Get The App

ક્રિયા સાથે મનનું અનુસંધાન જોઈએ! .

Updated: Sep 20th, 2022

GS TEAM

Google News
Google News
ક્રિયા સાથે મનનું અનુસંધાન જોઈએ!                                . 1 - image


- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

એ ક માણસે નક્કી કર્યું કે હવે જીવનભર ઉપવાસ કરવા છે અન્નનો એક દાણો પણ મોંમાં નાખવો નથી અને થયું કે ભોજન જેવું બીજું કોઈ પાપ નથી.

અન્નને જુએ અને તરત જ અળગું કરે. એને પાપ માની દૂર ભાગે, બીજાને અન્નથી-ભોજનથી દૂર રહેવાની શીખામણ આપે.

આ રીતે એ માનવી પોતાની ભૂખને વધુ ને વધુ દબાવવા લાગ્યો, કચડવા લાગ્યો. બન્યું એવું કે જેમ જેમ ભૂખને દબાવવા લાગ્યો, તેમ તેમ ભૂખ અંદરથી જોરથી પ્રગટ થવા લાગી.

આવી લાંઘણ જેવા ઉપવાસથી એની આત્મચિંતનની મૂળ વાત ભૂલી ગયો. ઉપવાસનો અર્થ ચૂકી ગયો અને પછી તો એના જીવનનું ધ્યેય જ ભૂખ્યા રહેવું એવું થઈ ગયું. વળી જેમ જેમ ભૂખ્યા રહેવાનું વિચારે, તેમ તેમ સતત ભૂખના જ વિચારો આવ્યા કરે.

એને થયું કે દુનિયામાં આ લોકો ભોજનમાં ડૂબેલા છે. અકરાંતિયાંની જેમ ખાધા જ કરે છે. એમને ભોજન કરતાં જોઈ આ માનવીને દુ:ખ થવા લાગ્યું. એની ભૂખ વધુ ને વધુ પ્રબળ બની.

આખરે એણે જંગલમાં જવાનું વિચાર્યું. એ સમયે કોઈ મિત્રએ સાધનાની સફળતા માટે પુષ્પગુચ્છ મોકલ્યો.

બીજે દિવસે પેલા માણસને જવાબ મળ્યો, 'ફૂલો માટે ધન્યવાદ. તમે મોકલેલાં બધાં ફૂલો ખૂબ સ્વાદિષ્ટ હતાં.'

વાત એવી છે કે જેમ માણસ પોતાના મન પર વધુને વધુ દબાણ કરે છે, તેમ મન એની સામે બળવો પોકારે છે.

મનને મારવાની જરૃર નથી, પણ જાણવાની જરૃર છે. કોઈ પણ ક્રિયા માત્ર જડતાથી કરવામાં આવે તો તે વિકૃતિ લાવે છે. માનવીની મૂળ પ્રકૃતિ બગાડી નાખે છે. સમજ્યા વિનાની ક્રિયા એ માત્ર કસરત જ ગણાય.

જીવનની કે ધર્મની ક્રિયા સાથે મનનું સમાધાન જરૃરી છે. મનના સંધાન કે અર્થના જ્ઞાન વિનાની કોઇપણ ક્રિયા આ ક્રિયામાં જ પરિણમે છે.

મનને મારવું નથી, પણ માપવું છે. મનને દબાવવું નથી, પણ જાણવું છે. મનને પામીએ નહીં તો કશું મળતું નથી. માત્ર બાહ્ય ત્યાગથી કશું ન મળે. વૃત્તિથી ત્યાગ હોવો ઘટે.

Tags :