Get The App

પત્રકારને માટે સ્વર્ગમાં દસ જ 'સીટ' છે!

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
પત્રકારને માટે સ્વર્ગમાં દસ જ 'સીટ' છે! 1 - image

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

એ ક પત્રકાર છેક સ્વર્ગના દરવાજે પહોંચી ગયો. જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી, પરંતુ જ્યાં ન પહોંચે અનુભવી, ત્યાં પહોંચે પત્રકાર.

સ્વર્ગના દરવાજે આવી એણે જોરથી ટકોરા માર્યા. ડરવાની વાત શી! સ્વર્ગની તે શી તમા !

દરવાને દરવાજો ઊઘાડયો, પણ પત્રકારને હાથ જોડીને વિનંતી કરતા કહ્યું કે આમ તો બહુ ઓછા પત્રકારો સ્વર્ગમાં આવે છે. આથી સ્વર્ગમાં એમનો 'કોટા' માત્ર દસ સીટનો જ છે. એમાં યેનકેન પ્રકારે દસ પત્રકારો આવી ગયા છે, આથી તમારા માટે કોઈ જગા નથી.

આગંતુક પત્રકારે કહ્યું, 'અરે, એમ તે કેમ ચાલે ? તમને ખબર નથી લાગતી કે પૃથ્વી પર જો અમારું રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન દ્વારા યોગ્ય સ્વાગત ન થાય, તો તે અમે સાંખી લેતા નથી. આથી તમારે મને પ્રવેશ તો આપવો જ પડશે. એક પત્રકાર તરીકે અહીં પ્રવેશવા માટે કેટકેટલી યુક્તિઓ રચી છે એનો તમને કંઈ ખ્યાલ છે ખરો ?'

દરવાનને થયું કે આ પત્રકાર પાછો જાય તેમ નથી. તેથી એણે આખરે એક ઉપાય અજમાવ્યો અને કહ્યું,

'જુઓ, તમને ચોવીસ કલાક સ્વર્ગમાં રહેવાની તક આપું છું. આ દરમિયાન તમારે દસ પત્રકારોમાંથી એકને નર્કમાં જવા તૈયાર કરવો પડશે, તો તેમને એની સીટ પર સ્વર્ગમાં રાખી શકાય.'

આગંતુક પત્રકારે આ પડકાર ઝીલી લીધો. એણે સ્વર્ગમાં પ્રવેશવાની સાથે જ તરેહ તરેહની વાતો ફેલાવી. સહુને કહ્યું કે નર્કમાં એક નવું અખબાર નીકળી રહ્યું છે 

અને ભારે ઊંચા પગારથી પત્રકારોને નોકરીએ રાખે છે.

આ રીતે આગંતુક પત્રકારે ફેલાવેલી વાત ઠેર ઠેર પ્રસરી ગઈ. ચોવીસ કલાક પૂરા થયા અને એ પત્રકાર જેવો દરવાજા પાસે ગયો કે તરત જ દરવાને દરવાજો અંદરથી બંધ કરી દીધો.

પત્રકારને ભારે આશ્ચર્ય થયું. દરવાને કહ્યું, 'અરે ! તમને નહીં જવા દઉં. દસે દસ પત્રકાર નર્કના અખબારમાં કામ કરવા ચાલ્યા ગયા છે. એકના બદલે દસ ગયા, હવે તમને જવા નહીં મળે.'

આગંતુક પત્રકાર વિચારમાં પડયો. એને થયું કે પોતે તો માત્ર અફવા ફેલાવી હતી, પરંતુ કદાચ નર્કમાંથી અખબાર પ્રગટ થવાની વાત સાચી પણ હોય. આવું ન હોય તો દસે દસ પત્રકાર કઈ રીતે સ્વર્ગ છોડીને નરક તરફ દોડી જાય ? હવે મારે પણ જલ્દી નર્કમાં પહોંચી જવું જોઈએ.

દરવાને પત્રકારને રોકવા પ્રયાસ કર્યો, પરંતુ પોતાને ચોવીસ કલાક માટે જ પ્રવેશ મળ્યો હોવાથી સ્વર્ગ છોડી જવાની નૈતિક ફરજ છે એવી ઘોષણ કરીને એ પત્રકાર પણ નર્ક તરફ દોડી ગયો.

બીજાને દગો આપનાર આખરે પોતે જ દગાનો ભોગ બનતો હોય છે. ખોટી અફવાઓ ફેલાવનાર પોતે જ સમય જતાં એ અફવામાં શ્રદ્ધા ધરાવતો થઈ જાય છે. જે માન્યતા બીજાના મનમાં ઠસાવવા પ્રયત્ન કરીએ છીએ એ જ માન્યતા પોતાના મનને ઘેરી વળે છે.