લોકઆઉટમાં ઘેર નજરકેદના દિવસો
જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ
(ગતાંકથી પૂરું)
લો કઆઉટમાં ઘરમાં નજરકેદનો પહેલો દિવસ કશી તકલીફ વિના રાજીપો આપીને ગયો. બીજે દિવસે સવારે ઉઠયો ત્યારે દૂધની સહેજસાજ ચિંતા હતી, પણ પત્નીએ હરખભેર ટેબલ પર ચાનો કપ મુકતાં જ આંખો આનંદથી આશ્ચર્યમુગ્ધ પહોળી થઈ ગઈ. 'દૂધ ક્યાંથી આવ્યું ?' ખુશાલીથી આંખો ચમકાવતાં મે પૂછ્યું : 'લઈ આવી, વહેલી સવારે' તમારે પાછી ઉઠતાવેંત ચા જોઈએ ને ?' પત્નીની અગમચેતી મને આ દિવસોમાં બહુ ગમી. આમેય પત્ની માત્રમાં અગમચેતી હોય છે. પતિ મહાશયો જ પચ્છમબુદ્ધિ હોય છે. ચાના કપ સાથે જ સવારનું છાપું સાંભર્યું. છાપા વિના ચાની લહેજત ના આવે. અને ચા વિના એકલું છાપું નીરસ લાગે. 'છાપું ક્યાં ?' મારી ઈન્કવાયરી પત્ની પર જ હોય. 'નથી આવ્યું ?' એણે આસપાસ ફેરિયો નાખી ગયો હોય તો તે માટે શોધ કરી. એક ખૂણામાં બારણા પાસે છાપું છૂટાં પાના સાથે વેરવિખેર પડયું હતું. નિરાંતે ચા અને છાપા સાથે સવારની લિજ્જત માણી એમાંથી પરવાર્યા એટલે સવારનો નાસ્તો યાદ આવ્યો રોજ તો ચા સાથે કે તે પછી તરત શકરપારા, બટાકાપૌંઆ જેવો નાસ્તો આવી જતો હતો.
'આજે નાસ્તો નથી ? મારાથી પુછાઈ ગયું. નાસ્તો શેનો બનાવું ? ઘરમાં લોટ નથી, બટાકાપૌંઆ માટે બટાકા છે પણ પૌંઆ નથી.'
'કરિયાણાની દુકાને મળશે ને ? હમણાં નોકર આવે એટલે લોટ, પૌંઆ અને બીજું જે કાંઈ જોઈએ તે મંગાવી લેજે.'
'નોકર આવે તો ને ?'
'કેમ ? કેમ ?' હું તો લોકઆઉટ ભૂલીને જ જાણે રોજની જેમ બધું યથાવત્ છે એમ સ્વપ્નવિહારમાં હતા. 'નોકરને લોકઆઉટ ના હોય ? એમ ઘરની બહાર કરિયાણે જાય ? પોલીસના દંડા ખાવા માટે બહાર નીકળે ?'
એવામાં અમારાં બાળકો નીચે ઉતરી આવ્યા. દૂધ સાથે નાસ્તો ? દૂધ તો મળ્યું. પણ નાસ્તો ? એમને નાસ્તામાં પણ પત્નીએ તેમને પેકેટમાંથી બટાકાની વેફર કાઢી આપી. સદ્ભાગ્યે પડીકાં સચવાઈ રહ્યાં હતાં.
હવે મને લોકઆઉટનો પરચો મળવાની શરૂઆત થઈ. મેં હવે ચિંતાથી પત્નીને પૂછ્યું : 'ત્યારે હવે રાંધવાનું શું ?'
'ખીચડી... !' પત્નીએ કટાક્ષમાં કહ્યું, 'એ પોતે ય બે જ દિવસમાં ઘરરખ્ખુ રહીને અકળાવા માંડી હતી.' એક દિવસ ગેલેરીમાં બેઠો હતો. સામેના ફલેટમાંથી જગાભાઈએ મને બૂમ મારી. 'આંટો મારવા આવવું છે. આંટો મારવા ?' મેં આશ્ચર્યથી પૂછ્યું : પત્ની સામે મેં આશાભેર જોયું - રજા આપે છે ? પણ એણે આંખના કડક ઈશારે ચોખ્ખી ના પાડી દીધી.
મને વસમું લાગ્યું. એકવીસે એકવીસ દિવસ ઘરમાં જ ગોંધાઈ રહેવાનું ? પુરુષોને ગમે ખરું ?
પણ હું ના ગયો. મન મારીને ઘેર જ રહ્યો.
બે દિવસ પછી જગાભાઈનાં પત્નીને સહજ પૂછ્યું : 'કેમ આજે જગાભાઈ નથી નીકળ્યા ?'
જયાબહેન ચિડાઈને બોલ્યા : 'જખ મારી બહાર નીકળ્યા તે.'
'કેમ શું થયું ?'
'પોલીસે પકડયા અને દંડો તો ના માર્યો પણ ઉઠબેસ એવી કરાવી !'
'અરે, અરે ! હવે શું કરે છે.'
'ગરમ પાણીની કોથળીનો કમર પર અને પીઠ પર શેક કરાવે છે.'
મને હાશ થઈ ગઈ. પત્ની મજાકમાં કહે : 'તમે એમની સાથે ગયા હોત તો તમને તો હાડવૈદને ઘેર લઈ જવા પડયા હોત. તમારું હાડકા દેખાઈ આવે તેવું શરીર... !'
પત્નીનો કટાક્ષ ગમ ખાઈને સાંભળી રહ્યો એક પછી એક દિવસ કંટાળો વધારતા જ રહ્યા. રોજ જમવાના, ચા પાણીના અને દવા વગેરેના સવાલો પજવવા માંડયા. પત્ની અકળાઈ ગયેલી પણ હિંમતપૂર્વક ગમે ત્યાંથી કામ શોધી કાઢી નજરકેદના દિવસો પસાર કરતી હતી. એક દિવસ પત્ની સમાચાર લાવી : 'સામેના ફલેટવાળા મકરંદભાઈનું બ્લડપ્રેશર વધી ગયું છે. દવાખાના તો બંધ છે, માંડ માંડ કોઈક ડૉક્ટર મળ્યો હવે આરામમાં દુઃખભર્યા દિવસો પુરા કરવાના.' હવે મારા મગજનું ચક્ર ફર્યું. મને થયું. નવરાશના એક બે દિવસ મઝાના પણ ત્રણ ત્રણ અઠવાડીયાનું નજરકેદનું વેકેશન... અને બધો જ વહેવાર બંધ. ચાર દિવાલોની વચમાં - ભજન ગાયા કરો કે શેખચલ્લીની જેમ તુક્કા કર્યા કરો... અથવા છેવટે કંઈ કંઈ નિમિત્તે મગજને કાર્યક્ષમ રાખવા પત્ની, બાળકો સાથે વિના કારણ ઝઘડયા કરો. આખરે ગોઝારા એકાંત કેદના દિવસો ગુર્જ્યા.
જે દિવસે થોડા સમય માટે પણ નજરકેદમાંથી છુટ્ટી મળી તે જ દિવસે મેં સ્કૂટર કાઢ્યું... પત્નીને કહ્યું, 'શહેરનો આંટો મારી આવું.'
મને નજરકેદમાં જ્ઞાન લાદયું કે માણસ માણસ જોડે ઝઘડે, પ્રેમ કરે, મારામારી કરે ભલે પણ માણસને માણસની ભૂખ છે. માણસને માણસ જોઈએ જ.