ના, હવે હું નહિ આવું
- જેની લાઠી તેની ભેંસ- મધુસૂદન પારેખ
- આ જુઓને! લૂગડાં - વાસણ કરી કરીને મારા હાથે છાલાં પડી ગયા. પણ નોકર... 'નોકર નથી''
લો ક આઉટની લગભગ વિદાય થઇ ગઇ હતી એટલે પગ છૂટો કરવા, પરિચિત મિત્રોને મળવા- ખાસ તો ટાઇમ પાસ કરવા, નીકળી પડતો હતો.
એક સવારે દસ વાગે મારા એક સ્નેહી સુરેશભાઇ- સુરુભાઇને ઘેર પહોંચી ગયો. જાળીમાંથી ડોકિયું કર્યું તો સુરુભાઇ અને કાન્તાભાભી વચ્ચે તૂ.. તૂ.. મૈં.. મૈં.. ચાલતી સંભળાઇ. ડોરબેલ લગાવતા થોડીવારે બારણું ખૂલ્યું.
પૂછવા લાગ્યા : 'કેમ, અત્યારમાં?'
'કેમ એટલે? સવારના દસ વાગી ગયા છે. શેની ગરબડ ચાલતી હતી?'
'એ તો હવે રોજની રામાયણ..'
'તૂ.. તુ.. મૈં.. મૈ ''
'એ જ તો.. નોકર વિના રોજની રામાયણ અને ઘરમાં મહાભારત.
અમારી વાત સાંભળતા જ કાન્તાભાભી ધસી આવ્યા.
'કેમ છે? કશી બબાલ છે?'
'તમારા ભાઇબંધને કારણે?' મારી સામે નજર વીંધીને પત્ની જુસ્સાથી ઓચર્યા.
'અમારા 'ભાઇ'નો શો ગુનો? કશી બબાલ ઊભી કરી છે?'
'નોકરની સ્તો! આ જુઓને! લૂગડાં - વાસણ કરી કરીને મારા હાથે છાલાં પડી ગયા. પણ નોકર... 'નોકર નથી''
'સુરુભાઇ કહે: 'ક્યાંથી હોય? કોરોનામાં કાન્તાએ એને તાબડતોબ પાણીચું પકડાવી દીધું. હવે એ ક્યાંથી હોય?'
નોકર પાસે મોબાઇલ હશે ને?'
'છે છે.. પણ..'
'પણ' સુરુભાઇ આગળ વાત કરતા ખચકાયા.
પણ પછી બોલી પડયા : 'રવજીને મોબાઇલ કર્યો હતો. એણે શું કહ્યું - જાણવું છે? એ કહે છે કે કોરોના શરૂ થયો કે તરત મને તમે તાબડતોબ છૂટો કરી દીધો. મારો પગાર પણ મને બારણામાંથી જ કવરમાં ચૂકવી દીધો. જાણે હું જ કોરોના લઇને આવ્યો હોઉ' હવે જરૂર પડી એટલે હું યાદ આવ્યો. ના, હવે હું નહિ આવું.'
મોબાઇલ પર રવજીએ જરા મિજાજથી જવાબ આપ્યો.
મેં જરા ટકોર કરી: 'સુરુભાઇ, નોકર પણ ઇન્સાન છે. એને ય માન- સન્માનની અસર થાય.'
કાન્તાભાભી જરા મોં ચડાવીને સાંભળી રહ્યા.
મેં સલાહ આપી: 'સુરુભાઇ નોકરની જરૂર તો તમારે પડશે જ, કાન્તાભાભી ઘરકામના વૈતરાથી ટેવાયલા નથી. તમે એને એકવાર સમજાવી જુઓને!'
સુરુભાઇએ કાન્તભાભી સામે સંમતિ માટે જોયું. એમને તો ગરજ હતી જ. એટલે સ્હેજે ડોકું હલાવ્યું.
મેં મોબાઇલ જોડયો : 'બે વાર તો રીંગ વાગ્યા કરે અને નોકર ફોન ઉપાડે જ નહિ. જરા નિરાશ થઇને એમણે મારી સામે અને પછી કાન્તાભાભી સામે જોયું.
'રવજી ફોન ઉપાડતો નથી.' મેં વીલે મોઢે કહ્યું.'
'કાન્તાભાભી નિરાશ થયા. એમણે રવજીને જે અપમાન કરીને કાઢ્યો હતો તે યાદ આવ્યું...'
જરા રડમસ મુખે તેમણે બચાવ કર્યો. 'મેં એમાં ખોટું શું કર્યું. કોરોનાનો ચેપ ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તેને લાગી જાય. સલામતી ખાતર મેં એને બારણા બહારથી જ કવર આપી દીધું. એને ઘરમાં લાવીને જોખમ શી રીતે ખેડાય?'
પછી સ્વબચાવમાં દલીલ કરતાં કહેવા લાગ્યા : 'મને મારી તો નહિ. એમની ચિંતા હતી. એ શરીરે જરા નબળા (જોકે એ શરીરે હૃષ્ટપુષ્ટ હતા) એમને કોરોનાનો ચેપ લાગી જાય તો?'
પતિની (કોરોનાથી) સુરક્ષા કરવા માટે મને કાન્તાભાભી માટે માન થયું.
મેં ઉઠતાં ઉઠતાં સલાહ આપી: 'હવે બીજે પ્રયત્ન કરો. કોરોનામાં કોઇ કોઇ નવરા પડયા હોય ને મળી જાય તો..'
મારી સુફિયાણી સલાહ તે સમજી ગયા.
મેં નવા નોકર માટે 'બેસ્ટલક' પાઠવી વિદાય લીધી.
જતાં જતાં જોયું કે બેય જણાની આંખો પરસ્પર ઝઘડી રહી હતી.