છાપું .
- જેની લાઠી તેની ભેંસ-મધુસૂદન પારેખ
- એક દિવસ ગેલેરીમાં જઇને જોયું તો છાપુ ના મળે. જીવ ખારો થઇ ગયો. પત્નીએ ક્યાંક આડુ અવળું પડયું હોય તેની તપાસ કરી
ટે વ જ્યારે કટેવ જેવી બની જાય અને તેનું સમયસર પાલન ના થાય ત્યારે મગજમાં થોડાંક તો રાઈ-મરચાં સહેજે ભરાઈ જાય છે.
મારાથી એવા જ જરાક તેજ મિજાજમાં 'હાક' પડી ગઈ 'છાપું ક્યાં છે ? છાપું નથી મળ્યું ?'
ચા સાથે છાપામાં આવતી પારકી પંચાતમાં સામાન્ય માણસને પણ રસ પડતો હોય છે.
પત્ની કદાચ મારી ચાની વેતરણમાં જ હશે ને 'વળી પાછું શું થયું ?' કહેતી દોડી આવી.
'છાપું ક્યાં છે ? નથી આવ્યું ?' મારો રઘવાટ છાનો ના રહ્યો.
અમે ફ્લેટમાં બીજે માળે રહેતાં હતાં. છાપું નવું નવું બંધાવ્યું ત્યારે છાપાવાળો ફેરિયો - છોકરો છાપું દાદર ચડીને આપી જતો હતો. અમે એ રીતે ટેવાઈ ગયા હતાં.
અમારો રોજિંદો છાપા વ્યવહાર સરળતાથી આવ્યા કરતો હતો : પણ ઘરાકી વધતી ગઈ તે પછી એક દિવસ છાપું ના મળ્યું. આમ તેમ શોધી વળ્યો પણ છાપું ના મળે. છાપું બગડયું તેનો દિવસ બગડયો એવું મારે થયું.
બીજે દિવસે એના આવવાની રાહ જોઇને એને જરા ખખડાવવા માટે બેઠો હતો. એની ઠીક ઠીક રાહ જોયા પછી એ દેખાતાં જ એના જરા માલિકાના ભાવથી બૂમ મારીને બોલાવ્યો એ જરાય ઉતાવળ વિના આવ્યો ગેલેરીની સામે ઊભો : કે તરત મેં પછ્યું : 'અલ્યા આજે છાપું કેમ નથી નાખ્યું.'
'સાહેબ, તમારા ફ્લેટની સીડી ચડીને છાપું આપવા આવવાનું પરવડતું નથી.' તમારું છાપું બહારથી ઘા કરીને ગેલેરીમાં નાખીશ.
ગેલેરીમાં નજર કરજો.
'એવું ભૂંગળું વળેલું છાપુ મને નહિ પરવડે. તારે છાપું ઘરમાં નાખવું પડશે.' અને જરા તાકીદથી કહ્યું. 'નહિતર છાપુ બંધ કરવું પડશે.'
'એ તમારો સવાલ છે. મારાથી ઘરમાં છાપું નાખવા નહિ અવાય.' એ હવે બોસ થઇ ગયો હતો. જખ મારીને અમે બીજા ફેરિયાને છાપું નાખી જવાનું કહી દીધું. એણેય સીડી ચડીને છાપું નાખવાની ના પાડી દીધી.
હવે દરેક ફ્લેટમાં માળ ઉપર માળ હોય ત્યાં છાપાવાળા વગર પૂછયે બહારની ગેલેરીમાં વહેલી સવારે છાપુ નાખી વિદાય થઇ જવા માંડયા.રોજ સવારે અમારે ગેલેરીમાં ભૂંગળિયું છાપુ શોધવા જવાનું થયું.
એક દિવસ ગેલેરીમાં જઇને જોયું તો છાપુ ના મળે. જીવ ખારો થઇ ગયો. પત્નીએ ક્યાંક મેં આડુ અવળું પડયું હોય તેની તપાસ કરી. મેં શોધ આદરી. છાપા વિના દિવસ બહુ લાંબો બની ગયો. ઓફિસમાં કામકાજમાં મઝા ના રહી.
બીજે દિવસે અમારી જોડેના મકાનના પડોશી આવ્યા. એમના હાથમા ચૂંથાઈને દબાયું હતું.
અમને જાણે ઉપકારથી કહેતા હોય તેમ કહે 'તમારો છાપાવાળો છાપું નથી નાખી ગયો ને ?'
'અમે મૂંઝાઇને ના પાડી દીધી.' એ પડોશીભાઈ જરા નિરાંતથી ખુરસી પર જામ્યા. અમને કહે 'તમારું છાપું અમારી ગેલેરીમાં પડયું હતું. હું તો છાપું મંગાવતો નથી અને તમારે ત્યાં ફેરિયાને છાપું નાખતો જોઉં છું. એટલે છાપું તમારું સમજીને આપવા માટે આવ્યો.' અમારા પર મોટો ઉપકાર કરતા હોય તેમ એ બોલ્યા.
છાપું લીધા પછી અમે એમને વિદાય આપવાનો સંકેત 'થેન્ક યુ' કહીને આપ્યો. પણ એમનો વિનય એમને ઝટ વિદાય લેવા દે તેવો નહોતા.
'નારે એમાં થેન્ક્યુ શું ?' કહીને એ નિરાંતે બેઠા.
અમને એ જાય તેની જેટલી ઉતાવળ હતી તેટલી તેમને અહીં બેસવાની ઠંડક હતી.
છાપાં વિશે એ ટીકા ટિપ્પણી કરતા રહ્યા અને અમે 'બહેરાકાન' કરી ના છૂટકે એ સાંભળતા રહ્યા છેવટે અડધા કલાક પછી એમનાં શ્રીમતી એમને શોધવા આવ્યા ' પાછા અહીં બેસી પડયા ?' કહીને જરા ટપાર્યા એટલે કહે. જરા છાપું આપવા આવ્યો હતો.
ગાયની પાછળ વાછરડું જાય તેમ પત્નીની પાછળ એશ્રીમાન દોરવાતા ગયા.
એકવાર એક મિત્રને ત્યાં મળવા જવાનું બન્યું એ બેઠા હતા તેમની બાજુમાં એક અંગ્રેજી છાપું પડયું હતું.
મને નવાઈ લાગી 'તમે અંગ્રેજી છાપું મંગાવો છો ?'
એ જવાબ આપે તે પહેલાં જ એમના પત્નીએ જરા રુઆબથી
કહ્યું...'અમે અંગ્રેજી છાપાં જ મંગાવીએ છીએ. ગુજરાતી છાપામાં આવે છે શું ?'
પારકી પંચાત. કોઈ સારા સમાચાર જ મળે નહિ.
અંગ્રેજી છાપું એમને માટે સ્ટેટસ સિમ્બોલ (જાચોજ જઅસર્મન) હતું. પતિ ભલે બહુ મોટા પગારદાર નહિ, પણ સોસાયટીમાં 'સ્ટેટસ' હોવું જોઇએ.
છાપું એક એવી આકર્ષક સમયને ટૂંકો કરી આપનારી વસ્તુ છે કે ભલભલા તેની રાહ જોતા હોય છે. વ્યક્તિએ વ્યક્તિએ છાપામાં જુદો જુદો રસ હોય છે.
મારા એક મિત્ર કહે : 'મારાં પત્નીને છાપાના સમાચાર કંટાળો થાય છે.એ એવી પતિવ્રતા છે કે દર અઠવાડિયે મારા વિશે ભવિષ્ય આવ્યું હોય તે છાપા વિગતે વાંચે છે. મારા પર હવેના અઠવાડિયામાં કયી કયી ઘાત આવવાની છે તેની ઝીણવટથી તપાસ કરે છે અને એ રીતે મારો વ્યવહાર ગોઠવે છે.'
અમુક વારે મારે સ્કૂટર પર નહિ જવાનું (અકસ્માતનો ભય) અમુક દિવસે અમુક પ્રકારનું શર્ટ પહેરવાનું. અગિયારસે, ગાયના શુકને જવાનું એવી એવી રીત રસમો મારે પરાણે માનવી પડે છે.
છાપું વ્યક્તિએ વ્યક્તિએ જુદા જુદા હેતુ સારે છે. કોઇને એ રેઢિયાળ અને મગજ ઉશ્કેરે તેવા સમાચારનું છાપુ ગણે કેટલાકને છાપામાં દુનિયા ડહોળવી ગમે. છાપુ રોજ સવારે કેમ છાપું રોજ સવારે કિંમતી અને સાંજ પડતાં પસ્તી.
(છાપાંના છમકલાં હવે પછી ક્યારેક)