Get The App

બીજાનું દુ:ખ જોઇને સુખનો ઓડકાર આવે છે!

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
બીજાનું દુ:ખ જોઇને સુખનો ઓડકાર આવે છે! 1 - image

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

ગા મમાં એકાએક ભારે પૂર આવ્યું. પૂરમાં બધું તણાવા લાગ્યું. એક વૃદ્ધ ખેડૂત લમણે હાથ દઇને આ જોઈ રહ્યો હતો.

એ વૃદ્ધ ખેડૂતનું ખેતર પૂરના પાણીમાં ડૂબી ગયું. એનાં ઢોર તણાઈ ગયાં. એની ઘરવખરી પણ ધસમસતા પાણીમાં ડૂબી ગઇ હતી.

એક યુવાન આ વૃદ્ધની પાસે આવ્યો અને એણે પૂછ્યું, 'આપ આટલા બધા ચિંતાતુર શા માટે છો ? એવું તો શું થઇ ગયું કે તમે આટલા બધા ઉદાસ અને હતાશ થઇને બેઠા છો ?' વૃદ્ધે કહ્યું, 'ભાઈ, શું વાત કરું ? મારું તો બધું તણાઈ ગયું. ખેતર ડૂબી ગયું. ઢોરઢાંખર અને રાચરચીલું પણ આ ભારે પૂરમાં તણાઈ ગયું.'

પેલા યુવકે વૃદ્ધને આશ્વાસન આપતાં કહ્યું, 'એમાં તે શું ? આવી દશા તો આખા ગામમાં સહુની થઇ છે. અરે ! કેટલાકનાં તો નાનાં બાળકો તણાઈ ગયાં છે. તમારે તો એવું કશું થયું નથી. વળી હજી તમારું ખોરડું પણ સલામત છે. ઘણાંને તો ખોરડાં જ રહ્યાં નથી. એમને તો ઉપર આભ અને નીચે પાણી છે.'

યુવાનની વાત સાંભળતાં જ વૃદ્ધની આંખો ચમકી ઊઠી. એનામાં ઉદાસીનતાની જગ્યાએ ઉત્સાહનો સંચાર થયો. એ આનંદભેર બોલી ઊઠયા.

'અરે ! બધાનાં ખોરડાં ગયાં અને મારું ખોરડું સલામત છે. હું કેટલો ભાગ્યશાળી !'

આમ વિચારી વૃદ્ધ ખેડૂત ગેલમાં આવી ગયો.

માણસની મજા જ એ છે કે જે પોતાની પાસે હોય અને બીજાની પાસે ન હોય, એને જ સુખ માનવા લાગે છે. પોતાનાં ખોરડાં રહ્યાં એના કરતાં 

બીજાનાં ખોરડાં ગયાં એ ઘટના એને વધુ આનંદિત કરે છે.

સુખ વિશેની આપણી માન્યતા જ કેટલી ભ્રામક છે, જે બીજાની પાસે ન હોય તે મારી પાસે હોય એ સુખ !

માણસ સુખની ખોજ કરવા નીકળે છે. પણ હકીકતમાં એકબીજાનાં દુ:ખોની જ શોધ કરતો હોય છે. બીજાનું દુ:ખ જુએ અને એને સુખનો ઓડકાર આવે. સુખની આવી ભ્રામક માન્યતાને કારણે જ માણસ જીવનભર એની પાછળ દોટ મૂકતો રહે છે અને છતાં એને કશું હાથ લાગતું નથી. સુખને આથી જ મૃગજળ જેવું કહેવાયું છે. જે માણસને સાચા સુખની ખબર નથી એ બિચારો સુખદુ:ખના વારાફેરામાં ફર્યા કરે છે.