લૉકડાઉનમાં ખાટીમીઠી .
- જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ
અ મે અત્યાર સુધીની પચાસેક વર્ષની જિંદગીમાં જે ન શીખ્યા, ન પામ્યા તે લૉકડાઉનના સળિયા પાછળ થોડાક જ દિવસમાં શીખી ગયા. સમાજ અને ઘરસંસાર વિશે અમારા સમજમાં ઘણો સુધારો-વધારો થયો.
ગિન્નાયેલી ગૃહપત્નીના આદેશે અમે ડોલમાંથી કાઢીને એક પછી એક બટાકાને સ્નાન કરાવીને પવિત્ર કર્યા, જિંદગીના એ અનુભવે અમારા સર્વથા નરમ દિમાગને ય ગરમ બનાવી દીધું. પૂરી પિસ્તાલીસ મિનિટ મારા મોબાઈલથી મને વંચિત રાખીને પત્નીએ મને બટાકાને સ્નાનતક બનાવવાની કપરી કામગીરી બઝાડી.
છેલ્લા બટાકાને હરહર ગંગે કરાવીને મેં એને બાદલીમાં જ પછાડયો. મારા મિજાજના ઉભરાને માર્ગ આપ્યો.
ફરી પાછો મારો હાથ મોબાઈલ તરફ વળે ત્યાં... 'અરે હજી તો કપરકાબી...'
બોઇલર ફાટયું : 'હું બટાકા ધોવા અને કપરકાબી માંજવા પરણ્યો છું ?'
સામેથી એવો જ સણસણતો સપાટો ઃ 'અને હું ઘરની ભઠિયારણ થવા પરણી છું ?'
મારા મિજાજથી કયાંય સુપરપાવર મિજાજમાં પત્નીનો અવાજ સાંભળી જે લેવો પડયો. એના સવાલ સામે મારી પાસે કોઈ હાજર જવાબ નહોતો.
લૉકડાઉનના બંધિયારમાં અમારી પહેલી તૂ તૂ મૈં.. મૈ.. શરૂ થઈ ચૂકી.
સ્ત્રીઓ પ્રતિસ્પર્ધિઓને જવાબ આપવામાં આવી 'ખતરનાક' ભાષા પ્રયોજી શકે છે. પુરુષો સાથે એવી જો હરીફાઈ થઈ ગઈ તો પુરુષો માટે 'યુ ટર્ન'. અમે જરા બીંતા બીંતા ફરી અમારો મોબાઈલ હાથમાં લીધો. પણ ફોન કયારનોય કટ થઇ ગયો હતો. કોનો ફોન હશે ? એનું કુતૂહલ થવા માંડયું. સહેજે અડધો કલાક 'મોબાઈલાલાપ' થઈ શક્યો હોત...
પત્ની કાચની બરણી ધોતી, મારી સામેે નજર નાખ્યા કરતી મારી ફોનાલાપ માટેની અતિ ઘેલછાનું કદાચ માપ કાઢી રહી હતી.
ઠીક રાહ જોવડાવ્યા પછી ફરીવાર મોબાઇલ રણક્યો.
બિલાડી ઉંદર પર ઝાપટ મારે તેમ મેં મોબાઈલ પર ઝાપટ મારી તેને જ પકડી લીધો.
'અરે, ક્યારનો ફોન કરું છું ને..' અરે આ તો સૂર્યાભાઈ.. એમનો બુલંદ અવાજ ફોનની બહાર પણ વેરાતો હતો.
'ક્યારના શું કર્યા કરો છો ?' એમણે જરા મીઠો ગુસ્સો કરતાં કહ્યું.
'સૂર્યાભાઈ, એક મહત્વની સેવા બજાવી રહ્યો હતો. બટાકાને નવડાવતો હતો.'
'તારી ય એ દશા છે ?' સૂર્યો હસવા લાગ્યો. મને દૂધ ગરમ કરવાની ફરજ સોંપાઈ છે..'
'અરે, અરે ઉભરાઈ ગયું..' પત્નીની ચીસનો તીણો અવાજ ફોનની બહાર પહોંચતા જ સૂર્યાયે ફોન ને પડતો મુકયો. અને હવે એની કેવી તૂ તૂ મૈં. .. મૈં .. થશે એનો હું વિચાર કરી રહ્યો.
પાંચેક મિનિટમાં ફરી મોબાઈલ રણકયો. ટાઇમ પાસ માટે કેવું ઉપયોગી રમકડું છે તેનો હું વિચાર કરતા મેં ફોન રીસિવ કર્યો. 'ફોનમાં આદેશ આવ્યો. ...
'જરા મીનાબહેનને આપો..'
'મીનાબહેનનું નામ સાંભળતાં જ પત્નીએ અડધી પડધી ધોયેલી બરણી બાજુ મૂકી અને ફોન રીસિવ કરવા દોડી આવી. ફોન ઝડપવા માટેની એની ઝડપ પણ મારી ઝડપ કરતાં કમ નહોતી.
'હેલો, સવિતા કેમ છે. મઝામાં ? અરે અહીં તો આ 'લૉકડાઉન'માં મગજ બહેર મારી ગયું. કશું કામ થતું જ નથી. નોકર આવે નહિ અને તું જાણે છે કે આપણા બોસ મહાશયો શેકયો પાપડ પણ ભાંગે તેવા હોતા નથી.'
મેં થોડી વાર પહેલાં જ બટાકા ધોયા હતા તે વાતનો જરાય ઉલ્લેખ કરે તો 'પત્ની' નામ નહિ.
પત્નીનો મોબાઈલાલાપ તો લંબાતો જ ગયો.
એમને કેટલી બધી વાતોમાં ટાઇમપાસ કરવાનો હતો.
સરકારની અણઘડ નીતિ, શાકભાજી અને કરિયાણા માટેની બબાલ. પોલીસોના પહેરા મોઘવારી.. (સ્ત્રીઓ માટે કદીય વાતોના વિષય ખૂટતા સાંભળ્યા છે ?)
પત્નીનો ફોનાલાપ લંબાતો જ ગયો... એટલામાં સામેથી ફોનમાં તૂ
તૂ મૈં મૈં જેવો અવાજ સંભળાયો. 'અલી એ, ક્યારની ફોન પર મંડી છે તે છોકરાને નાસ્તો આપવાનું કે મહેશ માટે ચા બનાવવાનું સુઝતું નથી ?' નવરી પડી કે મંડી પડી..' અને ફોન તરત જ કટ થઇ ગયો.
સાસુ વહુની તૂ તૂ મૈં મૈં... નો થોડો રસાસ્વાદ અમે સાંભળી લીધો.
માત્ર પતિપત્ની વચ્ચે નહિ.. સાસુ અને વહુ વચ્ચે પણ કડવી મીઠીની આપ-લે થતી હોય છે. એ ય જાણયું.
'આમ કયાં ફાંફા મારો છો ? સામેથી સખીનો ફોન કપાઈ ગયો. એટલે પત્નીએ મને સકંજામાં લીધો. 'નવરા છો ને, તો જરા રસોડામાં ધ્યાન રાખજો. દૂધ તો મેં ઉતારી દીધું છે. શાક દાઝી ના જાય તે જોજો.. રસોડામાં જ બેસોને... એક સાથે જ કડવી મીઠી, તૂ તૂ મૈં મૈં .. ખાટી તૂરી.. બધાનો અનુભવ.. મોબાઈલાલાપ કરાવતો રહ્યો.