- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
બં ગાળમાં એક સૂફી ફકીર થયો. અને એક જ્ઞાની પંડિત મળવા આવ્યા.
સૂફી ફકીર રાત-દિવસ એક જ વાત કરે અને તે પ્રેમની. એ કહે કે પ્રેમ એ જ પરમાત્મા છે. પ્રેમ એ જ પ્રાપ્તિ છે. પ્રેમને જાણે છે, તે બધું જ જાણે છે.
પંડિતનો વિચાર પોતાનું જ્ઞાન અને વિશેષ તો ફકીરનું અજ્ઞાન પ્રગટ કરવાનો હતો. પંડિતે ફકીરને પ્રશ્ન કર્યો.
'તમે રાત-દિવસ પ્રેમની ધૂન લગાવીને બેઠા છો, પરંતુ પ્રેમના વર્ગીકરણની તમને ખબર છે ? પ્રેમના કેટલાક પ્રકાર પડે તેનો તમને ખ્યાલ છે ?'
ફકીરે કહ્યું, 'પંડિતજી, હું તો બસ પ્રેમને જાણું છું. એના પ્રકારને નહીં. એના પ્રકાર હોય છે, તેવો વિચાર મારા મનમાં ઊપજ્યો નથી.'
જ્ઞાની પંડિત ખડખડાટ હસી પડયા અને બોલ્યા, 'ખરા છો તમે ! આખી જિંદગી પ્રેમ-પ્રેમની વાતો કરી અને પ્રેમ શું છે એની કશી વિચારણા ન કરી. પહેલાં પ્રકાર જાણો, તો જ તમે પ્રેમને જાણી શકો.'
સૂફી સંતે કહ્યું,'તમે તો મને ભારે મુશ્કેલીમાં નાખી દીધો. મને તો ક્યારેય આનો ખ્યાલ જ ન આવ્યો.'
જ્ઞાની પંડિતે પોતાનો ગ્રંથ ખોલ્યો. પ્રેમના પ્રકારો કહ્યા, સમજાવ્યું કે હવે પ્રેમની વાત કરો ત્યારે પ્રેમના આ પાંચે પ્રકારોનો ખ્યાલ રાખજો. પાંચે પ્રકારની વ્યાખ્યા આપી અને કહ્યું.
'મારી વ્યાખ્યા અને પ્રકાર સમજાય છે ને ? છતાં એ અંગે કશું પૂછવું હોય તો પૂછો. ઉત્તર આપવા માટે હું પૂરેપૂરો સજ્જ છું.'
ફકીર શું ઉત્તર આપે ? એણે તો ઉત્તરમાં એક ગીત ગાયું. ગીતનો અર્થ એવો હતો કે એક સોની સાચા ખોટા
ફૂલોની પરખ કરવા માટે એને કસોટીના પથ્થર પર ઘસે છે. હકીકતે સુવર્ણની પરખ કરવા માટે કસોટીનો પથ્થર જોઈએ. તમારા પુસ્તકની વાત સાંભળીને મને એ સોનીની યાદ આવી ગઈ.
આખું ગીત ગાળ લીધા પછી સૂફી સંતે એક જ વાક્યમાં એનો મર્મ પ્રગટ કરતાં કહ્યું, 'તમે માત્ર પ્રકાર જાણો છો, પ્રેમ જાણતા નથી.'
હકીકત એ છે કે જે પ્રકારને જાણે છે તે પ્રેમને પામી શકતો નથી, પ્રકાર શોધનારને માત્ર વિશ્લેષણ હાથ લાગે છે, વર્ગીકરણ હાથ લાગે છે, પરંતુ સમગ્ર સત્ય મળતું નથી.'
પ્રેમ જોડવાનું કહે છે, એને જોડતા જાઓ. વધુ ને વધુ જોડતા જાવ, તમને પરમાત્મા મળશે. પ્રકાર વસ્તુને તોડવાનું કહે છે, તમે તોડતા જાવ, તોડતા જ જાવ અને ત્યાં સુધી તોડતા રહો, જ્યાં સુધી તમારા હાથમાં કશું રહે જ નહીં.


