- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
આ શ્રમના યોગીરાજ પાસે દોડતો દોડતો એક બહાવરો માનવી આવ્યો. એણે યોગીરાજ સમક્ષ પડતું મૂક્યું અને વેદનાભર્યા અવાજે કહેવા લાગ્યો,
'ગુરૂદેવ ! માથે આભ તૂટી પડયું છે. મારો દીકરો ભરયુવાનીમાં મૃત્યુ પામ્યો છે. આપ ચાલો, જલદી ચાલો. મને કંઈક કહો કે મારે શું કરવું ? હું દુ:ખથી પાગલ થઈ ગયો છું. મને આશ્વાસનના બે બોલ તો કહો.'
યોગીરાજે વ્યથિત માનવીને કહ્યું, 'અરે ભાઈ ! સાચું આશ્વાસન તો અંતરમાંથી મળે છે. શબ્દથી નહીં, બલ્કે સત્ય સમજવાથી મળે છે. સત્યના જેવું બીજું કોઈ મોટું આશ્વાસન નથી.'
આટલું બોલી યોગીરાજ પેલા વ્યથિત માનવીની સાથે ચાલ્યા. પેલો માનવી એમને પોતાના ઘર પાસે લઈ ગયો.
યોગીરાજ મૃતદેહ પાસે ગયાં. એના પર ઓઢાડેલું સફેદ કફન ઊંચું કર્યું અને પેલા વ્યથિત માનવીને કહ્યું,
'આ બરાબર જોઈ લો. જે છે તે જુઓ અને સમજો.'
પેલો માનવી પોતાના પુત્રના મૃતદેહને જોઈ રહ્યો. એકાએક એને હૃદયમાં અવનવા સંચલનો જાગ્યા. અંર્તદ્રષ્ટિનો એનામાં જન્મ થયો.
એણે વિચાર્યું કે જે છે તે છે જ. હકીકત એ હકીકત છે. જીવન જેટલું સત્ય છે, તેટલું જ મૃત્યુ પણ સત્ય છે.
આમ. જીવનની માફક મૃત્યુને જાણવું પડે. એના સત્યને પિછાનવું પડે. માનવી મૃત્યુના સત્યને સાચા સ્વરૂપમાં સમજવાને બદલે એના પર અવનવાં નવા વાઘા સજાવે છે. એની આસપાસ કલ્પિત ધારણાંઓ અને રૂઢ માન્યતાઓ વીંટાળી દે છે. મૃત્યુથી ભય પામતા માનવીએ એને વિશે કેવી કેવી કલ્પનાઓ સર્જી છે !
કેટલીય માન્યતાઓ મૃત્યુની આસપાસ ઊભી કરી. કેટલીય વિચારધારાઓ એના સત્યને સમજાવવા માટે જગતમાં જન્મી. કેટલાય રિવાજો એની ચોતરફ વીંટાળી દીધા, આમ છતાં માનવી આજેય મૃત્યુથી બચી શક્યો નથી.
હકીકત એ હકીકત રહે છે અને હકીકત જ રહેશે. એનાથી ડરીને ભાગવું જોઈએ નહીં. સત્યથી ભાગવાની વૃત્તિએ મૃત્યુને વધુ મારક બનાવ્યું છે.


