Get The App

વિવેચક અને ચાડિયામાં કોઈ ફરક નથી!

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
વિવેચક અને ચાડિયામાં કોઈ ફરક નથી! 1 - image

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

એ ક વિવેચક પ્રકૃતિનો આનંદ માણવા ઘૂમવા નીકળ્યા હતા. ફરતાં ફરતાં પોતાના ગામની બહાર આવેલા ખેતરમાં આવી પહોંચ્યા.

આ ખેતરમાં એક ચાડિયો ઊભેલો હતો. વિવેચક તો ઊંડા વિચારમાં પડી ગયા. અરે ! જ્યારે જ્યારે આ તરફથી નીકળ્યો છું ત્યારે આ જ ચાડિયો ઊભેલો દેખાય છે.

એનું મુખ જે દિશામાં પહેલીવાર જોયું હતું, તે જ દિશામાં આજે પણ છે. એ જે રીતે પહેલાં ઊભો હતો, એ જ રીતે આજે પણ ઊભો છે. એના વેસમાં પણ સહેજે પરિવર્તન નથી.

વિવેચકને થયું કે આ બિચારાની કેવી દશા ! દશા શું, આ તો આકરી સજા કહેવાય ! એક જ સ્થિતિમાં ઊભા રહેવાનું અને એમાંય માથે ખુલ્લું આકાશ અને નીચે કોરી ધરતી. ગમે તેટલી કડકડતી ઠંડી હોય કે બળબળતો તાપ હોય, તોય એને સહન કરવાનું મુશળધાર વરસાદ કે પવનનું તોફાન હોય તોય ન બોલવાનું, ન ચાલવાનું. એનું માથું માટલીનું, હાથમાં એ જ લાકડી અને એ જ મેલો ઝભ્ભો.

વિવેચકનું કઠોર હૃદય દ્રવી ઊઠયું. તેઓ ચાડિયા પાસે ગયા અને બોલ્યા,

'અરે ભાઈ, તારી મને ખૂબ દયા આવે છે. તારા જેવી સ્થિતિ તો દુશ્મનની પણ ન હોય, પણ તારે આમ ને આમ જ રહેવાનું છે. સાચે જ તને આવા જીવનથી કેટલો બધો ત્રાસ થતો હશે અને કંટાળો આવતો હશે તેના વિચારથી હું ધૂ્રજી ઊઠું છું.'

ચાડિયાએ કહ્યું, 'ઓહ, તમે તો મોટી થાપ ખાઈ ગયા. જુઓ ! મને તો આમાં ખૂબ મજા આવે છે. ભલભલાને હું ડરાવું છું. મારાથી કોઈ ડરીને ભાગે એ જોવામાં મને અવર્ણનીય આનંદ આવે છે. 

કોઈ ડરે, કોઈ નાસે, કોઈ દોડતાં અથડાય, કોઈ ડરીને ગબડી પડે એ જોવાની ભારે મજા આવે છે. આનો આનંદ એટલો છે કે બીજી કોઈ વાત વિચારવાનો સમય જ મળતો નથી. ન ઠંડી લાગે છે ન ગરમી અકળાવે છે. ડરાવવાની આવી મજા છે.'

વિવેચક વિચારમાં પડી ગયા. એમને થયું. આ ચાડિયાની માફક એમને બીજાને ડરાવવામાં ખૂબ મજા આવે છે. આક્રમક આક્ષેપ કરવામાં આનંદ આવે છે.

વિવેચક વધુ ઊંડા વિચારમાં ડૂબ્યા અને વિચારવા લાગ્યા કે આ ચાડિયામાં અને મારામાં ફરક ખરો ? ચાડિયો તો એનો વેશ પણ બદલતો નથી, જ્યારે હું તો બીજાને બહુરૂપી બનીને જાતજાતના વેશ લઉં છું. મારાથી બીજા ગભરાય એ ગમે. મારાથી બીજા ધૂ્રજે એ ગમે અને મારાથી થરથર કાંપે એનો અપાર આનંદ આવે. બીજાને વિના કારણે કનડવામાં તો ભારે આનંદ આવે !