતી હતી.
સૌથી મોટા પોલીસવડા તરીકે નિવૃત્ત થયેલા ઓમપ્રકાશ પાસે પૈસાની કે પ્રોપર્ટીની કોઈ કમી નહોતી. એમને એક બહેન હતી. સરિતા નામની બહેન પ્રત્યે ઓમપ્રકાશને ખૂબ લાગણી હતી. ઓમપ્રકાશે દંદોલીમાં આવેલી એક પ્રોપર્ટી બહેનને આપી દીધી એ પછી એ મુદ્દા પર ભયાનક ઝઘડા શરૂ થઈ ગયા હતા. પલ્લવી ઘરમાં તોબરો ચડાવીને એવું શરમજનક વર્તન કરતી હતી કે નિવૃત્તિ પછી ઓમપ્રકાશે તમામ મિત્રો-પોલીસ અધિકારીઓને ઘેર આવવાની મનાઈ ફરમાવી દીધી હતી! આવેલા મહેમાનની હાજરીમાં પણ પલ્લવીને ઝઘડવામાં કોઈ સંકોચ નહોતો નડતો, ઉલટું શૂરાતન ચડતું હતું. લોકો આગળ પતિનું ખરાબ દેખાય એમાં એને મજા આવતી હતી. પરિવાર રીતસર બે ભાગમાં વહેંચાઈ ચૂક્યો હતો. ઓમપ્રકાશ, કાર્તિકેશ અને એની પત્ની, ઓમપ્રકાશની બહેન સરિતા-આ બધા એક તરફ હતા અને સામે પલ્લવી અને કૃતિ!
જાન્યુઆરી, ૨૦૨૫ માં એક સવારે પલ્લવી HSR પોલીસસ્ટેશને પહોંચી ગઈ અને કહ્યું કે મારી ફરિયાદ નોંધો, મારો પતિ રિવોલ્વર બતાવીને અમને મા-દીકરીને મારી નાખવાની ધમકી આપે છે. એની ધરપકડ કરીને જેલમાં પૂરી દો. નવા ઈન્સ્પેક્ટરને આ મેડમનો પરિચય નહોતો એટલે સામે ખુરસીમાં બેસાડીને એણે લખવાની તૈયારી કરી એ વખતે એક જૂના કોન્સ્ટેબલે એના કાનમાં કહ્યું કે આ તો ઓમપ્રકાશ સરની બૈરી છે! ઈન્સ્પેક્ટરે ફરિયાદ નોંધવાને બદલે પલ્લવી માટે ચા મંગાવી અને સમજાવવા મથામણ કરી. વિફરેલી પલ્લવી પોલીસસ્ટેશની બહાર ધરણાં પર બેસી ગઈ અને તમાશો કરેલો!
કોઈ પણ ગમખ્વાર ઘટના અચાનક નથી બનતી. એ બને એની અગાઉ એના અણસાર મળવા લાગે છે, પરંતુ એની તરફ ધ્યાન ના દેવાય ત્યારે ગંભીર પરિણામ આવે છે. પલ્લવીએ અનેક વાર પોતાના વોટસેપ ગૃપમાં અને સગા-સંબંધીઓને જે મેસેજ મોકલ્યા હતા, એના ઉપરથી એનો ધૂંધવાટ સ્પષ્ટ જાણી શકાતો હતો. એ છતાં, આ તો એમના ઘરનો મામલો છે, એમાં આપણે દખલ ના દેવાય એમ વિચારીને કોઈએ કંઈ કર્યું નહોતું.
એક મેસેજમાં પલ્લવીએ લખ્યું હતું. 'આ મારા તરફથી-એટલે કે પલ્લવી ઓમપ્રકાશ તરફથી એક ઈમરજન્સી કોલ છે. આ મેસેજને તમે મારા તરફથી કરવામાં આવેલી ઓનલાઈન એફઆઈઆર સમજીને પ્લીઝ, તાત્કાલિક એક્શન લઈને મારા પતિ ઓમપ્રકાશ વિરૂદ્ધ કાર્યવાહી કરો. ઘરમાં હું અને મારી દીકરી કૃતિ -બંને કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ઓમપ્રકાશના હાથે ઘરેલુ હિંસાના શિકાર થઈ રહ્યા છીએ.' આ અગાઉની ફરિયાદોમાં -અલબત્ત-આઈ.પી.એસ,ની પત્નીઓના વોટસેપ ગૃપમાં પલ્લવીએ અનેક ફરિયાદો કરીને પોતાનો બળાપો ઠાલવેલો. મારી દીકરી કૃતિના ભોજનમાં ઝેર ભેળવવામાં આવી રહ્યું છે, એનો મોબાઈલ, લેપટોપ બધુંય હેક કરીને એની જાસૂસી કરવામાં આવી રહી છે. એના ઉપર આ જુલમ થઈ રહ્યો છે કારણ કે આ દીકરી પોતાના પિતાના ખોટા કામની સામે અવાજ ઉઠાવી રહી છે!એ બાપડી માનસિક ભીંસથી રોજ ટૂકડે ટૂકડે મરી રહી છે. ભયના ઓથાર વચ્ચે અમે બંને જીવીએ છીએ એટલે અમારે સુરક્ષાની અને તમારી સહાયની તાકીદે જરૂર છે. એનો અવાજ રૃંધવા માટે એને ડ્રગ આપવામાં આવી રહ્યું છે અને અમને બંનેને ગાંડા સાબિત કરવા માટે એ પ્રયત્ન કરી રહ્યા છે. પોતાની શક્તિ અને પાવરથી એ સ્વાર્થી માણસ અમને દબાવી રહ્યો છે. એને મન તો એનો દીકરો અને દીકરાની વહુ જ સર્વસ્વ છે, એને અમારા પ્રત્યે જરાયે લાગણી નથી. વધુ કંઈ બોલીએ ત્યારે રિવોલ્વર બતાવીને એ રાક્ષસ અમને મારી નાખવાની ધમકી આપે છે.
રવિવાર, તારીખ ૨૦-૪-૨૦૨૫ ની બપોરે ઓમપ્રકાશ જમવા બેઠા હતા ત્યારે પલ્લવીએ પ્રોપર્ટીના મુદ્દે ઝઘડો શરૂ કર્યો. ઝઘડો ખૂબ ઉગ્ર બન્યો અને પલ્લવીની કમાન છટકી. વર્ષોનો ધૂંધવાટ એક સાથે દાવાનળ બનીને ભડકી ઉઠયો. ડાઈનિંગ ટેબલ પર પડેલી મરચાના પાવડરની શીશી ઉઠાવીને એણે ઓમપ્રકાશની આંખો ઉપર છાંટી દીધી. આંખમાં મરચું પડયું એટલે બેબાકળા થઈને ઓમપ્રકાશ ફાંફા મારવા લાગ્યા, એમાં એ ગબડી પડયા. એ પડયા એની સાથે જ પલ્લવી ચાકુ લઈને મચી પડી. છાતીમાં, ગરદન ઉપર અને જ્યાં ઈચ્છા થઈ ત્યાં પૂરી તાકાતથી એણે ચાકુના બારેક પ્રહાર કર્યા. લોહીના ખાબોચિયાંમાં પડેલા ઓમપ્રકાશ પાંચેક મિનિટ તરફડીને મૃત્યુ પામ્યા! એક સમયે આખા કર્ણાટક રાજ્યના સર્વોચ્ચ પોલીસ વડાની હત્યા પત્નીના હાથે થઈ ગઈ!
શ્વાસ અટકી ગયા છે એની ખાતરી કર્યા પછી પલ્લવીએ મોબાઈલ હાથમાં લીધો. પોતાની ખાસ બહેનપણીને વીડિયો કોલ કરીને વધામણી આપી. 'સાંભળ! મેં એ રાક્ષસને અત્યારે મારી નાખ્યો!' એ બહેનપણીએ તરત જ પોતાના પોલીસ અધિકારી પતિને જાણકારી આપી. ઓમપ્રકાશની લાશ નીચે ફરસ પર પડી હતી. બાજુમાં ખુરસીમાં બેસીને પલ્લવીએ પણ ૧૧૨ ઉપર ફોન કરીને કહ્યું કે જલ્દી આવો, આવેશમાં આવીને મારાથી મોટો કાંડ થઈ ગયો છે.
HSR પોલીસસ્ટેશનની ટીમ તરત આવી પહોંચી. પુત્ર કાર્તિકેશ એ સમયે કર્ણાટક ગોલ્ફ એસોસિએશનની ઑફિસમાં હતો. પાડોશી જયશ્રી શ્રીધરને એને ફોન કરીને જણાવ્યું કે તમારા પપ્પા સીડી પરથી ગબડી પડયા છે, સિરિયસ છે. કાર્તિકેશ ઘેર પહોંચ્યો ત્યારે પોલીસનું ધાડું અને લોહીથી લથબથ પિતાની લાશ જોઈને એને આંચકો લાગ્યો. એણે પોલીસને જણાવ્યું કે મારા પિતાની હત્યા મારી માતા અને મારી નાની બહેને જ કરી છે. છેલ્લા દસેક દિવસથી મારી માતા એમને મારી નાખવાની ધમકી આપતી હતી એટલે મારા પપ્પા મારી સરિતા ફૈબાને ત્યાં રહેવા જતા રહ્યા હતા. બે દિવસ અગાઉ મારી બહેન ત્યાં ગઈ ને મારા પપ્પાની અહીં આવવાની જરાયે ઈચ્છા નહોતી, એ છતાં બળજબરી કરીને મારી બહેન એમને મારવા માટે અહીં લઈ આવેલી! કૃતિ તો ત્રીજે માળ પોતાનો ઓરડો બંધ કરીને એમાં સંતાઈ રહી હતી. એણે બારણું ના ખોલ્યું એટલે પોલીસે બારણું તોડીને એને બહાર કાઢી. એપછી ફિંગરપ્રીન્ટ આપવામાં પણ એણે ખૂબ ધમાલ કરી.
કાર્તિકેશની ફરિયાદના આધારે પોલીસે પલ્લવીની ધરપકડ કરીને એને અગ્રહારા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવી. કૃતિની માનસિક હાલત જોઈને એને NIMHANS માં ઈવેલ્યુએશન માટે લઈ જવામાં આવી.
કેસ હાઈ પ્રોફાઈલ હોવાથી તપાસની જવાબદારી સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ બોડી વૉરન્ટ રજૂ કરીને પલ્લવીનો કબજો લીધો છે. ૬૪ વર્ષની પત્ની ઘરેલુ ઝઘડામાં મોટા ગજાના પતિનીઆટલી ક્રૂર રીતે હત્યા કરે એ ઘટનાએ કર્ણાટકમાં ચકચાર જગાવી છે!