હે શિષ્ય! મારા સ્વપ્નનો અર્થ કહે તો!
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
ઝે ન એક વિલક્ષણ ધર્મદર્શન છે. એણે સરળતાથી ગહનતા સિદ્ધ કરી છે. આપણા શાસ્ત્રો ગહનતાથી ઊંડાણનું માપ મેળવે છે. ઝોન દર્શન સરળતાથી ઊંડાણને અનુભવે છે.
આપણે ત્યાં ગુરુ પ્રશ્ન કરે તો તેમાં કોઇ શાસ્ત્રીય વાત હોય અને શિષ્યે શાસ્ત્રના આધારે એનો ઉત્તર આપવાનો હોય.
ઝેન ગુરુ તદ્દન સરળ પ્રશ્નો કરે અને એના ઉત્તરો પણ એટલા જ સરળ હોય.
એક ઝોન સંતની કથા છે. એ વહેલી સવારે એકાએક જાગી ગયા. એમનો શિષ્ય એમના ખંડમાં પ્રવેશ્યો. એને જોતાં જ ગુરુએ કહ્યું,
'અરે શિષ્ય, મને રાત્રે એક સ્વપ્નું આવ્યું છે. તું એ સ્વપ્નની વ્યાખ્યા કરી આપ, એનો અર્થ તારવી દે, પછી બીજું બધું કામ કરજે.'
શિષ્યએ જવાબ આપ્યો, 'તમે થોડીવાર થોભો. પહેલાં હું ચા બનાવી લઉં. પછી બીજી બધી વાત.'
શિષ્ય ચા બનાવવા ગયા. ચા તૈયાર કરીને લાવ્યો. ગુરૂને આપી. ફરી ગુરૂએ કહ્યું, 'હવે તું મને મારા સ્વપ્નનો અર્થ કહે.'
શિષ્યએ કહ્યું, 'એનો અર્થ જ એટલો કે તમે શાંતિથી ચા પી લો.'
એવામાં બીજો શિષ્ય ખંડમાં આવ્યો. ગુરૂએ એને એ જ રીતે કહ્યું કે, 'રાત્રે મેં એક સ્વપ્ન જોયું છે એનો તું મને અર્થ કહે.'
બીજા શિષ્યએ કહ્યું, 'આપ થોભી જાઓ.' અને શિષ્ય એક વાસણમાં પાણી ભરી લાવ્યો અને ગુરુને કહ્યું કે આનાથી આપનું મુખ ધોઈ નાખો. આ જ સ્વપ્નનો અર્થ છે.
બંને શિષ્યોની વાત સાંભળીને ગુરુ ખડખડાટ હસી પડયા. એમણે કહ્યું કે, જો આજે તમે સ્વપ્નનો અર્ત આપવા પ્રયાસ કર્યો હોત, તો મેં તમને કાઢી મૂક્યા હોત. સ્વપ્નનો અર્થ શું હોય ? સ્વપ્ન આવ્યું. ઊંઘ ઊડી ગઈ. તો ચા પી લો અને વાત પૂરી કરો. હાથ-મોં ધોઈ લો એટલે પત્યું.
ઝેન સંતની આ વાતમાં ઊંડો મર્મ છુપાયેલો છે. ઘણા માણસો કોઈને કોઈ સ્વપ્નની વ્યાખ્યા કરવા માટે દોડતા હોય છે. એ ઊંઘમાં જીવતા હોય છે. એમનો અહંકાર એ ઊંઘ બની જતો હોય છે. કેટલાક આવા અહંકારમાં જીવન ગાળી દેતા હોય છે.
દ્રવ્યનો કે જ્ઞાાનનો એક અહંકાર લઈને આખી જિંદગી સ્વપ્નમાં પસાર કરે છે. એ જાગતા નથી, કારણ કે જો એ આ ઊંડી ઊંઘમાંથી જાગે, તો એનું સ્વપ્ન તૂટી જાય છે.