'હું' છે ત્યાં વિવાદ છે, 'અમે' છે ત્યાં સંવાદ છે !
ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઈ
ડૉક્ટરે વિસ્મય પામતાં બંને પાગલને પૂછ્યું, કે, 'તમારા બેયની વાત જુદી છે, એમાં કશો મેળ નથી, છતાં તમે શા માટે વારાફરતી બોલો છો ? તમે બેય સાથે બોલી શકો છો, પછી એમાં વાંધો શું ?'
એક પાગલખાનામાં બે પાગલ રહે.
પાગલ ક્યારેક એવું કરે કે ડાહ્યાઓ પણ વિચારમાં પડે.
આવા બે પાગલ ઊંડા વિચારમાં ડૂબ્યા હતા. એક બોલે, બીજો સાંભળે. બીજો બોલવાનું શરૂ કરે ત્યારે પહેલો સાંભળે.
ઇલાજ કરનાર ડૉક્ટરને આ વિચિત્ર રીત લાગી. બંને એકસાથે કેમ બોલતા નથી ? બોલતા બોલતા કેમ જીભાજોડી કે બાઝંબાઝી પર આવી જતા નથી ?
ડોક્ટરને આશ્ચર્ય થયું. કાન સરવા કરીને પાગલની વાતો સાંભળવા લાગ્યા. મજાની વાત તો એ કે આ બેની વાતમાં કશો મેળ નહિ. એક પોતાની કંઇક વાત કરે. બીજો એના જીવનની કોઈ ઘટના કહે.
ડૉક્ટરે વિસ્મય પામતાં બંને પાગલને પૂછ્યું, કે, 'તમારા બેયની વાત જુદી છે, એમાં કશો મેળ નથી, છતાં તમે શા માટે વારાફરતી બોલો છો ? તમે બેય સાથે બોલી શકો છો, પછી એમાં વાંધો શું ?'
પેલા પાગલોએ જવાબ આપ્યો,
'અમને બોલવાની રીતભાતનો પૂરેપૂરો ખ્યાલ છે. જ્યારે એક બોલે ત્યારે બીજાએ ચૂપ રહેવું જોઇએ. જેણે બીજાની વાત સાંભળવી હોય એણે મૌન સેવવું જોઇએ.'
હકીકતમાં જોઇએ તો જમાનાની રફતાર આજે એવી છે કે બધાં જ એકસાથે બોલે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળશે, ત્યારે બંને માત્ર 'હું'નું સંકીર્તન કરશે. દરેક માણસ પોતાની વાતમાં અને પોતાના સ્વાર્થમાં એટલો ડૂબેલો છે કે એ બીજાની સાથે સંવાદ સાધવા પ્રયત્ન કરે છે, છતાં વાણીથી એકોકિત જ કરતો હોય છે. વાસ્તવમાં પોતાનાં સુખદુ:ખ, પોતાની બડાઈ, પોતાની તબિયત કે પોતાની સિદ્ધિ-પ્રસિદ્ધિ જ - બીજાની અનિચ્છા હોય છતાં- તેના પર લાદતો હોય છે.
જે બીજાને જાણવા ચાહે છે, એણે પોતે મૌન સેવવું પડશે. જે 'અમે'નો ભાવ અનુભવવા માગે છે, એણે 'હું' ને છોડવું પડશે, આથી 'હું' ઓગળી ગયા પછી જ સાચા પ્રેમનો પ્રારંભ થાય છે.
જ્યાં 'હું' છે, ત્યાં વિવાદ છે. જ્યાં 'અમે' છે ત્યાં સંવાદ છે.