Get The App

નિદ્રામાં સ્વપ્ન મળે, જાગૃતિમાં સત્ય સાંપડે!

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
નિદ્રામાં સ્વપ્ન મળે, જાગૃતિમાં સત્ય સાંપડે! 1 - image

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

એ ક ધર્મશાળામાં બે મુસાફર ભેગા થયા. એક યુવાન, બીજો વૃદ્ધ. વૃદ્ધ મુસાફર આંખો મીંચીને આરામખુરશીમાં પડયો હતો, પરંતુ એના ચહેરા પર વારંવાર હાસ્ય ઊમટી આવતું હતું.

ક્યારેક હવામાં જોશથી હાથ વીંઝીને કોઈને દૂર હટાવવા કોશિશ કરતો હતો.

યુવાન મુસાફરને આશ્ચર્ય થતું કે આ વૃદ્ધ કરે છે શું ? એની આંખો બંધ છે, છતાં હસી ઊઠે છે. વારંવાર હવામાં હાથ વીંઝી કશુંક દૂર હટાવે છે. યુવાન એકીટશે આ જોઈ રહ્યો હતો. એવામાં વૃદ્ધે એક વાર આંખ ખોલી. યુવકે તરત પૂછી નાખ્યું,

'અરે ! તમારી આંખો બંધ છે અને તમે હસો છો કેમ ? હવામાં હાથ વીંઝીને હટાવો છો શું ?'

વૃદ્ધે કહ્યું, 'મને મારા જીવનની કહાનીઓ યાદ આવે છે. એમાંની કેટલીક કથા યાદ આવતાં હસવું ખળી શકાતું નથી. કોઈ સ્મરણ મનમાં ઝબકી જતાં મારાથી ખડખડાટ હસી પડાય છે.'

'અને આપ હાથ વીંઝીને દૂર હડસેલો છો શું ?' યુવકે પૂછ્યું.

વૃદ્ધે કહ્યું, ' જે કથાઓને વારંવાર સાંભળી ચૂક્યો છું, એને દૂર હટાવું છું.'

યુવકે કહ્યું, 'તમે તો બાળકની માફક વાર્તા કહીને મન મનાવો છો. આ તે કેવું કહેવાય ?'

વૃદ્ધે ઉત્તર આપ્યો,'બેટા, તને ખબર નથી. આ જિંદગી એક કહાની જેવી જ છે.'

અને સાચે જ મોટા ભાગના માનવીઓ જિંદગીને એક પરીકથાની માફક પસાર કરે છે એ જેને જીવન સમજે છે, 

એ જીવન નથી. એ જેને સત્ય માને છે, તે સ્વપ્ન છે. એની દૃઢ માન્યતાઓ મૃગજળ જેવી છે.

જીવન સ્વપ્ન નથી. કહાની નથી. બલ્કે સત્ય છે, પરંતુ જે નિદ્રામાં છે તેને સ્વપ્ન મળે છે. જે જાગે છે તે જ સત્યને પામે છે.

જીવનના સાર્થક્ય માટે સૌથી પહેલી જરૂરિયાત જાગરણની છે. માનવી જાગીને જોશે તો ખબર પડશે કે જેમાં આજ સુધી રચ્યો પચ્યો રહ્યો, એ સઘળું મિથ્યા હતું, જેમાં જીવ્યો એ સ્વપ્ન હતું. જેની પાછળ દોડયો એ મૃગજળ હતું.

જે જાગે છે તે જીવનનું સત્ય પામે છે અને સાર્થક્ય મેળવે છે.