ખુદાને ખબર છે તેનો આનંદ! .
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
છે લ્લાં વીસ વીસ વર્ષથી મસ્જિદની એક નિશ્ચિત જગા પર બેસીને મોલવી ખુદાની બંદગી કરતા હતા. એમની સાધના અનોખી હતી. એવી જ એમની સમર્પણશીલતા હતી.
રોજ એક જ સ્થળે બેસીને મૌલવી બંદગી કરતા જોવા મળે. એ સ્થળની જગા પર એમના બેસવાનાં નિશાન પડી ગયાં. સહુ મૌલવીની બંદગી પર આફરીન પોકારતા હતા.
બંદગી તો અવિરત ચાલતી હતી, પણ સાથે મૌલવીના મનને એક સવાલ પણ મૂંઝવી રહ્યો. એમને થતું કે વીસ વીસ વર્ષથી સતત ખુદાની બંદગી કરું છું, પણ છતાં ખુદાની મહેર મારા પર કેમ ઊતરતી નથી ?
આખરે એક દિવસ મૌલવીને આકાશવાણી સંભળાઈ. એમાં મૌલવીને ઊદ્દેશીને ભારે નિરાશાજનક વાત કહેવાઈ હતી.
એ આકાશવાણીએ કહ્યું, 'મૌલવીજી, તમારી બંદગી ખુદાએ કબૂલ રાખી નથી.'
એક ક્ષણ મૌલવી હતાશ થઈ ગયા. એના આખા શરીરે પરસેવો વળી ગયો. એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
કપાળે હાથ દઈને મૌલવી બેઠા હતા, વિચારતા હતા કે આવી વીસ વીસ વર્ષની મારી નિયમિત બંદગીનું કોઈ ફળ નહીં ! મૌલવી વધુ ઊંડા વિચારમાં પડયા. સપાટી પરનો વિચાર પૂરો થાય પછી જ ચિંતનનું મંથન શરૂ થાય છે અને એ મંથનમાંથી જ વિરલ નવનીત મળે છે. હતાશ મૌલવીના દિલમાં પણ મનોમંથન જાગવા લાગ્યું.
એકાએક મૌલવીના ચહેરા પર વિષાદની પાનખરના સ્થાને આનંદની વસંત ખીલી ઊઠી. એમનો ચહેરો ઉલ્લાસથી તરવરવા લાગ્યો અને ધીરે ધીરે મૌલવી ખુશીથી નાચવા લાગ્યા. આસપાસના સહુ સ્વજનોને ખૂબ આશ્ચર્ય થયું, પણ મૌલવીએ એમની જિજ્ઞાાસાનું સમાધાન કરતાં કહ્યું,
'જુઓ, ખુદા બંદગી કબૂલ કરે કે ન કરે એનો મને સહેજ વાંધો કે લેશમાત્ર રંજ નથી. આનંદ એ વાતનો છે કે હું એની બંદગી કરું છું એની ખબર ખુદાને છે. આનાથી વિશેષ બીજો આનંદ કયો હોઈ શકે !'