- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
ઝુ નૂન નામના સૂફી ફકીર પાસે એક માનવી આવ્યો. સાચા સંતની એ શોધ કરવા નીકળ્યો હતો. દોષની આંખે શંકાથી જોતાં એને સાચો સંત ક્યાંય દેખાયો નહીં.
કોઈ સંત એને મૂંગો લાગ્યો હતો. કોઈ બોલકો લાગ્યો, કોઈ બહારથી સારો લાગ્યો પણ એના પર શ્રદ્ધા બેઠી નહીં. બધે જ એને કોઈને કોઈ દોષ દેખાયો.
પોતાની આ કથની એ માનવીએ સૂફી ફકીર ઝુનૂનને કહી. ફકીરે એની વાતનો ઉત્તર આપવાને બદલે એને એક કામ સોંપ્યું.
'જો ! મારી પાસે એક પથ્થર છે. આ પથ્થર લઈને સોના-ચાંદીના વેપારી પાસે જા. તેઓ કેટલી કિંમતે ખરીદવા ચાહે છે તે જાણી લાવ.'
પેલો માનવી તો નજીક આવેલી સોના-ચાંદીની દુકાનોમાં ગયો. આ પથ્થરને માટે કોઈ એક સોનાનો સિક્કો આપવા રાજી નહોતું. વધુમાં વધુ ચાંદીનો એક નાનકડો સિક્કો આપી શકાય તેમ કહ્યું અને તે પણ ઘણી રકઝક પછી.
પેલો માનવી ફકીર ઝુનૂન પાસે પાછો આવ્યો અને કહ્યું કે, આ પથ્થર તો સાવ નકામો છે. એક સોનાનો સિક્કો પણ એના બદલામાં કોઈ આપવા તૈયાર નથી. માંડ માંડ એક વેપારી ચાંદીનો સિક્કો આપવા તૈયાર થયો છે. જો કે મને શંકા છે કે એ ચાંદીના સિક્કામાં પણ કંઈ ભેગ હશે.
સંત ઝુનૂને કહ્યું, 'ભાઈ, હવે આ પથ્થર લઈને હીરાના વેપારી પાસે જા. માત્ર ભાવ પૂછી લાવ પણ એને વેચતો નહીં.'
પેલો માનવી હીરાના વેપારી પાસે ગયો. એ તો આ પથ્થર જોઈને રાજી રાજી થઈ ગયો. એણે કહ્યું કે આને માટે તો એક હજાર સોનાના સિક્કા આપવા તૈયાર છું.
પેલા માનવીએ કહ્યું, 'ભાઈ, મારે માત્ર ભાવ જ જાણવો છે. આ પથ્થર વેચવો નથી.'
હીરાના વેપારીને થયું કે નક્કી આને વધુ રકમ જોઈએ છે. એણે આગ્રહ કર્યો કે દસ હજાર સોનાના સિક્કા લઈને પણ આ પથ્થર મને જ આપ.
પેલો માનવી તો ફકીરના આદેશ પ્રમાણે માત્ર ભાવ જાણીને પાછો ફર્યો. આવીને એણે સૂફી ફકીર ઝુનૂનને કહ્યું કે સારું થયું કે મેં પહેલી વાર એક ચાંદીના સિક્કામાં આ પથ્થર વેચી દીધો નહીં. આના તો દસ હજાર સોનાના સિક્કાઓ આપવા હીરાના વેપારીઓ તૈયાર છે.
સૂફી ફકીરે કહ્યું, 'આ હીરાની સાચી પહેચાન હીરાના પારખુ જ કરી શકે. કોઈ દુકાનદારને આ પથ્થર આપો તો માંડ બે પૈસા આપે. એથી વધુ કશું નહીં. સંતો અને જ્ઞાનીઓનું બસ આવું જ છે.'
સાચા સંતની ખોજ કરવી પડે છે. એને પહોંચવા પ્રયાસ કરવો પડે છે. પહોંચ્યા પછી પામવા અથાગ પ્રયત્ન કરવો પડે છે.
જે જ્ઞાનને ઝંખે છે, એ જ જ્ઞાનીને ઓળખી શકે છે. જે સાધનાને ચાહે છે એને જ સાધક દેખાય છે. માત્ર શંકા સેવનારને તો બધું બાધક જ દેખાય છે.


