વૈભવી લાઈફસ્ટાઈલથી ડેથસ્ટાઈલ તરફ... .
- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક
- અમે બંનેએ અમારી પત્નીઓને કહ્યું કે હવે આપણે ચોથે માળ ધાબા પર જઈને એકબીજાના હાથ પકડીને કૂદી પડીએ
- પ્રસૂન ડે
- સુદર્શન અને રોમી
- ચાર માળના બંગલા પાસે લોકોની ભીડ
ભા રતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પશ્ચિમ બંગાળની રાજધાની- કલકત્તા ચોથા ક્રમે છે. આજની કથા આ કલકત્તા શહેરની છે.
તારીખ ૧૯-૨-૨૦૨૫ : પરોઢના પોણા ચાર વાગ્યે કલકત્તાના ઈસ્ટર્ન મેટ્રોપોલિટન બાયપાસ પાસે એક ગમખ્વાર ઘટના બની. એકસો દસ કિલોમીટરની ઝડપે આવીને એક કાર મેટ્રોના એક પિલર સાથે ભયાનક ધડાકા સાથે અથડાઈ. કાર એટલી ઝડપે આવીને અથડાઈ હતી કે જેમણે આ દ્રશ્ય જોયું એમને તો એમ જ લાગ્યું કે કારમાં જે હશે, એ બધાનો કચ્ચરઘાણ નીકળી ગયો હશે! લોકો ભેગા થઈ ગયા, પોલીસ અને એમ્બ્યુલન્સ પણ આવી ગઈ. ડૂચો વળી ગયેલી કારમાં ત્રણ વ્યક્તિઓ હતી અને એમને બહાર કાઢીને તાબડતોબ એમ. આર. એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ત્રણેય સભ્યો એક જ પરિવારના હતા. પ્રસૂન ડે (૪૮ વર્ષ), એનો નાનો ભાઈ પ્રણય ડે (૪૪ વર્ષ) અને પ્રણયનો દીકરો પ્રતીપ ડે (૧૪ વર્ષ). આ ત્રણેયમાં પ્રતીપની હાલત ગંભીર હતી, પરંતુ ભયાનક અકસ્માતમાંથી બચીને એ ત્રણેય જીવતા રહ્યા હતા એ મોટી વાત હતી.
એમને હોસ્પિટલમાં મૂકવા માટે પોલીસની ટીમ આવી હતી. ચાલાક ઈન્સ્પેક્ટરને ખ્યાલ આવી ગયો હતો કે આ ત્રણેય ઉપર ઘેનની લગીર અસર દેખાતી હતી, અને કદાચ એને લીધે જ આ અકસ્માત થયો હશે. ડૉક્ટરો એમની સારવાર કરી રહ્યા હતા ત્યારે પ્રણયે ઈન્સ્પેક્ટરને ઈશારાથી નજીક આવવા કહ્યું. ઈન્સ્પેકટર એની તદ્દન નજીક ગયા ત્યારે પ્રણયે ધૂ્રજતા અવાજે કહ્યું. 'સર! અમારા બંગલામાં અત્યારે ત્રણ લાશ પડી છે! એ ત્રણેય સ્ત્રીઓએ આત્મહત્યા કરી છે!'
ચોંકી ઉઠેલા ઈન્સ્પેક્ટર સામે જોઈને પ્રણયે તૂટતા અવાજે સરનામું સમજાવ્યું અને એ પછી એ બેહોશ થઈ ગયો.
આખી વાત આશ્ચર્યજનક હતી. ઈન્સ્પેક્ટરનું મગજ ચકરાઈ ગયું હતું. ભયાનક અકસ્માતમાંથી આ લોકો તો ઉગરી ગયા છે, પણ એમના બંગલામાં ત્રણ સ્ત્રીઓની લાશ કેમ પડી હશે? એ કોણ હશે? એમણે આત્મહત્યા શા માટે કરી હશે?
એ ત્રણેયની સંભાળની જવાબદારી સબઈન્સ્પેક્ટરને સોંપીને ઈન્સ્પેક્ટર પોતાની ટીમ સાથે પ્રણયે આપેલા સરનામે જવા રવાના થયા. એક સાથે ત્રણ આત્મહત્યાની વાત હતી એટલે ક્રાઈમબ્રાન્ચના એસીપીને જાણ કરીને ફોરેન્સિક ટીમ સાથે આવવા જણાવી દીધું.
જે સરનામું આપેલું હતું એ તેંગરા વિસ્તારનું હતું. આ વિસ્તારમાં અગાઉ માત્ર ચાઈનિઝ પરિવારો જ રહેતા હતા. એ ચીનાઓ લેધર વર્કમાં માસ્ટર હતા. એ લોકો ચામડાના જે બૂટ બનાવતા હતા એ આખા ભારતમાં વખણાતા હતા. ધીમે ધીમે એ લોકો જતા રહ્યા અને તેંગરામાં અલગ અલગ પ્લોટ પડીને ધનિકોના બંગલાઓ અને ફ્લેટ બની ગયા હતા.
પ્રણય ડે અને પ્રસૂન ડેનો વિશાળ બંગલો ચાર માળનો હતો. પોલીસની જીપો ધમધમાટ કરતી ત્યાં પહોંચી, ત્યારે આસપાસના પાડોશીઓને ખૂબ નવાઈ લાગી. ડે બ્રધર્સના આ બંગલામાં કંઈક અજુગતું બન્યાનો એમાંથી કોઈને કંઈ અણસાર પણ નહોતો. બંગલાના પાર્કિંગમાં બે આલિશાન કાર પડી હતી, પણ ગેટને તાળું હતું. પોલીસની ટીમે તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો. પહેલે માળ અને બીજે માળ કોઈ નહોતું. ત્રીજે માળ ત્રણ આલગ અલગ ઓરડામાં ત્રણ લાશ પડી હતી! બે સ્ત્રીની લાશ લોહીથી લથપથ હતી. કાંડા પાસે ધારદાર હથિયારથી નસ કાપી નખાયેલી હતી! ત્રીજા ઓરડામાં ચૌદેક વર્ષની કિશોરીની લાશ હતી, એના લીલા થઈ ગયેલા હોઠ પર ફીણ જામી ગયા હતા! પેલી બંને સ્ત્રીઓએ હાથની નસ કાપી હશે અને આ કિશોરીએ ઝેર પીધું હશે- એવું પોલીસને લાગ્યું. પોલીસે બે પાડોશીઓને અંદર બોલાવ્યા. ત્રણેય લાશ જોઈને હેબતાઈ ગયેલા એ પાડોશીઓએ પોલીસને જાણકારી આપી કે આ રોમી (૪૪ વર્ષ) મોટા ભાઈ પ્રસૂનની પત્ની છે, આ સુદેશના (૩૯ વર્ષ) એ નાના ભાઈ પ્રણયની પત્ની છે અને આ ચૌદ વર્ષની પ્રિયંવદા એ પ્રસૂન અને રોમીની દીકરી છે!
ફોરેન્સિક ટીમે એમનું કામ શરૂ કરી દીધું હતું. પંચનામાની વિધિ પતાવીને પોલીસે ત્રણેય લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. હોસ્પિટલમાં પ્રસૂન કે પ્રણયની હાલત હજુ પૂછપરછ કરી શકાય એટલી સ્વસ્થ નહોતી એટલે ડૉક્ટરે પોલીસને થોડા દિવસ રાહ જોવાનું કહ્યું. ચૌદ વર્ષના પ્રતીપ ડેની હાલત હવે સુધારા પર હતી.
કારનો જ્યાં અકસ્માત થયો હતો એ ઘટનાસ્થળની અને કારની પણ પોલીસની ટીમના નિષ્ણાતોએ ઝીણવટથી તપાસ કરી. અકસ્માત સમયે કારની સ્પીડ એકસો દસ કિલોમીટરની હતી. કારના એન્જિનમાં કે બ્રેકમાં કોઈ જ ખરાબી નહોતી! એમાં વળી નજરે જોનાર એક વ્યક્તિએ પોલીસને એવી જાણકારી આપી કે સાહેબ! આ કોઈ અકસ્માત નહોતો, કાર ચલાવનારે ઈરાદાપૂર્વક- જાણીજોઈને કારને મટ્રોના પીલર સાથે ભટકાડી હતી!
આખું કોકડું ગૂંચવાયેલું લાગ્યું એટલે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ પ્રસૂન ડે અને પ્રણય ડે- બંને ભાઈઓ વિશે વિગતવાર માહિતી મેળવવાનું શરૂ કર્યું. આ બંને ભાઈઓનો પરિવાર એક સાથે એક જ બંગલામાં રહેતો હતો. એમનો ટેનરીનો ખૂબ મોટો કારોબાર હતો. પ્રોટેક્ટિવ લેધર ગ્લોવ્ઝ પ્રાઈવેટ લિમિટેડ નામની એમની કંપની ચામડાના હાથમોજાં બનાવીને યુરોપના દેશોમાં નિકાસ કરતી હતી અને એમની નિકાસનો મોટો હિસ્સો રશિયામાં જતો હતા. એમની લેધર ફેક્ટરીમાં અગાઉ તો અઢીસો માણસો કામ કરતા હતા, પરંતુ કોરોના પછી એમની આર્થિક સ્થિતિ કથળી ગયેલી એટલે અત્યારે લગભગ એંશી માણસો કામ કરતા હતા. બંગલામાં ત્રણ કાર, ડ્રાઈવર, નોકર-ચાકરની સાહ્યબી હતી. કથળેલી આર્થિક સ્થિતિ અને ઈરાદાપૂર્વક કાર ભટકાડેલી એવી માહિતીના આધારે પોલીસે પ્રાથમિક તારણ કાઢયું કે આર્થિક દશા અત્યંત ખરાબ હોવાથી આ પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્લાન બનાવ્યો હશે!
ડૉક્ટરે રજા આપી એટલે પોલીસે બંને ભાઈઓની અલગ અલગ પૂછપરછ શરૂ કરી. આખા પરિવારની સામૂહિક આત્મહત્યાની વાત બંને ભાઈઓએ સ્વીકારી. દેવાનો ડુંગર એટલો પ્રચંડ ભારરૂપ બની ગયો હતો કે આપઘાત કરવા સિવાય કોઈ ઉપાય નહોતો-એવું કહીને બંનેએ કાર જાતે ભટકાડી હતી એ સ્વીકાર્યું. ચાર માળનો બંગલો ગીરો મૂકાયેલો હતો. ફેક્ટરી અને તમામ મશીનરી પણ ગીરો મૂકાયેલી હતી. જુદી જુદી છ બૅન્કોમાંથી સોળ કરોડની લોન લીધેલી હતી. એ ઉપરાંત અન્ય શરાફો પાસેથી ચારેક કરોડ લીધેલા હતા. ઉઘરાણીવાળાની ભીંસ અસહ્ય બની હતી. રશિયાના આઠ ઓર્ડરમાંથી એક સાથે પાંચ ઓર્ડર રિજેક્ટ થયા પછી હાલત એટલી ખરાબ હતી કે ફેબુ્રઆરી મહિનામાં બંનેની પત્નીઓના છેલ્લામાં છેલ્લા દાગીના વેચીને ઓગણીસ લાખ રૂપિયા મેળવીને કર્મચારીઓને પગાર ચૂકવેલો. બે કારના ઈ.એમ.આઈ. ના ચડેલા પચાસ લાખ પણ ચૂકવવાના બાકી છે! આ પરિસ્થિતિમાં મરી જવા સિવાય અમારી પાસે કોઈ ઉપાય નહોતો!
પોલીસને આટલી જાણકારી આપીને એમણે ઉમેર્યું કે દસમી ફેબુ્રઆરીએ અમે બંને ભાઈઓએ સામૂહિક આત્મહત્યાનો વિચાર કર્યો. એ પછી બારમી તારીખે અમે અમારી પત્નીઓને પણ પરિસ્થિતિ સમજાવી અને અમારા નિર્ણયની જાણ કરી. એ બંને પણ અમારી વાત સાથે સંમત થઈ ગઈ. અલબત્ત, બંને બાળકો- પ્રિયંવદા અને પ્રતીપને અમે આ અંગે કંઈ જણાવ્યું નહોતું.એ પછી સત્તરમી તારીખે સાંજે ખીર બનાવીને એમાં ડઝનબંધ ઊંઘની ગોળીઓ ભેળવી દીધેલી. રાત્રે બધાએ એ ખીર ખાધી, સવારે ઘેન જેવું લાગતું હતું પણ વધારે અસર ના થઈ. આમ અમારો પહેલો પ્લાન નિષ્ફળ ગયો. અલબત્ત, દીકરી પ્રિયંવદાને ખીર ખૂબ ભાવતી હતી એટલે એણે ખૂબ ઝાપટેલી એટલે એના શ્વાસ અટકી ગયા. અમે બંનેએ અમારી પત્નીઓને કહ્યું કે હવે આપણે ચોથે માળ ધાબા પર જઈને એકબીજાના હાથ પકડીને કૂદી પડીએ. એ બંનેમાં એટલી હિંમત નહોતી, એટલે એમણે ના પાડી અને ઘરમાં રહીને હાથની નસ કાપવાનો વિકલ્પ સ્વીકારી લીધો. પ્રતીપે પણ હાથની નસ કાપેલી પરંતુ એણે એમાં બહુ તાકાત નહોતી વાપરેલી. અમે બંને ભાઈએ કારનો અકસ્માત કરીને મરવાનું નક્કી કરી લીધું અને એ વખતે પ્રતીપને જીવતો રાખવાનું વિચારી લીધેલું. અમે કારમાં બેસીને રાત્રે બાર ને પચાસ મિનિટે ઘરમાંથી નીકળ્યા અને પ્રતીપને કોઈ હોસ્પિટલ પાસે મૂકી દેવાનું વિચાર્યું. પ્રતીપે અમારી વાત ના માની.
અમે બહુ સમજાવ્યો, પણ એ અમારા સાથે મરવા જ માગતો હતો. યોગ્ય જગ્યા શોધવા અમે કારમાં બહુ ચક્કર માર્યા અને અંતે પોણા ચાર વાગ્યે ઈ.એમ. બાયપાસ પાસે મેટ્રો પીલર સાથે કારને ભટકાડી, પરંતુ અમારી બદનસીબીથી અમે બચી ગયા !
એ બંને ભાઈઓની પૂછપરછમાં અમુક વસ્તુઓ કોમન હતી, પરંતુ અમુક વાતમાં વિસંગતતા હતી, એ પોલીસ અધિકારીઓના ધ્યાનમાં આવી ગયું. એ જ વખતે પોસ્ટમોર્ટમના રિપોર્ટ્સ આવ્યા, એ જોઈને પોલીસ ચોંકી ઉઠી. તબીબોએ ચોખ્ખું જણાવેલું કે આ ત્રણ લોકોએ આત્મહત્યા નથી કરી, ત્રણેયની હત્યા કરવામાં આવી છે! કોઈ સ્ત્રી આટલી તાકાતથી પોતાના કાંડાની નસ ક્યારેય કાપી ના શકે! વળી,બંનેની ગરદન ઉપર પણ પ્રહારના નિશાન છે. જે કિશોરી છે, એના હોઠ પર અને શરીર ઉપર ઉઝરડા છે, એટલે એને પણ પરાણે ઝેર પીવડાવવામાં આવેલું છે!
એ સમયે પોતાની પુત્રી રોમી અને દૌહિત્રી પ્રિયંવદાને ગૂમાવનાર પ્રસૂનના સસરા સ્વપ્નકુમાર બેનરજીએ પોલીસ પાસે આવીને આ બંને ભાઈઓ વિરૂધ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી. તારીખ ૪-૩-૨૦૨૫ ના દિવસે પ્રસૂન અને પ્રણય હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા કે તરત પોલીસે એ બંનેની ધરપકડ કરી. એમણે પોતાનો ગુનો કબૂલી લીધો. હવે સવાલ પ્રણયના દીકરા પ્રતીપનો હતો. એ ક્યાં જાય? સત્તરમી તારીખે સવાર સુધી તો એ પોતાની નવમા ધોરણની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ હવે તો એની જિંદગીનો રસ્તો જ બદલાઈ ચૂક્યો હતો. કોઈ સગુંવહાલું એની સંભાળ લેવા માટે આગળ આવ્યું નહોતું, એટલે પોલીસે જ નિર્ણય લીધો. વેસ્ટ બેંગાલ કમિશન ફોસ્પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટસ્ (ઉમ્ભઁભઇ)ના મુખ્ય સલાહકાર અનન્યા ચક્રવર્તીને પ્રતીપની સંભાળ સોંપવામાં આવી.
એમના મમતાસભર વ્યવહારથી પ્રતીપે બહુ જલ્દી સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. એણે અનન્યા પાસે હૈયું ખોલીને વાત કરી, એ પછી પોલીસ અધિકારીઓ પાસે પણ પ્રતીપે મોઢું ખોલ્યું. એણે કહ્યું કે ખીરની અસર ના થઈ ત્યારે મારા પપ્પા અને પ્રસૂનકાકાએ ધાબા પરથી કૂદવાની વાત કહી. મારી મમ્મી અને રોમીકાકીએ એ પછી તો આપઘાત કરવાની જ ના પાડી. એટલે મારા પપ્પાએ ઑર્ડર કર્યો અને પ્રસૂનકાકાએ મારી માતા અને કાકીને પકડીને કટરથી એમના કાંડાની નસો કાપી નાખી એટલે એ બંને મરી ગયા. બાપડી પ્રિયંવદા મરવા નહોતી માગતી, પરંતુ એના હાથ જકડીને અને નાક દબાવીને પરાણે એના મોઢામાં બધી ખીર ઠાલવીને પ્રસૂનકાકાએ એને પણ મારી નાખી! ગભરાઈને હું મારા ઓરડામાં ઘૂસી ગયેલો, ત્યાં મારા પપ્પા અને કાકા આવ્યા. પપ્પાએ કાકાને કહ્યું કે આને પણ મારી નાખ. કાકા કટર લઈને મારું કાંડું પકડીને નસ કાપવા આવ્યા, સહેજ છરકો થયો અને મેં જોરદાર પ્રતિકાર કર્યો એટલે મારા પપ્પાએ ઓશિકું દબાવવા કહ્યું. કાકાએ મારા મોઢા પર ઓશિકું દબાવી રાખ્યું. હું રોજ યોગ કરું છું એટલે શ્વાસ રોકવાની મારી આવડતને લીધે હું શ્વાસ રોકીને પડયો રહ્યો. કાકાએ ઓશિકું ઊંચુ કરીને મારા નાક પાસે હથેળી મૂકીને પપ્પાને કહ્યું કે પ્રતીપ મરી ગયો. એ પછી બંને મારા ઓરડામાંથી નીકળી ગયા.
'તો પછી તું એમની સાથે મરવા કેમ તૈયાર થઈ ગયો?' અનન્યાએ પૂછયું. જવાબમાં પ્રતીપે કહ્યું કે મારી વહાલી મમ્મી, મારી વહાલી કાકી અને મારી લાડકી બહેન પ્રિયંવદા મરી ગઈ, જેમના ઉપર મને પ્રેમ હતો એ બધા મરી ગયા, તો પછી મારે એકલા જીવીને શું કામ હતું? એમ વિચારીને હું પપ્પા અને કાકા સાથે કારમાં જ બેસી રહ્યો.
જ્યારે કેસ ચાલશે ત્યારે બંગલામાં હાજર એકમાત્ર સાક્ષી તરીકે પ્રતીપની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ બનશે.
વીસેક કરોડનું દેવુ હતું. બંગલો, ફેક્ટરી, મશીનરી બધુંય ગીરવે મૂકાયેલું હતું. મોંઘીદાટ બે કારના પચાસ લાખના હપ્તા ચૂકવવાના બાકી હતા. બંને ભાઈઓની પત્નીઓના તમામ દાગીના વેચાઈ ચૂક્યા હતા. આ ઘટના બની ત્યારે કંપનીના અને બંનેના વ્યક્તિગત બન્ક ખાતાઓમાં કુલ મળીને માત્ર પાંસઠ હજાર રૂપિયા જમા હતા! બંગલે અને ફેક્ટરી પર આવીને લેણદારો કડક ઉઘરાણી કરતા હતા. આ પરિવારની આવી દશા હતી, એ છતાં એમની વૈભવી જીવનશૈલી એમણે બદલી નહોતી- વિદેશપ્રવાસ પણ કરતા હતા- એવું પાડોશીઓએ પોલીસને જણાવેલું.
તમામ પુરાવાઓ અને સાક્ષીઓ મેળવીને હવે ટૂંક સમયમાં પોલીસ ચાર્જશીટ રજૂ કરશે. એ પછી કેસ ચાલશે અને સજાનું ફરમાન થશે. પરંતુ અત્યારે તો નિર્દોષ રોમી, સુદેશના અને માસુમ પ્રિયંવદાને યાદ કરીને બંને ભાઈઓ જેલમાં દિવસો પસાર કરી રહ્યા છે!