Get The App

અંતકાળે આવતો વિચાર જીવનના આરંભે કે મધ્યાહ્ને આવે તો !

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
અંતકાળે આવતો વિચાર જીવનના આરંભે કે મધ્યાહ્ને આવે તો ! 1 - image

- ઝાકળ બન્યું મોતી- કુમારપાળ દેસાઈ

ભ ગવાન બુદ્ધે સઘળી જગાએ ત્યાગનું વાતાવરણ સર્જી દીધું. જન્મ અને જીવનનું સાર્થક્ય સહુને રૂપ, ઐશ્ચર્ય કે વૈભવની પ્રાપ્તિમાં નહીં, પણ એ સર્વના ત્યાગમાં રહેલું છે. ભિખ્ખુ થવું ને ત્યાગમય પરોપકારી જીવન જીવવું એ સહુને જીવનસિદ્ધિ લાગતી.

ભારતના છ રાજકુમારોને આ હવા સ્પર્શી ગઈ. તેઓ ભગવાન બુદ્ધ પાસે દીક્ષા લેવા ચાલ્યા. તેમની સાથે તેઓએ ઉતારેલાં વસ્ત્ર-અલંકારો ઉપાડી જવા ઉપાલિ નામનો એક દરિદ્ર માનવી પણ એમણે રાખ્યો.

ઉપાલિના મનમાં એમ હતું કે આ સુંદર રાજમુગટ, આ વસ્ત્રો, આ અલંકારો મને ભેટ મળશે. હું ન્યાલ થઈ જઈશ !

એ ચાલતો ચાલતો મનમાં વિચારોના ઘોડા દોડાવવા લાગ્યો ! એની સામે મુગટ પહેરેલા ઉપાલિનું સુશોભિત ચિત્ર રમી રહ્યું !

કેવો સુંદર લાગીશ ! કેવો મારો વટ પડશે ! રે ! હું એક દિવસમાં શ્રીમંત થઈ જઈશ. સુંદર હવેલી, સુંદર પત્ની, સુંદર ગૌધન, સુંદર વાડી ! ઉપાલિ પોતાની દુનિયામાં રમી રહ્યાં.

પણ ભગવાન બુદ્ધની મનોહારી મુદ્રા જોતાં અને પ્રેમ-વાણી સાંભળતા એને લાગ્યું કે હું શ્વાન નથી કે કોઈનું એઠું જમું. ત્યાગ કરેલા વસ્ત્રોલંકારો માટે મન તુચ્છ છે. હું શા માટે પવિત્ર જીવનમાં અગ્રણી ન થાઉં ?

એ ભગવાન બુદ્ધને ચરણે પડયો. છ રાજકુમારો તો ભિખ્ખુ બનતા બન્યાં, પણ એને ભગવાન બુદ્ધે ઉપાલિને પહેલો ભિખ્ખુ બનાવ્યો. 

છ રાજકુમારોમાં સાતમો ઉપાલિ શ્રેષ્ઠ ત્યાગી બન્યો.

બાહ્ય વસ્તુઓનું આકર્ષણ માનવીને ચારે બાજુથી એટલું ઘેરી વળે છે કે ઉપાલિની માફક એ દીવાસ્વપ્નોમાં રાચવા લાગે છે. આવાં દીવાસ્વપ્નોમાં રાચનાર આખી જિંદગી મૃગજળ પાછળ દોડતા મૃગની જેમ પસાર કરે છે અને અંતે એના મનમાં એવો આઘાત જાગે છે કે શા માટે આખું જીવન સત્તા, સંપત્તિ કે સૌંદર્ય પાછળ વેડફી નાખ્યું ?

જીવનના અંતકાળે માનવી જે વિચારે છે, એ જીવનના આરંભે કે મધ્યાહ્ને વિચારે તો એનો રાહ કેટલો પલટાઈ જાય ? પણ જીવનમાં ક્યારેય એને આવો વિચાર કરવાની પળની ય ફુરસદ હોતી નથી.

ઉપાલિએ બાહ્ય પ્રલોભનોથી અલગ થઈને વિચાર્યું અને એને જીવનમાર્ગ મળી ગયો. બાહ્ય જગતમાં ઘૂમતી, દોડતી ઘેલી બનેલી કે પાગલ થયેલી દ્રષ્ટિ આંતરજગત તરફ વળે તો અવર્ણનીય દુનિયાનો આનંદ માનવી પામી શકે છે.