Get The App

પ્રભુ ભજવા માટે છે, ભોજન માટે નહીં !

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
પ્રભુ ભજવા માટે છે, ભોજન માટે નહીં ! 1 - image

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

સં ત ગામમાંથી વિદાય લઈને નીકળ્યા. લાંબા સમય સુધી નિર્જન માર્ગે ચાલ્યા. એમણે ચોતરફ નજર કરી તો ક્યાંય નજીકમાં કોઈ ઝૂંપડી નજરે પડી નહીં. સંતને કકડીને ભૂખ લાગી હતી, પણ ભિક્ષાનો યોગ ન હતો.

સંત આગળ ચાલ્યા. થોડો સમય તો ભૂખ સહન કરી, પણ પછી રહેવાયું નહીં, આથી એમનું મન બોલી ઊઠયું.

'આખી જિંદગી પ્રભુભક્તિમાં ગાળી છે, તો આજે પ્રભુ પાસે ભોજનની યાચના કરવામાં વાંધો શો ? બે દિવસથી કશું ભોજન મળ્યું નથી. પ્રભુ તારી જરૂર સંભાળ લેશે.'

સંતે પોતાના મનની વાત સાંભળી, પણ ત્યાં એમનો અંતરાત્મા બોલી ઊઠયો, 'અરે ભલાભાઈ ! સાચો ભક્ત પ્રભુ પાસે આવી યાચના કરે ખરો ? પ્રભુ તો ભજવા માટે છે, ભોજન માટે નહીં. થોડી ભૂખ સહન કરી લે તો શું વાંધો ? અન્ય ભક્તો તો ભગવાનને માટે ઉપવાસ કરતા હોય છે, તો પછી તું શા માટે ભોજન માગવા દોડી જાય છે ?'

અંતરાત્માના અવાજને અનુસરીને સંત આગળ ચાલ્યા. ભક્તિનાં ભજનો એમના મુખેથી વહેતા હતા, પણ થોડી જ વારમાં એમનું મન બોલી ઊઠયું.

'ઓહ, ભગવાન પાસે ભોજન માગે નહીં તો કંઈ નહીં, પણ આટલી બધી ભૂખ લાગી છે, તો થોડો પ્રસાદ તો માગવો હતો ને ? એ પ્રમાદરૂપે તને જરૂર ભાવતાં ભોજન આપેત.'

સંતનું મન વિચારમાં પડયું. મનમાં થયું કે પ્રસાદ માંગવામાં શો વાંધો ? ભોજન ક્યાં માંગવું છે ?

એવામાં એમનો અંતરાત્મા બોલી ઊઠયો. 'અલ્યા, ભક્ત થઈને તું ભગવાન સાથે વંચના કરે છે? 

પ્રસાદના રૂપે ભોજન જ માગે છે ને ? કેમ, આટલી ય ક્ષુધા સહન થતી નથી ? સાચા પ્રભુભક્તોએ કરેલી કઠોર તપશ્ચર્યાઓ તું ભૂલી ગયો ?'

સંતનો અંતરાત્મા જાગી ઊઠયો. એણે વિચાર કર્યો કે આવી યાચના કરવાની ભૂલ એ કેમ કરી બેઠો ? વળી થોડોક સમય ગયો એટલે ફરી મન સળવળ્યું. એણે કહ્યું.

'ભગવાન તો કરુણામય છે. આવી કકડીને ભૂખ લાગી હોય તો ભોજન નહીં, તો દૂધ કે દહીંનું થોડું પંચામૃત માગી લે ને ? એમાં શું વાંધો ?'

ભક્તનો અંતરાત્મા ખડખડાટ હસી પડયો અને બોલ્યો, 'વાહ રે મન ! અજબ છે તારી ગતિ. પંચામૃત તો પ્રભુને સમર્પિત કરવાનું હોય, પ્રભુ પાસે યાચવાનું ન હોય !'

સંત થોડા આગળ વધ્યાં, ત્યાં ફરી મન બોલી ઊઠયું. 'ભોજન, પ્રસાદ કે પંચામૃત ભલે ન માગ, પણ ઓછામાં ઓછું ભૂખ સહન કરવાનું ધૈર્ય તો પ્રભુ પાસે માગ ?'

ત્યાં ફરી અંતરાત્મા બોલી ઊઠયો,'સાચા ભક્તે ધીરજ માગવાની ન હોય, ધીરજ ધારણ કરવાની હોય ! ભક્ત ગમે તેટલાં કષ્ટો આવે તો પણ પ્રભુ પાસે ધીરજ માગતો નથી, પરંતુ હસતે મુખે એને સહન કરે છે. તું યાચના કરીને શા માટે તારી શ્રદ્ધાને ગુમાવે છે ? પ્રભુ તો માગ્યા વગર આપનારો છે. એણે તો તારા યોગક્ષેમનો સઘળો ભાર ઊઠાવવાની ઘોષણા કરી છે, પછી શું ?'

સંતની આંખમાંથી આંસુ સરી પડયા. એ બોલ્યા, સાચી વાત છે. હે પ્રભુ ! ભૂખને કારણે હું ભૂલો પડયો હતો. આપના આ ભક્તને ક્ષમા કરજો.

એ હકીકત છે કે પ્રભુની ભક્તિ યાચના બનવી જોઈએ નહીં. આજે માનવી જેમ બધી બાબતમાં કાર્ય સાથે પ્રયોજનને જોડતો રહે છે, તેમ ભક્તિની સાથે ફળની અપેક્ષા રાખે છે. આને પરિણામે ભક્ત યાચક બની જાય છે અને પ્રભુ પાસે વારંવાર જુદી જુદી યાચનાઓ કરે છે.

પોતાના અંતરાત્માને ભૂલીને મનની પૂર્તિ માટે એ પ્રયત્ન કરે છે. પરિણામે સાચી ભક્તિનો લોપ થતો જાય છે અને સ્વાર્થી યાચના વધતી જાય છે. સાચી ભક્તિમાં પ્રાપ્તિ ન હોય, માત્ર સમર્પણ હોય !