Get The App

આનંદ આકાશ છે, એક વાદળ નહીં!

Updated: Jan 28th, 2025

GS TEAM


Google News
Google News
આનંદ આકાશ છે, એક વાદળ નહીં! 1 - image


- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

ન્યા યમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેને કેસર કેરી ખૂબ પસંદ હતી. એમનાં પત્ની રમાબાઈને આનો પૂરો ખ્યાલ હતો, આથી કેરીગાળો આવે એટલે રમાબાઈ આવી કેરીની તપાસ કરે અને મોંઘી કિંમતે પણ કેસર કેરીનો કરંડિયો ખરીદી લાવે.

એક વાર રમાબાઈ કેસર કેરીનો કરંડિયો ખરીદી લાવ્યા. જાણતા હતા કે ન્યાયમૂર્તિ રાનડેને આવી કેરી ખૂબ ભાવે છે, તેથી પાંચ-છ કેરી કાપીને એને બે-ત્રણ રકાબીમાં મૂકી.

ન્યાયમૂર્તિ રાનડેએ કેરીની ત્રણેક ચીર ખાધી અને પછી પાછા પોતાના કામમાં લાગી ગયા. થોડી વારે રમાબાઈ આવ્યાં અને એમણે જોયું તો રકાબીઓમાંથી થોડીક ચીર જ ઓછી થઈ હતી. આથી એમણે ન્યાયમૂર્તિ રાનડેને કહ્યું, ''અરે, આપને તો કેરી ખૂબ પસંદ છે, તેથી હું કાપીને લાવી છું. તો પછી આપ ખાતા કેમ નથી ?''

ન્યાયમૂર્તિ રાનડેએ હસતા હસતા કહ્યું, ''કેરી સારી છે એ વાત સાચી. કેરી ખૂબ ભાવે છે તે પણ સાચું, પરંતુ એનો અર્થ એ નથી કે માત્ર કેરી જ ખાતો રહું. જીવનમાં બીજા પણ આનંદ હોય છે.''

રમાબાઈ ન્યાયમૂર્તિ રાનડેની ટકોર સમજી ગયાં અને વિચારવા લાગ્યા કે માનવી એના આનંદનું વિશ્વ કેટલું બધું સાંકડું બનાવી દે છે. એને ભોજનમાં આનંદ આવતો હોય, તો પછી માત્ર ભોજનનો જ વિચાર કરે છે. જગતમાં સૌને ભોજનની જ વાત કરે છે અને એની નજર પણ ભોજનની આસપાસ ફરતી હોય છે.

કોઈને કાવ્યમાં આનંદ આવતો હોય તો એ માત્ર કાવ્યસૃષ્ટિમાં ડૂબી જાય છે, પણ બીજી સૃષ્ટિથી સાવ અજાણ રહે છે.

'તમારા ઘરની બધી બારીઓ ખુલ્લી રાખો અને એમાંથી હવા આવવા દો' એમ એ માટે કહેવાયું છે કે જીવનને સીમિત કરી નાખવાની જરૂર નથી. ચોપાસ આનંદનો અફાટ ઉદધિ ઊછળી રહ્યો છે તેને પામવાની જરૂર છે.

કોઈ એક વર્તુળમાં જ જીવનને સીમિત કરનાર વ્યાપકતાનું દર્શન ગુમાવી બેસે છે. એની સૃષ્ટિ વધુ ને વધુ સાંકડી થતી જાય છે. એ આખી જિંદગીમાં માત્ર એક જ વાદળને તાકી તાકીને જોયા કરે છે. વ્યાપક આકાશનો એને અનુભવ હોતો નથી.

Tags :