Get The App

જીભનું છે છળકપટ ને જીભની માયા બધી,માન પામે કે ડૂબાડે, જીભની માયા બધી

Updated: Sep 30th, 2025

GS TEAM

Google News
Google News
જીભનું છે છળકપટ ને જીભની માયા બધી,માન પામે કે ડૂબાડે, જીભની માયા બધી 1 - image

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક

- અમારા ઘરમાં રોજ લોહી ઉકાળા થાય અને તમે જલસાથી જીવો એ કઈ રીતે ચાલે ? હવે તમે અને ભાભી એક વર્ષ સુધી બાને સાચવજો એટલે હિસાબ સરભર થઈ જશે!

''તા રું નામ મધુ છે, પણ જીભમાં હળાહળ કડવાશ ભરી છે.'' પત્ની મધુને સમજાવતી વખતે જિતુભાઈના અવાજમાં આછી ધૂ્રજારી હતી. ડરી ડરીને એટલા માટે કે જો મધુ વીફરે તો સાત પેઢી સુધી પહોંચી જાય અને આખી સોસાયટીવાળાને મફતમાં મનોરંજન મળે. જીભની ખતરનાક તાકાત ધરાવતી પત્નીને સમજાવવાની તાકાત પાંસઠ વર્ષે પણ જિતુભાઈ પાસે નહોતી.

''અત્યારે આપણે એકલાં રહીએ છીએ અને મારામાં સહન કરવાની આવડત છે, એટલે નભી જાય છે, પણ હું મરીશ પછી શું થશે ? ત્રણ દીકરાઓ અને એમની વહુઓ સાથે તને કઈ રીતે ફાવશે ? એમને તારી સાથે ફાવશે ? તારો કકળાટ સહન કરવાની તાકાત ત્રણેય વહુઓ ક્યાંથી લાવશે ?'' આટલું બોલીને જિતુભાઈ અટકી ગયા. આનાથી વિશેષ બોલવાની એમનામાં હિંમત નહોતી.

''તમે ચિંતા ના કરો.'' મધુબહેને પતિ સામે જોઈને રણકતા અવાજે અભિમાનથી કહ્યું. ''એ ત્રણેયની રૂપસુંદરીઓ પૈસાની ભૂખી છે. તમે નહીં હો ત્યારે ય તમારું પેન્શન તો મને મળવાનું ને ? એની ગરજે એ ત્રણેય મારા તળિયાં ચાટશે. મારે કોઈની ગરજ નથી. કર્કશ અવાજે મધુબહેને જે જવાબ આપ્યો એ સાંભળ્યા પછી જિતુભાઈ મૂંગા થઈ ગયા.''

નિવૃત્ત અધિકારી જિતુભાઈ અને મધુબહેનને ત્રણ દીકરાઓ. મોટો સતીશ બેન્કમાં ઓફિસર હતો. એની પત્નીનું નામ સીમા. વચેટ મનોજ બહુ ભણ્યો નહોતો. એક મિત્રની જોડે ભાગીદારીમાં એ ટુ વ્હીલર્સનું ગેરેજ ચલાવતો હતો. મનોજની પત્નીનું નામ મીના. સૌથી નાનો વિજય ત્રણેય ભાઈઓમાં સૌથી ચાલાક. એ એક ખાનગી કંપનીમાં ચીફ એકાઉન્ટન્ટ હતો. એની પત્નીનું નામ વંદના. ત્રણેય પુત્રવધૂઓમાં સીમા સૌથી સુખી ઘરની હતી.

સતીશ-સીમા સેટેલાઇટ વિસ્તારમાં રહેતા હતા. મનોજ-મીના ઈસનપુર રહેતા હતા અને વિજય-વંદના નારણપુરામાં. અલગ અલગ રહેતાં હતાં, એ છતાં ત્રણેય ભાઈઓ વચ્ચે સંપ હતો. માતા મધુબહેનના સ્વભાવની પણ એમને ખબર હતી. વાર-તહેવારે મળવા જાય પણ ડોસા-ડોસીને સાથે રાખવાની ત્રણમાંથી એકેયને હિંમત નહોતી. પિતા પ્રત્યે અનહદ લાગણી હતી, પરંતુ મધુબહેનથી 

ફફડતાં હતાં.

એક સવારે જિતુભાઈને હાર્ટએટેક આવ્યો અને પાંચ જ મિનિટમાં એમના શ્વાસ થંભી ગયા. ત્રણેય દીકરાઓ અને વહુઓ તરત જ દોડી આવ્યા. બાપાની બારમા-તેરમાની વિધિ હતી એ પછી ત્રણેય ભાઈઓએ સમજદારીથી નિર્ણય કર્યો કે બાના હાથ-પગ ચાલતા નથી એટલે વારાફરતી દરેકને ત્યાં એ ત્રણ મહિના રહેશે.

સૌથી પહેલા મોટો સતીશ મધુબાને લઈ ગયો એ પછી ઘરની સુખ-શાંતિ અદ્રશ્ય થઈ ગઈ. નાની-નાની દરેક વાતમાં મધુબાને વાંક પડે અને કકળાટ શરૂ થઈ જાય. સીમા પોતાના દીકરાને ભણાવતી વખતે ધમકાવે કે તરત મધુબા તલવાર ખેંચીને સીમા સાથે ઝઘડો શરૂ કરી દે. ત્રણેયમાં સૌથી સમૃદ્ધ પરિવારની સીમા વધુ ભણેલી હતી. ચાલાક છતાં જિદ્દી હતી. ત્રણ મહિનામાં તો એ સાસુની કચકચથી કંટાળી ગઈ.

પછીના ત્રણ મહિના મનોજ અને મીનાનું આવી બન્યું. એમાંય મીનાનો સ્વભાવ લગીર ઉગ્ર અને ખોટી વાત એ ના સ્વીકારે - એને લીધે રોજ ઝઘડા થવા લાગ્યા. દર અઠવાડિયે એકાદ વાર તો એવું યુદ્ધ થાય કે એ સાસુ-વહુને શાંત પાડવામાં મનોજ કંટાળી જાય. ત્રણ મહિના પૂરા થયા એ જ દિવસે મનોજ રિક્ષા કરીને મધુબાને વિજયના ઘેર મૂકી આવ્યો !

વિજયને ત્યાં વંદનાની સાથે મધુબાના સારા સંબંધો સાત કલાક પણ ના ટક્યા ! સૂવાની જે વ્યવસ્થા હતી એ મધુબાને પસંદ ના આવી. ''નાલાયક છો તમે ! પેન્શનના પૈસા પૂરેપૂરા લઈ લેવાના અને સૂવા માટે ગમાણ જેવી જગ્યા ? શરમ નથી આવતી ?'' મધુબાએ કર્કશ અવાજે કકળાટ શરૂ કર્યો અને સામે વંદનાએ પણ મોં ખોલ્યું એટલે રાત્રે ત્રણ વાગ્યા સુધી વાતાવરણ તંગ રહ્યું. વંદના રોજ સવારે દીવો કરીને આ ત્રણ મહિના જલ્દી પતે - એ માટે પ્રાર્થના કરતી હતી.

બીજા રાઉન્ડમાં મધુબાના આગમનની સાથે સતીશ અને સીમાના સંબંધો વણસ્યા. ''શાંતિથી રહે તો કાયમ માટે સાથે રાખું, પણ એકેએક વાતમાં વાંધા પાડે છે...'' સીમાએ નિખાલસતાથી પતિને કહ્યું. ''એમની સેવા-ચાકરી કે બે રોટલીમાં મને કોઈ તકલીફ નથી, પણ એમની કુહાડા જેવી જીભ જરાય સહન નથી થતી. એમની ડબડબથી દિમાગ ફરી જાય છે...'' એના તીણા અવાજમાં ધમકી ભળી. ''અત્યારથી કહી દઉં છું કે જે દિવસે મારી ધીરજ ખૂટશે એ જ ઘડીએ પિયર જતી રહીશ !''

રોજ રોજ છમકલાં થતાં રહ્યાં. ત્રણ મહિના પત્યા એ જ દિવસે સતીશ મધુબાને મનોજના ઘેર મૂકી આવ્યો.

''મારી વાત કાન ખોલીને સાંભળી લો.'' એ રાત્રે સીમાએ પતિને ચેતવણી આપી દીધી. ''હવે તમારી મા આવશે ત્યારે હું પિયર જતી રહીશ. તમે તમારી મા સાથે આરામથી રહેજો. આવો તમાશો ના કરવો હોય તો બુદ્ધિ વાપરીને કોઈક ઈલાજ શોધી કાઢો.''

સીમાના જિદ્દી સ્વભાવનો સતીશને પૂરો પરિચય હતો. એણે પંદર દિવસમાં જ રસ્તો શોધી કાઢ્યો. અગાઉ પ્રમોશન વખતે પોસ્ટિંગ ચેન્નાઈમાં મળેલું, એટલે જતું કરેલું. હવે મેનેજમેન્ટને વિનંતિ કરી કે તરત મેઇલ આવી ગયો કે ચેન્નાઈ પહોંચી જાવ. ક્વાર્ટર્સમાં ફલેટ પણ મળી ગયો. સતીશ પોતાના પરિવાર સાથે ચેન્નાઈ પહોંચી ગયો.

હવે મધુબાને મનોજ અને વિજયનો જ આશરો રહ્યો. દર ત્રણ મહિને એક ઘરમાં આનંદ છવાતો અને બીજા ઘરમાં કકળાટ શરૂ થઈ જતો. મીના અને વંદનાને તો સીમાના સદનસીબની ઈર્ષા થતી હતી, પણ થાય શું ?

એ પછી ત્રણ વર્ષ સુધી જેના ઘરમાં મધુબા હોય એ ભાઈને સાંજે ઘેર જવાનું મન ના થતું. મધુબાનો ત્રાસ એવો હતો કે ઘરમાં જતાવેંત પત્નીની ફરિયાદો શરૂ થઈ જતી. એ દશામાં મનોજ અને વિજય કંટાળી ગયા હતા.

અત્યારે મધુબાનો મુકામ વિજયના ઘેર હતો. ''બા, તેં કોઈ વાર વિમાન જોયું છે ખરું ?'' રાત્રે મધુબાનો પાસે બેસીને વિજયે પ્રેમથી કહ્યું. ''ત્રણ ત્રણ હોનહાર દીકરા હોવા છતાં મારા બાપાને ક્યારેય પ્લેનમાં બેસવા ના મળ્યું. તારે જીવતેજીવ એ ઈચ્છા પૂરી કરવી હોય તો અત્યારે ચાન્સ છે. મારે ઓફિસ તરફથી ટ્રેનમાં મદ્રાસ જવાનું છે. ઓફિસવાળા ફર્સ્ટકલાસનું ભાંડુ તો આપવાના જ છે. તું થોડાક પૈસા ઢીલા કરે તો આપણે મા-દીકરો વિમાનમાં બેસીને ચેન્નાઈનું ચક્કર મારી આવીએ... અત્યારે કંપનીની સ્કીમ છે એટલે સસ્તામાં સેટિંગ થઈ જશે. જીવ્યાં કરતાં જોયું ભલું ! હું મારું કામ પતાવીશ. સતીશ અને સીમા તને જોઈને ખુશ થઈ જશે. પાંચમા દિવસે પાછા અમદાવાદ !''

આ ઉંમરે વિમાનમાં બેસવાના અભરખાથી અભણ મધુબા તૈયાર થઈ ગયા. હોંશે હોંશે વિજયને પૈસા આપ્યા. સોમવારે સવારે મનોજ, મીના અને વંદના એરપોર્ટ પર મૂકવા આવ્યાં.

''આપણે કંપનીના ગેસ્ટહાઉસમાં જવાનું છે.'' ચેન્નાઈમાં ટેક્સી ગુજરાતી સમાજ તરફ આગળ વધતી હતી ત્યારે વિજયે મધુબાને સમજાવ્યું.

રૂમમાંથી તૈયાર થઈને બહાર નીકળતી વખતે વિજયે મધુબાને કહ્યું, ''તું તૈયાર થઈને બેસજે. કામમાંથી વચ્ચે ટાઇમ મળશે કે તરત હું તને લેવા આવીશ. આપણે સતીશના ઘેર જઈશું - અચાનક આપણને એ જોશે એટલે એમને તો દિવાળી જેવું લાગશે.''

વિજય રિક્ષામાં બેસીને સતીશની બેન્ક પર ગયો. મેનેજર તરીકે સતીશ એની ચેમ્બરમાં વ્યસ્ત હતો. દૂરથી જ એ જોઈને વિજય પાછો ગુજરાતી સમાજ આવ્યો. ''બા, તૈયાર ?'' એણે ઉત્સાહથી પૂછ્યું. ''બહાર રિક્ષા ઊભી રખાવી છે. ફટાફટ બેગ લઈ લે.''

રિક્ષામાં બેસીને બંને બેન્ક પર પહોંચ્યા. સતીશની ચેમ્બરમાં એ પ્રવેશ્યા ત્યારે સતીશને સુખદ આશ્ચર્ય થયું. ''કંપનીના કામે આવ્યો છું.'' વિજયે કહ્યું, ''બાને પ્લેનમાં બેસવાની હોંશ હતી એટલે એમને ય ચાર દિવસ માટે જોડે લેતો આવ્યો...'' ચા પીતી વખતે વિજયે મોટાભાઈને સમજાવ્યું. ''બાની વિમાનની ઇચ્છા પૂરી કરી. અત્યારે અહીંની ઓફિસમાં દોઢેક કલાકનું કામ છે, એ પતાવીને આવું ત્યાં સુધી બા અહીં બેસશે.''

સતીશે માથું હલાવીને હા પાડી અને વિજય બહાર નીકળી ગયો.

સતીશ બેન્કના કામમાં પરોવાયેલો રહ્યો. મધુબા આરામથી ખુરસીમાં બેસીને ગૌરવથી દીકરાનો વટ જોઈ રહ્યા હતા.

સાંજે સાડા છ સુધી વિજય આવ્યો નહીં, મોબાઇલ પણ ઉઠાવતો નહોતો એટલે સતીશને નાના ભાઈની ચિંતા થતી હતી. અજાણ્યા શહેરમાં એ ક્યાંક અટવાઈ ગયો હશે તો ? અંતે, કંટાળીને મધુબાને લઈને એ ઘેર ગયો. થોડી થોડી વારે વિજયને ફોન જોડતો હતો, પરંતુ કોઈ જવાબ મળતો નહોતો. લગીર પણ ઉમળકા વિના સીમાએ મધુબાને આવકાર આપ્યો.

છેક બીજા દિવસે સાંજે વિજયે ફોન ઉઠાવ્યો ત્યારે ધૂંધવાયેલા સતીશે ગુસ્સાથી પૂછ્યું. ''આ બધું છે શું ? ફોન કેમ નથી ઉઠાવતો ? ક્યાં છે તું ?''

''તમારા એકસો બાવીસ મિસ્કોલ જોયા. હું તો અમદાવાદ પહોંચવા આવ્યો છું...'' વિજયે ઠંડકથી કહ્યું, ''આપણે ત્રણેય ભાઈઓ છીએ. મધુબા એકલા મારા અને મનોજની બા નથી. અમારા ઘરમાં રોજ લોહી ઉકાળા થાય અને તમે જલસાથી જીવો એ કઈ રીતે ચાલે ? હવે તમે અને ભાભી એક વર્ષ સુધી બાને સાચવજો એટલે હિસાબ સરભર થઈ જશે !''

''હિસાબની હવા નીકળી ગઈ, મારા ભાઈ !'' સતીશ રડમસ અવાજે બબડયો. ''તું અત્યારે બોલે છે એ વાત સીમાને સવારે જ સમજાઈ ગઈ હતી. તું હજુ ટ્રેનમાં છે, પણ એણે તો બેગ લઈને ફલાઇટ પકડી. અમદાવાદ નવરંગપુરા એના પિયરમાં પહોંચીને મને ફોન કરી દીધો કે તમારી મા જ્યાં સુધી ત્યાં રહેશે ત્યાં સુધી પિયરમાં રહેવાની છું !''

સીમા પિયરમાં છે, મધુબા ચેન્નાઈમાં છે અને આખું કોકડું હજુ ગૂંચવાયેલું છે !

(શીર્ષક પંક્તિ: સ્વરચિત)