Get The App

જગત જોનારને અહંકાર સ્પર્શી શકે નહીં!

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
જગત જોનારને અહંકાર સ્પર્શી શકે નહીં! 1 - image


- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

મા નસરોવરનો રાજહંસ ઊડતો ઊડતો કૂવાના થાળા પર આવ્યો. પનિહારીઓ કૂવામાંથી પાણી ખેંચીને ચાલી ગઇ હતી. સૂરજ આથમતો હતો એ વેળાએ રાજહંસે કૂવામાંથી દેડકાનો અવાજ સાંભળ્યો.

કૂવાના થાળા પર રહેલા રાજહંસે કૂવામાં નજર કરી તો દેડકો બાદશાહી ઠાઠથી કૂવાની બખોલમાં બેઠો હતો અને સત્તાવાહી અવાજે પૂછતો હતો,

'અરે પક્ષી ! કોણ છે તું ? ક્યાંથી આવે છે ? આ દુનિયાની તને કશી જાણ છે ખરી ?'

રાજહંસે ઠાવકાઇથી જવાબ આપ્યો, 'હું આવું છું માનસરોવરથી. અમે રાજહંસ માનસરોવરમાં વસીએ છીએ. એ અહીંથી ઘણું દૂર છે.'

દેડકાએ કહ્યું, 'આ તારું માનસરોવર મારા આ ઘરના પા ભાગ જેટલું મોટું ખરું ? કારણ કે મારા ઘર (કૂવા) જેટલી વિશાળ જગતમાં કોઈ બાબત નથી.'

રાજહંસે નમ્રતાથી જવાબ આપ્યો, 'અમે જે માનસરોવરના વાસી છીએ તે માનસરોવર ઘણું વિશાળ છે. તેમાં મારા જેવા કેટલાય રાજહંસો વસે છે. મોતીનો ચારો ચરે છે.'

દેડકાએ કહ્યું, 'કદાચ વિશાળ હશે, પરંતુ મારા આ ઘર જેવું મહાવિશાળ તો નહીં હોય.'

રાજહંસ કહે, 'ના, ના, આ તમારા ઘરથી તો કેટલુંય વિશાળ. તમે જે જગામાં રહો છો તેનાથી તો કેટલીય મોટી જગામાં આ સરોવર આવેલું છે.'

દેડકો ખડખડાટ હસી પડયો. અને બોલ્યો, 'ખરો છે તું ! થોડું જૂઠ્ઠું બોલે તે તો સમજાય, પરંતુ તું તો સાવ ગપ્પું લગાવે છે. 

આ કૂવાની પહોળાઈનો તને ખ્યાલ લાગતો નથી. દુનિયાની કોઈ વસ્તુ આ મારા ઘરથી મોટી નથી. સમજ્યો ને ?'

રાજહંસે કહ્યું, 'ભાઈ, તેં આખીય જિંદગી કૂવામાં ગાળી. આ કૂવો તે જ તારી દુનિયા. બાકી બહાર આવીને જુએ તો ખબર પડે કે આ પૃથ્વી પર કેવાં મોટાં સરોવર અને વિશાળ સમુદ્ર છે. તેં કોઈ દિવસ કૂવાની બહાર નીકળીને દુનિયા દીઠી છે ?'

રાજહંસે આ વાત કરી, પરંતુ દેડકો એ માનવા તૈયાર જ નહોતો. એ તો એટલું જ કહે છે કે મારા કૂવા જેટલું વિશાળ જગતમાં બીજું કશું નથી.

અહંકારી માનવી એટલે કૂવામાંનો દેડકો. આ માનવી પોતાના અહંકારને પોષવા માટે પોતાને સંપૂર્ણ માને અને પોતે સર્વસ્વ ધરાવે છે એવો ખ્યાલ મનમાં રાખે.

જેણે માત્ર કૂવો જ જોયો છે એ અહંકારમાં વસે છે. જેણે જગત જોયું છે એને કદી અહંકાર ન આવે. વિરાટનો અનુભવ મેળવનારને પોતાની સામાન્યતાનો ખ્યાલ હોય છે. વિસ્તારનો અનુભવ મેળવનારને પોતાના સ્થાનની સમજ હોય છે.

Tags :