કેરીનો કરંડિયો .
- જેની લાઠી તેની ભેંસ-મધુસૂદન પારેખ
- કરંડિયામાં દોઢેક ડઝન જેટલી કેરી હતી. એની ખુશબોથી અમારા નાક તર થઈ ગયાં અને જીભ મોઢામાં મમળાવા માંડી ગઈ
અ મે સાંજે ચારેક વાગે ચા નાસ્તો કરીને આરામ ફરમાવતાં હતા. કશું કામ હતું નહિ. મેં જરા ટાઇમ પાસ કરવા સવારમાં આવેલું પેપર ફરી ઉથલાવવા માંડયું. રમા કંઇક ઉથલપાથલ કરવામાં વ્યસ્ત હતા.
એવામાં બારણે રીંગ વાગી એટલે 'કોઈ આવ્યું' કહેતા રમાએ બારણું ખોલ્યું.
સામે કોઇ માણસે પૂછ્યું. ચંપકભાઈ છે ?
'હા કેમ ?'
કેરીનો કરંડિયો બાલુભાઈએ મોકલ્યો છે. પછી તમને ફોન કરશે' એમ કહેતા વાર તેણે રીક્ષામાંથી કેરીનો મોટો કરંડિયો પરાણે ઊંચકીને અમારા ઘરના બારણા પાસે મૂક્યો.
'તમે કોણ છો ? તમારું નામ ?' પત્નીએ રાબેતા મુજબ તપાસ કરી.
'હું એમનો ભત્રીજો છું, રાવજી' એમ કહેતા એ ચાલ્યો ગયો.
કરંડિયો જોતાં જ અમારાં મુખ પર તેજ આવી ગઈ.
બાલુભાઈ સાથે અમારે એક ટુરમાં સંબંધ થયો હતો એ સૂરત બાજુના હતા. લહેરી સ્વભાવ. અમારા બંને કુટુંબોને સારુ ગોઠી ગયું. ટુરમાં કેરીની વાત નીકળી હતી. એમણે એમના લહેરી અને ઉદાર સ્વભાવ પ્રમાણે અમને સૂરતની કેરી મોકલવાનો વાયદો કર્યો હતો. થોડા સમયના સંબંધથી જ એમણે પોતાના ખુશબોદાર વ્યકિતત્વની ઝાંખી કરાવી દીધી હતી. કેરીના કરંડિયાએ અમને ખુશ હાલ કરી મૂકયા. બાલુભાઈની ઉદારતા પર અમે વારી ગયા.
કેરીનો કરંડિયો બધી બાજુથી સૂતળીથી પેક કરેલો હતો. પત્ની ઉત્સાહથી છરી લઇ આવી અને અમે કરંડિયાને સૂતળીની સાંકળમાંથી મુક્ત કરવામાં લાગી ગયા.
કરંડિયામાં દોઢેક ડઝન જેટલી કેરી હતી. એની ખુશબોથી અમારા નાક તર થઈ ગયાં અને જીભ મોઢામાં મમળાવા માંડી ગઈ.
અમે કરંડિયામાંથી બેચાર કેરીનો મીઠો સ્પર્શ માણી રહ્યાં હતાં.
પત્ની કહે ઃ 'કાલે રવિવારે રસ અને ઇદડાંનો જલસો કરી નાખીએ. મારાં ભાઈ ભાભીને ય નોતરીએ.'
હું જરાક મલક્યો. 'સ્ત્રીને એના સગાં પહેલાં યાદ આવે. મારેય બહેન હતી... પણ... પણ જવા દો એ વાત.... 'એમને ફરીવાર બોલાવાશે' પત્નીએ નિર્ણય આપી દીધો.'
અમે વેરવિખેર થઈ ગયેલા કરંડિયામાં કેરી ગોઠવતાં હતાં. મનપસંદ પ્રવૃત્તિનો આનંદ માણતાં હતા.
કલાક જેટલા સમયમાં અમે કરંડિયામા કેરીઓ ગોઠવી દીધી. પાંચ છ કેરી, પત્નીએ સૂંઘી સૂંઘીને જુદી તારવી લીધી હતી.
એવામાં મોબાઈલ પર બાલુભાઈનો ફોન આવ્યો : 'ચીમનભાઈ, મઝામાં ? મેં આપણા મીઠા પરિચયનો લાભ લઈને તમને એક ફરજ સોંપી છે.'
ટુરમાં આપણી સાથે નહિ આવેલા, પણ મારા ખાસ સંબંધીને ત્યાં કેરીનો કરંડિયો મોકલયો હતો પણ ફોન પર જાણ્યું કે એ ફેમીલી સાથે અંબાજી ગયા છે. સાંજે તો પાછા આવી જવાનાં હતાં. એટલે કેરીનો કરંડિયો તમારે ત્યાં મોકલ્યો છે.
એ તમારે ત્યાં કાલે સવારે જાતે આવીને કરંડિયો હસ્તગત કરી લેશે. બહુ ઉમદા માણસ છે. તમારે નવી ઓળખાણ થશે એમનું નામ ચકુભાઈ છે.'
ફોન સાંભળતાં જ અમારાં તો હાંજા ગગડી ગયા. બાલુભાઈએ તો દાટ વાળી દીધો.
કાલે સવારે ચકુભાઈ આવશે ત્યારે અમારા મોઢા પરથી લાલીમા ઉડી ગઈ અને કાલિમા પથરાઈ ગઈ.
પત્ની કહે ઃ 'આપણે ફટાફટ જેમ તેમ કરીને બધી કેરી કરંડિયામાં ગોઠવી દઈએ કશી પૂછપરછ કરશે તો કહીશું કે લાવનાર ભાઈથી રસ્તામાં કરંડિયાની સૂતળી છૂટી ગઈ હતી.
અમે એને જરા ઠીક ઠીક કર્યો છે.
અમારાં જીવ તો ઊંચા જ હતા... કાલે સવારે આવનારી આફતના ઓળા દેખાઈ રહ્યા હતા પણ કેટલીકવાર આપણે જેનો વિચાર કરીએ તે તરત જ સામે આવી રહે છે.
ચકુભાઈ લગભગ સાંજે સાતેક વાગે અમારે ત્યાં આવી ગયા.
સિડીમાંથી એમને અમારી તરફ આવતા જોતાં ફાળ પડી. આખું દ્રશ્ય ટ્રેજેડી જેવું બની ગયું.
એમને અમે આવકાર્યા. એ ઊંચા જીવે જરા હોઠ બીડીને બેઠા.
એમણે જ વાત શરૂ કરી ઃ 'મારા મિત્ર બાલુભાઈએ મારું ઘર બંધ હોવાથી કેરીનો કરંડિયો તમારે ત્યાં મોકલ્યાનો મારા પર ફોન આવ્યો... હું બપોરે અંબાજીથી પાછો આવી ગયો હતો. એમનો ફોન આવતાં જ તમારે ત્યાં રિક્ષામાં આવી ગયો તમને વધારે તકલીફ ના પડે એટલે વહેલો આવી ગયો...
એ આશ્ચર્યભર્યા આઘાતથી કરંડિયાને અને બહાર કાઢેલી કેરીને તાકી રહ્યા.
મેં એમને વીસે મોંઢે એમની ક્ષમા માગતાં કરંડિયાના ગોટાળાની વાત કહેવા માંડી. પણ એમને તો અમારી વાત તરકટ જ લાગી. એ બહુ ખપા થઈ ગયા.
અમે એમને બહુ બહુ વિનંતી કરી. સાચી હકીકત કહી. બહુ ક્ષમા માગી. બધી કેરી ટોપલામાં ભરી પણ એ ગુસ્સામાં નાકનું ટેરવું ચડાવીને પગ પછાડતા ચાલ્યા ગયા.... અમે ટ્રેજેડીનાં પાત્રો જેવાં રહી ગયા.