Get The App

ભેટ આપેલાં પુસ્તકો .

જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ

Updated: Feb 11th, 2020

GS TEAM

Google News
Google News
ભેટ આપેલાં પુસ્તકો     . 1 - image


દરેક લેખકને હોંશ થાય કે મારું પુસ્તક ફટાફટ વેચાય અને વ્યાપક વર્ગમાં વંચાય. એવી હોંશ-ઉત્કંઠા મનેય હતી. કેટલાય પ્રકાશકોની દુકાનનાં પગથિયાં ઘસ્યાં, પુસ્તક પ્રકાશિત કરવાની વિનંતી કરી. તરત પહેલો સવાલ શેનું પુસ્તક છે ? કવિતાનું છે ? જો એ હોય તો માંડી વાળજો. અમારા ગોડાઉનમાં કવિતાનાં ઢગલાબંધ પુસ્તકોનો માલ હજી ધૂળ ખાતો પડયો છે.

પ્રકાશકોને ય શું કહેવું ? સર્જકે કેટલીયે પ્રેરણા પામ્યા પછી માંડમાંડ કાવ્યો રચીને પુસ્તકની હસ્તપ્રત તૈયાર કરી હોય. પ્રકાશકને માટે ભોંયરામાં ધૂળ ખાતો માલ ! એ પ્રકાશકોની ખાજો દયા, જે પુસ્તકને એક કોમોડિટી માલ ગણે ભોંયરામાં કેદ કરી રાખે.

પ્રકાશકને જરાક હોંશ થાય એટલે મેં સધિયારો આપતાં કહ્યું : 'કવિતાનું પુસ્તક નથી. મારી નવી જ લખાયેલી નવલકથા છે. તમે વાંચીને ખુશ થઇ જશો.'

'અમે ક્યાં એ બધું વાંચવા નવરા છીએ ? કોઈ મોટા લેખકે એનાં વખાણ કર્યાં છે ? એને  આવકારરૂપે પ્રસ્તાવના લખી આપી છે ?'

મારો અવાજ ઢીલો પડી ગયો. મારા નવોદિત પુસ્તકને વળી કયો મોટો લેખક હાથમાં ઝાલે ? પ્રસ્તાવના લખે ?

પ્રકાશકે બધી વાતે મને નિરાશ કર્યો. છેલ્લે હું નિરાશ ના થાઉં એટલે મને કહે : 'દસેક હજાર ખર્ચી શકો ? જો તેવું હોય તો વળી બસો નકલો છાપી.'

મારી કલ્પનાના ધજાગરા ઊડી ગયા. પુસ્તક છપાવવા માટે ગાંઠના રૂપિયા ખર્ચવા પડે ? મને તો કલ્પના હતી કે પ્રકાશકો નવલકથા તો હોંશે હોંશે છાપતા હશે ?

પણ અહીં તો પૈસા લઇને પુસ્તક છાપી આપવાનો ય ધંધો ચાલતો હતો ! લેખકની સર્જકતા ય ત્રાજવે તોલાય ! પૈસા આપો, પુસ્તક છપાવો. જેવી ગરજ લેખક નામી હોય, મૂર્ધન્ત હોય તો પુસ્તક છપાવીને સામેથી રોયલ્ટી રૂપે પૈસા રળે. નવોદિતનો પત્તો ક્યાં ખાય ?

છેવટે કડદો કરીને મેં પુસ્તક છપાવ્યું : 'લવમેરેજ' મને ઉત્સાહ હતો કે પુસ્તકનું શીર્ષક વાંચીને ય ગ્રાહકો ખુશ થતાં પુસ્તક ખરીદશે. પણ 'લવમેરેજ'ને આમેય ક્યાં સફળતા મળે છે ?

મારા 'લવ મેરેજ'નીય અવદશા થઈ. મહિને બે મહિને મેં પ્રકાશકને પૂછ્યું 'પુસ્તકનું સેલ જીચની કેવું છે ? વેચાય છે ને ?'

'અરે, હજી તો ઘણો બધો માલ પડી રહ્યો છે.'

મને નિરાશા થઈ. હવે 'લવમેરેજ' પણ નિષ્ફળ જાય છે !

મને મારું પુસ્તક ભલે ના વેચાય, પણ એ વંચાય તેની ભારે હોંશ હતી એટલે મેં પોતે જ પુસ્તકની થોડી નકલો ડિસ્કાઉન્ટથી ખરીદી અને સ્નેહી તથા મિત્રોને ભેટ આપવા માંડી. મારા એક સ્નેહી મિત્ર મારે ઘેર આવેલા. એમણે પુસ્તક જોયું. એનું શીર્ષક વાંચી એ ઝૂમી ઉઠયા : 'અરે આ તો તમે લખીને હું વાંચવા લઇ જઉં છું.'

મેં એમને ભેટમાં જ આપી દીધું.

બીજા ય બે ત્રણ મિત્રોને મેં 'લવ મેરેજ' ભેટમાં આપ્યાં એક દિવસ મારા એક મિત્રને ઘેર જવાનું થયું. મેં એમને મારું પુસ્તક ભેટ આપ્યું હતું.

મેં પૂછ્યું : 'લવ મેરેજ' કેવું લાગ્યું ? ગમ્યું ?

એ જરા ખમચાયા 'હા સારું છે. મઝા આવી.'

એવામાં મારી નજર એક ખૂણામાં ટિપોઇ પર પડી. ચાના પ્યાલા પર 'લવમેરેજ' ઢંકાયા હતા !

એકવાર મારી ટેવ મુજબ હું જૂના પુસ્તકોના બજારમાં કોઈ મનગમતું પુસ્તક મળી જાય તો સસ્તે ભાવે ખરીદવાની લાલચમાં કરતો હતો.

જૂનાં પુસ્તકો ભરેલી એક રેંકડી આગળ મેં ઉભા રહીને પુસ્તકો જોવા માંડયાં. મને આશ્ચર્ય સાથે જરા આઘાત પણ થયો. 'અરે ! મુનશીથી માંડીને મડિયાનાં અને પન્નાલાલથી માંડી પેટલીકરનાં અને વર્તમાન સમયનાં મૂર્ધન્ય લેખકોનાં પુસ્તકો રેંકડીમાં વેચાવાની રાહ જોતાં પડયાં હતાં ?'

મને થયું કે પુસ્તકોને ય પૂર્વજન્મનાં પાપ નડતાં હશે. એવાં તે કેવાં પાપ હશે કે શો રૂમમાંથી છેક રેંકડી સુધી એમનું અંધઃપતન થયું ?

પુસ્તકો ઉથલાવતાં મારી નજર મારા ખુદના પુસ્તક 'લવમેરેજ' પર પડી. પૂઠા ઉપર તેલના ધાબા હતા. મેં મારાં ખાસ સગાને મેં પુસ્તક ભેટ આપ્યું હતું.

મારા 'લવમેરેજ'ની આવી દુર્દશા મારા સગાને હાથે જ થઈ !

મેં પુસ્તક ઉપાડયું. કિંમત પૂછી : મને કહે : 'બે રૂપિયા.'

દોઢશો રૂપિયાના પુસ્તકનું બે રૂપિયામાં વેચાણ ?

મેં એક લેખકનો સરસ વાર્તા સંગ્રહ ઉપાડયો. કિંમત પૂછી : 'દસ રૂપિયા લઇ જાવ અને આ 'લવમેરેજ' પણ લઇ જાવ મફતના ભાવે. કોઈ એને સૂંઘતું ય નથી.'

હવે પછી સાહિત્યમાં કદી પ્રદાન ન કરવાનો નિશ્ચય કરી લીધો.


Tags :