પાછા એ રામ એના એ! .
- જેની લાઠી તેની ભેંસ- મધુસૂદન પારેખ
- માણસને ધાર્યું કશું મળતું નથી. અને મળે છે તો ય એની સાથે કાંટા હોય છે
'મા ણસ માત્રની વિચિત્રતા એવી છે કે વધારે પડતું સુખ આવે તો અપચો લાગે અને વધારે પડતું દુઃખ આવે તો 'ત્રાહિ મામ્ ! ત્રાહિ મામ્' થઇ જાય. અમનેય પહેલા તો લૉકઆઉટમાં સુખ મળ્યાની ખુશી હતી. નોકરી સાથે માથાપચીસી કરતાં કરતાં થાકેલા મગજને વિશ્રાંતિની ઝંખના થાય તે સ્વાભાવિક છે. અમનેય લૉકઆઉટની વિશ્રાંતિ બે ત્રણ દિવસ તો મઝાની લાગી; પણ કોઇ પણ ચીજનો અતિરેક તેનો સ્વાદ મારી નાખતો હોય છે.
અમનેય લાંબા લૉકડાઉનનો અતિરેક અકળાવી ગયો. સુખ માગ્યું હતું, પણ સાંબેલાધાર વરસાદના જેવું નહિ. 'લૉકઆઉટ'ની લાંબી કેદ માથાનો દુઃખાવો બની રહી. ઘરમાં ને ઘરમાં ચોવીસે કલાક, જાતજાતનાં બંધનો સાથે દિવસો પસાર કરવાના... તેય કર્યા.
હવે એ નજરકેદમાંથી છૂટયા ત્યારે શરૂઆતના બે દિવસ તો મઝાના ગયા. પણ પછી પાછા એ .... એના એ.
ઓફિસમાં બેઠક જામી ના જામી ને રેઢી પડેલી ફાઇલો માથું ઊંચકવા માંડી. પટાવાળા વારાફરતી ફાઇલ પરની ધૂળ સાફસૂફીના કપડાથી ખંખેરતા ટેબલ પર મૂકવા લાગ્યા.
કેટલા બધા દિવસ અમને અને ફાઇલોનેય ખરુંસ્તો !
વેકેશન મળી ગયું. લાંબુલચ લૉકડાઉનનું વેકેશન ઘરમાં ને ઘરમાં એકના એક જ પ્રકારના પરિવાર સાથે માંડ વીત્યું. એમાંથી છૂટયા ત્યારે શરૂમાં હાશ થઇ કે હવે ઓફિસમાં ખાસ ખાસ પરિચિતો સાથે મનમેળો જામશે. અમારા સીનિયર સભ્ય ગટુકાકા સાથે બે ઘડી ગમ્મત કરીશું. મિસ રાંદેરિયા સાથે 'શેકહેન્ડ'નો બે ઘડીનો આનંદ માણીશું. પટાવાળાની સલામો ઝીલીશું. પણ પાછા એ રામ એના એ.
ઓફિસમાંથી લૉકઆઉટ નહિ ને લોકઆઉટની સુધારેલી આવૃતિ. કોઇ સાથે હાથ મિલાવવાની વાત તો બાજુએ રહી. સહકાર્યકરોથી ચાર છ ફીટના અંતરે ટેબલ સામે પડેલી ફાઇલમાં માથું ખોલીને હિસાબો સાથે માથાપચીસી કરવાની.
મિસ રાંદેરિયાને જોતાં ઉમળકો આવ્યો, પણ એ તો આઘા જ ખસી ગયા.. 'અરે, અરે ! જરા દૂર' સોશિયલ ડિસ્ટન્સિંગ.. સામાજિક દૂરી જાળવો. અમે તો આ બધું ભૂલી ગયેલા તે સામે ચાલીને લમણા સાથે ભટકાયું.
એક જ ટેબલ પર સામસામે બેસવાને બદલે જુદી જુદી જગ્યા પર જુદા ટેબલો પર પરાણે ગોઠવાઇ જવાનું - જાણે પરસ્પર કશો પરિચય જ ના હોય તેમ નીચી મૂડીએ ફાઇલોમાં આંખો ફેરવ્યા કરવાની. અમે લૉકડાઉનથી અતિશય કંટાળીને સુખની - નિરાંતની કામના કરી તો સુખ પણ જુદાઇ સાથે મળ્યું.
માણસને ધાર્યું કશું મળતું નથી. અને મળે છે તો ય એની સાથે કાંટા હોય છે. જેમ ગુલાબને હોય છે તેમ એકવાર ઓફિસેથી રસ્તે જતાં એક મકાનને ઓટલે જરા તમાકુ મસળતા જીજા કાકાને પૂછ્યું ઃ 'કાકા, લૉકઆઉટની જેલમાંથી બહાર આવ્યા પછી ખુલ્લી હવામાં મસાલો ચાવવાની મઝા આવે છે ને ! લૉકઆઉટ ગયું તેથી રાજી ને !
જીજા કાકાએ એક હાથે સ્હેજ કપાળ કૂટયું. 'અરે જવા દે ને વાત.'
'કેમ, છુટ્ટી મળી તે નથી ગમતી ?'
'શેની, કપાળની છૂટ્ટી ?' લૉકઆઉટ હતું ત્યારે વહુઓ ઘરમાં ને ઘરમાં રહેતી. અમે નિરાંતે અમારા ખૂણામાં આરામ કરતા. હવે આ લૉકઆઉટ ગયું એટલે વહુઓ ઘરમાં ને ઘરમાં 'લૉકઆઉટ'ની ગોંધામણથી કકળાટ કરતી હતી તે હવે જાણે બહાર ફરવાનું દીઠું જ ના હોય તે રઝળવા, એમની સગલીઓને મળવા કે માર્કેટિંગ કરવા નીકળી
પડે છે.'
'એમાં તમને શો વાંધો ?'
'અરે ભઇ ! તું સમજ્યો નહિ. એ ભટકવા નીકળી પડે એટલે અમે ચામડાનું તાળું. ઘર બંધનું બંધને ખુલ્લામાં ખુલ્લું કોઇ આવે કરે તેને જવાબ આપવાના. બારણાં ઉઘાડવાસ કરવાના. ઘરમાં બિલાડી દૂધ ના પી જાય તેની ચોકી રાખવાની.'
અમે લૉકઆઉટમાં સુખી હતા. ખૂણામાં બેસીને જુવાની વાગોળિએ. હવે અમે ચામડાનું તાળું. ઘરની ચોકી કરવાની. વહુઓ ફરતી ફરે ડોસા ચામડાના તાળાની જેમ ઘર સાચવે ! ભઇ, લૉકઆઉટ ગયું ને નિરાંત ગઇ. લૉકઆઉટ વિશે જુદા જુદા લોકોના કેવા જુદા જુદા વિચારો છે તેની પ્રતીતિ થઇ.