કોરોનાએ હિંમત હરી લીધી છે ?
- જેની લાઠી તેની ભેંસ- મધુસૂદન પારેખ
- કેટલાય લોકોને રસ્તામાં માસ્ક પહેરીને તો ઠીક પણ માસ્ક વિનાય લહેરથી ફરતાં જોઇને અને ઘડીભર તો એમ થાય છે કે આ બધાંને કોરોનાનું ભૂત વળગતું નહિ હોય !
લૉ ક આઉટના દિવસોમાં નજરકેદ દરમ્યાન સહુથી વધારે તકલીફ અમારાં ગલુડિયાં - બે ત્રણ બાળકોની રહેતી. બાળકોની મનોવૃત્તિ કેવી બધી ચંચળ હોય છે, એનામાં કેવુંબધું ચેતન ઉભરાય છે એનો અંદાજ અમને લૉક આઉટમાં થયો.
બીજી બધી જાતજાતની તકલીફો કરતાંય મોટી તકલીફ બાળકોને ડાહ્યા ડમરાં કેમ બનાવવા તેની હતી. એમને કંઇને કંઇ કામ તો જોઇએ જ. બેકાર રહેવું તો એને ગમે જ નહિ. હજી તો એનાં અંગ ઉપાંગ કુમળાં હોય. છતાં એમનાં ચંચળ મન નાજુક અવયવોને ય કોઇને કોઇ પ્રવૃત્તિમાં ઘસડી જાય. એમને રોકવા જઇએ કે તો એ રાગડો તાણે, આખું ઘર ગજવી મૂકે. અરે ગુસ્સામાં ભાંગ ફોડ પણ કરી મૂકે.
આ બધી બબાલમાંથી બચવા માટે અમને રામબાણ ઇલાજ કોરોનાએ આપ્યો. કોરોનાનું નામ સાંભળતાં જ ગાત્રો શિથિલ થઇ જાય.
એ એવો માયાવી અસુર કે એ ગમે ત્યારે, ગમે ત્યાં ગમે તેના પર ત્રાટકી શકે.
કોરોનાનો જન્મ નહોતો થયો તે પહેલાં જૂની પેઢીઓમાં તોફાની કે રડારોડ કરતાં બાળકોને શાંત અથવા ચૂપ રાખવા માટે 'એ 'હાઉ' આપો' જો અકસીર ઇલાજ ગણાતો. બાળકે હાઉ તો જોયો ય ના હોય પણ વડીલોએ 'હાઉ'નો એવો ભય બાળકોમાં પ્રેર્યો હોય કે 'હાઉ' આયો - સાંભળતાં જ એ ચૂપ થઇ જાય. રડતો હોય તો છાનો રહી જાય.
હવે અમારી પાસે નવો 'હાઉ' કોરોનાનું રૂપ લઇને આવ્યો છે. કોરોનાની ધાક આખી દુનિયામાં પરિવારોમાં એવી પ્રસરી ગઈ છે કે એનું નામ દેતાં જ ચિત્તમાં ચમકારો થઇ જાય છે.
અમેય લૉકઆઉટમાં કોરોનાનો બરાબર ઉપયોગ કરી લીધો.
બાળકો ધીંગા મસ્તી કરતા અટકતાં ના હોય કે ઝઘડતાં અને રડારોડ કરતાં હોય તો એમની મમ્મી, 'ચૂપ રહો નહિતર કોરોના આવીને તમને ઉપાડી જશે' એ ધમકી કામ લાગી જતી. અમે પોતે તો 'અસલામત'માં સલામત હતા. કોરોના ત્યાં રૂકે એવી શક્યતા નહોતી. અમે સલામત હતાં. અને બાળકોને ચૂપ રાખવા 'કોરોના'નો ખોટો હાઉ ઊભો કરતા.
લોક આઉટ તો ગયો. અમે અમારાં બાળકોને જેના નામથી ગભરાવી મૂકતાં હતાં તે હવે લૉકઆઉટમાંથી છૂટયા પછી અમે ગભરાવા માંડયા લોકઆઉટ છૂટતાં જ નોકરી ધંધા ચાલુ થઇ ગયા પણ એનો પડછાયો અમને છોડતો નહોતો. એ દૈત્ય ક્યાંથી ક્યારે વળગશે એના ભયનું સંચાલન મનમાં ચાલ્યા જ કરતું. પત્ની અમને માસ્કથી 'વિભૂષિત' કર્યા પછી જ નોકરી પર જવા દેતી.
પણ રસ્તામાં ય ક્યાંક કોઈ સહેજ નજીક આવી જાય કે હાથ લંબાવે તો હાડ ધુ્રજી જતાં. વખતે એનામાં કોરોના હશે તો ? મને વળગશે તો કોરોનાના ભયે અમે ય ચેતીને ચાલતા. ઓફિસમાં જતાં પહેલાં કોરોના કોઇને કોઈ રૂપે ભટકાશે તો ? કોઈ કદાચ અથડાઈ પડશે તો ? એ 'સંક્રમિત' હશે તો ? 'સંક્રમિત'ની અમને બહુ બીક રહેતી. એ શબ્દે અમને જેટલા ડરાવ્યા હશે એટલા બીજા કોઈ શબ્દે ડરાવ્યા નહિ હોય.
રસ્તે જતાં રખે કોઇનું સંક્રમણ ભૂતની જેમ વળગી પડે તો ? એનો ચેપ લાગી જાય તો પટાવાળો પાણીના ગ્લાસ લઇને આવે તોય શંકા થઇ જાય. એને સંક્રમણ હશે તો એના હાથમાંથી સંક્રમણ ગ્લાસને અડક્યુ હસે તો ? ગ્લાસમાંનું પાણી ગટગટાવી જાય.
પટાવાળાના હાથનો સ્પર્શ થઇ જાય તોય એને ફિકર નહિ. મને કોઈનાય સ્પર્શથી, હાથ મિલાવવાનું તો ઠીક, પણ પાણીનો ગ્લાસ લેતાંય ભય લાગે તે જોઇ તે હસી ઉડાવતો મને કહે ઃ 'ભૂતનો જેને ભય લાગે તેને ભૂત વહેલું વળગે.'
હું ભૂતથી નથી બીતો. બુધ્ધિવાદી છું - એમ ખુમારીથી કહેતો. પણ કોરોના ભૂત હોય તો મારાં ગાત્રો ધુ્રજી ઉઠતા. કોરોનાએ તો મારા જીવનને સાવ ગભરુ બનાવી દીધું છે.
કેટલાય લોકોને રસ્તામાં માસ્ક પહેરીને તો ઠીક પણ માસ્ક વિનાય લહેરથી ફરતાં જોઇને અને ઘડીભર તો એમ થાય છે કે આ બધાંને કોરોનાનું ભૂત વળગતું નહિ હોય !
તો પછી મને જ શા માટે વળગે ? હું હિંમત કરવા જાઉં છું. પણ મોઢા પરથી માસ્ક જરાક ખસી જાય કે કોઈ રાહદારી મારી નજીક આવી જાય તો મને ભયની કંપારી છૂટે છે કે આ સંક્રમિત તો નહિ હોય.
ખરેખર 'કોરોનાએ માણસની મર્દાનગી અને હિંમત હરી લીધા છે. બીતા બીતા જીવવાનો પેગામ આપી દીધો છે.'