Get The App

કરમાયેલા ચહેરાને ખીલવવા એ ધર્મનું કામ છે!

Updated: Nov 22nd, 2022


Google NewsGoogle News
કરમાયેલા ચહેરાને ખીલવવા એ ધર્મનું કામ છે! 1 - image


- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

મ હાભારતની એ કથામાં કેટલો ઊંડો મર્મ છુપાયેલો છે! પાંચ પાંડવો વનમાંથી પસાર થતા હતા, ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરને તરસ લાગી. સહદેવ એમને માટે પાણી ભરવા ગયો. શોધતાં શોધતાં એક તળાવ પાસે પહોંચ્યો અને પાણી ભરવા ગયો ત્યાં તળાવમાં યક્ષે કહ્યું,

'અરે ! સાવધાન થઇ જા. પહેલાં મારા પ્રશ્નનો ઉત્તર આપ. પછી જ આ તળાવમાંથી પાણી ભરી શકીશ. આ તળાવ મારું છે અને મારી રજા સિવાય તળાવમાંથી પાણી ભરવાનો કોઇનો અધિકાર નથી.'

સહદેવને થયું કે પાણી ભરવું હોય, તેમાં વળી પ્રત્યુત્તર આપવાની શી જરૂર ? એણે યક્ષની વાત પર કશુંયે ધ્યાન આપ્યા વગર પાણી ભરવાનું શરૂ કર્યું.

યક્ષના કોપનો પાર ન રહ્યો. એની શક્તિના પ્રતાપે પાણી ભરવા જતો સહદેવ જમીન પર ઢળી પડયો, અને થોડીવારમાં મૃત્યુ પામ્યો.

ઘણો સમય વીતી જવા છતાં સહદેવ ન આવ્યો. આથી મોટા ભાઈ માટે પાણી લેવા અર્જુન ગયો. એ પછી ભીમ ગયો પણ બધાની સરખી જ હાલત થઇ.

પાણી લેવા ગયેલું કોઇ પાછું ન આવતાં ધર્મરાજની ચિંતાનો પાર ન રહ્યો. તેઓ સ્વયં શોધમાં નીકળ્યાં. ત્યારે એમણે ચારે ભાઈઓની તળાવને કિનારે પડેલા જોયા.  તળાવના યક્ષ ધર્મરાજને કહ્યું,

'આ તારા ભાઈઓએ અભિમાનમાં મારી વાતની પરવા કરી નહીં. એને પરિણામે ચારેયની હાલત આવી થઇ છે. તમે પણ જો મારા પ્રશ્નનો ઉત્તર આપ્યાં વિના પાણી પીવાનો પ્રયત્ન કરશો, તો તમારી પણ આવી જ બૂરી દશા થશે.'

યુધિષ્ઠિરે યક્ષના એકેએક પ્રશ્નનો ઉત્તર આપ્યો. યક્ષ સંતુષ્ટ થયો. પ્રસન્ન પણ થયો. એણે કહ્યું,

'આ ચાર ભાઈઓમાંથી તમે કહો તેને હું જીવતો કરું.'

યુધિષ્ઠિર વિચારમાં પડયા. ચારમાંથી કયા ભાઈને જીવંત કરવા કહેવું, તે સમસ્યારૂપ હતું. શક્તિ અને સામર્થ્યથી ઉપયોગી થાય તેવો ગાંડિવધારી અર્જુન હતો.

ભીમના બળની પણ એટલી જ જરૂર હતી, પણ ત્યાં ધર્મરાજને થયું કે મારી માતા કુંતાનાં પુત્રોમાંથી હું એક તો જીવતો છું. આથી મારે બીજી માતા માદ્રીના એક પુત્રને જીવતો કરવાની માંગણી કરવી જોઇએ.

ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના માટે જરૂરી એવા અર્જુનની કે ભીમને બદલે અપરમાના પુત્રને જીવતો કરાવ્યો.

ખરો ધર્મ જ એ છે કે જે પોતાને બદલે પારકાનું વિચારે છે. પોતાના સુખમાં રચ્યોપચ્યો માનવી સ્વાર્થની આરાધના કરે છે. પારકાનો વિચાર કરતો માનવી પરમાર્થનો ખ્યાલ કરે છે.

સાચો ધર્મ જ એ છે કે જે છેવટનાનો વિચાર કરે, જે સૌથી વધુ દુઃખી છે, જે સૌથી વધુ મૂંઝાયેલા અને કરમાયેલા છે એને ખીલવવા એ જ ધર્મનું કામ છે. દીન, દુઃખી, દલિત અને પતિત વિશે ધરમ સહુથી પહેલો વિચાર કરે છે. માનવીની આપત્તિની વહારે જે દોડી જાય નહીં, તે ધર્મ નથી, બલ્કે અધર્મ છે.


Google NewsGoogle News