Get The App

સંઘર્ષ જ સત્વ અને શક્તિ આપે છે

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
સંઘર્ષ જ સત્વ અને શક્તિ આપે છે 1 - image

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

પ રમાત્માની વિચિત્ર રચના અને આયોજન શક્તિ જોઈને એક ખેડૂતનું હૈયું કકળી ઊઠયું. એણે જોયું કે પ્રભુ ક્યાંક ધોધમાર વરસાદ વરસાવે છે તો ક્યાંક પાણીનું ટીપુંય પડતું નથી અને દુષ્કાળ સર્જાય છે. ક્યારેક સખત તાપ ઊભા પાકને સળગાવી નાખે છે. તો કવચિત્ કારમી ઠંડી એને મુરઝાવી નાખે છે. ક્યારેક માવઠું આવે છે, તો કદીક પૂર આવે છે. આ તે કેવી વિચિત્ર રચના ! આથી એ ખેડૂતે જઈને પરમાત્માને કહ્યું કે ભલે જગત આપને સર્વજ્ઞા માનતું હોય, પણ આપ ખેતીના શાસ્ત્રથી અનભિજ્ઞા છો. આને માટે આગવું સંતુલન જોઈએ. સમયબદ્ધ આયોજન જોઈએ. મને સોંપો, તો આપને એનો સાચો ખ્યાલ આવશે.

એ દિવસે પરમાત્મા મોજમાં હતા. એમણે કહ્યું કે જો એવું જ હોય તો, ચાલ, આવતું આખું વર્ષ તને સોંપું. તારી ઇચ્છા પ્રમાણે તું કુદરતને રમાડી શકીશ. પોતાના શાસ્ત્રીય જ્ઞાાન પ્રમાણે તું આયોજન કરી શકીશ.

ખેડૂતે પરમાત્માના પ્રસ્તાવનો સાનંદ સ્વીકાર કર્યો અને પછી ખેતીના શાસ્ત્ર પ્રમાણે આયોજનબદ્ધ કામ કરવા લાગ્યો. જેટલા વરસાદની જરૂર હોય, બરાબર તેટલો જ વરસાદ પાડવા લાગ્યો. પ્રમાણસર ઠંડી અને જરૂરી તડકો જ આપ્યો. એણે જોયું તો મોટાં વૃક્ષ જેવડાં ઘઉંના ડૂંડાં થયાં હતાં.

એના આનંદની સીમા ન રહી. એ હર્ષભેર નાચી ઊઠયો. વિચાર્યું કે પરમાત્મા ય સ્વીકારશે કે ખેતીની બાબતમાં એની નિપુણતાને કોઈ આંટી શકે તેમ નથી. કાપણીની વેળા થઈ ત્યારે એ ઉમંગભેર તૈયાર થઈ ગયો. પરંતુ આ શું ? ઊંચા ઊંચા ડૂંડામાં એક દાણો ય ન મળે !

એ દોડતો પરમાત્મા પાસે ગયો અને ફરિયાદ કરી કે મેં ખેતીના શાસ્ત્રનું પૂર્ણરૂપે પાલન કર્યું, છતાં આમ કેમ થયું ? ત્યારે પરમાત્માએ કહ્યું કે ભલા ભાઈ, જરા વિચાર તો કર ! આ છોડને તેં સંઘર્ષની કોઈ તક જ આપી નહીં. એના પર ધુ્રજાવી નાખે એવા ઝંઝાવાત ન આવ્યા. શક્તિની કસોટી કરે તેવો આકરો તાપ કે કારમી ઠંડી એણે અનુભવ્યા નહીં. મૂશળધાર વરસાદમાં માથું ઊંચું રાખવા માટે એણે મહેનત કરી નહીં. મેઘની થરથરાવનારી ગર્જના કે વીજળીના ચોંકાવનારા ચમકારા એણે અનુભવ્યા નહીં, પછી એનો પ્રાણ કઈ રીતે સંગ્રહિત થાય ? આવી આફતો અને દુ:ખો જ આવાં ડુંડાને દાણા આપે છે.

હકીકતમાં સંઘર્ષ એ જ માનવીને સત્વ આપે છે અને એની શક્તિ જગાડે છે. પડકારને કારણે ભીતરમાં પડેલી સુષુપ્ત તાકાત બહાર પ્રગટ થાય છે. જેમણે સંઘર્ષ અનુભવ્યો નથી, એમના જીવનમાં સત્વ હોતું નથી. આથી જ સુખ અને વૈભવમાં જન્મનારી વ્યક્તિઓ જગતને નવી રાહ ચીંધી શકી નથી. જેણે મુશ્કેલીઓનો સામનો કર્યો, ઝંઝાવાતોનો અનુભવ કર્યો એ જ આ જગતને કશુંક આપી શંક્યા છે.