Get The App

સંકલ્પની ક્ષણને પકડનાર તરી જાય છે! .

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
સંકલ્પની ક્ષણને પકડનાર તરી જાય છે!                           . 1 - image

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

સં ત નામદેવ વિશે એક કથા પ્રસિદ્ધ છે. તેઓ તેમના પૂર્વજીવનમાં મોટા ધાડપાડુ હતા. એકલાઅટૂલા લોકોને લૂંટતા. રસ્તે ચાલતા માણસોને રંજાડતા. ચારે બાજુ એમની ધાક પ્રવર્તતી હતી.

એકવાર નામદેવ વેશપલટો કરીને ધર્મશાળામાં છુપાયા હતા. ઘણી ધાડ પાડી હતી, તેથી થોડો થાક ખાઈ રહ્યા હતા. એવામાં તેમને કાને કોઇ માણસનું રુદન સંભળાયું. નામદેવે જોયું તો અંધારા ખૂણામાં બેસીને એક માણસ ચોધાર આંસુએ જોરજોરથી રડતો હતો. હૃદય પિગળાવી નાખે એવું આક્રંદ કરતો હતો.

નામદેવ તેની પાસે ગયા અને એને પૂછ્યું,

'અરે ભાઈ ! આટલું બધું રડે છે શા માટે ? તને થયું છે શું ?'

પેલા માણસે રૂદન કરતા કરતા કહ્યું, 'અરે ! મારે માથે કાળો કેર વર્ત્યો છે. પેલા નામો ધાડપાડુએ મને લૂંટી લીધો. મારી પત્નીને પણ લૂંટી લીધી. મારું આખું જીવન બરબાદ થઇ ગયું. ભગવાન ! હવે હું શું કરીશ ? કઈ રીતે જીવીશ ?'

ડાકુ નામદેવ આ સાંભળી રહ્યો. આજ સુધી એણે માનવીઓને લૂંટયા હતા. વળી એને કોઇને રંજાડીને, ધાકધમકી આપીને લૂંટવામાં મજા આવતી હતી. પણ લૂંટાએલાની શી હાલત થાય છે એનો એને આજ સુધી કશો ખ્યાલ ન હતો.

પેલો માણસ હીબખા ભરતાં ભરતાં ફરી બોલવા લાગ્યો, 'હે ભગવાન, ધાડપાડુ નામોના ભૂંડા હાલ થજો. એણે મારું આખુંય જીવતર ધૂળધાણી કર્યું છે, તો એના કર્મોનો એને બરાબર બદલો 

આપજો. હે પ્રભુ ! હું તો નિરાધાર થઇ ગયો. લાચાર થઇ ગયો, દેવાદાર થઇ ગયો. એમ થાય છે કે મારું આયખું ટૂંકાવી નાખું.'

નામો ધાડપાડુ આ માણસની વેદના સાંભળી રહ્યો. વેદનાએ નામાનું હૃદય વલોવી નાંખ્યું. એને થયું,

'ઓહ ! આ માનવીના આવા ઘોર દુ:ખનું કારણ હું છું. મેં એનું જીવન રહેંસી નાખ્યું છે અને તેથી જ આત્મહત્યાનો વિચાર કરે છે. એક લૂંટ એની પાછળ આટલી બધી વેદના મૂકી જતી હોય છે ! કેવી અપરંપાર વ્યથા જન્માવતી હોય છે !'

કાળા ઘનઘોર આકાશમાં વીજળીનો ઝબકારો થયો. દાનવનું માનવમાં પરિવર્તન થયું. એ ક્ષણે જ ધાડપાડુ નામાએ સંકલ્પ કર્યો કે હવે કોઇના જીવનનું સુખ લૂંટવું નથી. કશી હિંસા કરવી નથી. એ સંકલ્પના બળે નામો ધાડપાડુ મહાન સંત નામદેવ બન્યો.

સંકલ્પની શક્તિ ઘણી પ્રચંડ હોય છે. આ સંકલ્પ શેતાનને સાધુ બનાવી શકે છે. વાલિયો લૂંટારો મહાકવિ વાલ્મીકિ બની જાય છે. પણ માનવીની મુશ્કેલી એ છે કે એ ઘણીવાર આવા સંકલ્પની ક્ષણો ચૂકી જાય છે. એને મનને વિકલ્પો વધુ ગમે છે. મનની દ્રઢતાને અભાવે માનવી કાં તો વિકલ્પોમાં ડૂબ્યો રહે છે અથવા તો સંકલ્પોમાં અશક્ત પુરવાર થાય છે.

સંકલ્પની શક્તિ અણુશક્તિ કરતાંય બળવત્તર છે, પણ સંકલ્પમાં દ્રઢતા એ તો એથી ય વધુ કપરી છે.