- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
પ રમાત્માએ મનોરમ સૃષ્ટિની રચના કરી. એ પછી આ સૃષ્ટિ પર મોજ માણવા સ્વર્ગમાંથી બે દેવીઓ ઉતરી આવી.
એક સત્યની દેવી હતી અને બીજી અસત્યની દેવી હતી. સ્વર્ગમાંથી પૃથ્વી પર આવતા શરીર મેલું થયું. આથી પૃથ્વી પરના એક રમણીય સરોવરમાં એ સ્નાન કરવા લાગી.
પોતાનાં વસ્ત્રો સરોવરને કિનારે મૂકીને સ્નાન કરવા લાગી. સત્યની દેવી તો મગ્ન થઇને સ્નાન કરવામાં લીન બની ગઈ. પાણીમાં દૂર દૂર સુધી ઊંડે પહોંચી ગઈ.
આ જોઇને અસત્યની દેવી તરત જ કૂદકો મારી પાણીની બહાર આવી સત્યની દેવીનાં વસ્ત્રો એણે પહેરી લીધાં અને દોડવા લાગી.
સરોવરમાં સ્નાન કરતી સત્યની દેવીએ જોયું કે અસત્ય તો એનાં વસ્ત્રો પહેરીને નાસી જાય છે, ત્યારે વિચારમાં પડી કે હવે કરવું શું ?
આખરે પરોઢ થવા આવ્યું. લોકોની અવરજવરનો અણસાર સંભળાવા માંડયો. હવે સરોવરમાંથી બહાર નીકળવું પડે તેમ હતું. સત્યની દેવી બહાર નીકળી અને લાચારીથી એને અસત્યની દેવીનાં વસ્ત્રો પહેરવાં પડયાં.
આ પછી સત્યની દેવીએ અસત્યની દેવીની શોધ ચલાવી. એણે મજબૂરીથી અસત્યની દેવીનાં વસ્ત્રો પહેર્યાં, પણ નક્કી કર્યું કે એને શોધી કાઢું, એનાં વસ્ત્રો એને પાછા આપું.
પણ હજી એ સત્યની દેવીને એનો પત્તો મળ્યો નથી. અસત્યની દેવી સત્યના વસ્ત્રો પહેરીને હજી દોડી રહી છે. સાચે જ આજે અસત્યે સત્યના વાઘા પહેર્યાં છે. અંતરનો અહંકાર દાનના દેખાડામાં પ્રગટ થાય છે.


