અંતર્યાત્રામાં કોઈ સાથી-સંગાથી હોતા નથી!
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
એ ક શિષ્ય પોતાના ઝેનગુરુ પાસેથી વિદાય લઈ રહ્યો હતો. ગુરુ પાસેથી વિદાય લઈને એ પોતાના ગામમાં જવાનો હતો, પરંતુ વિદાય લેતા લેતા રાત પડી ગઈ. ઘોર અંધારું થઈ ગયું.
આ શિષ્યને પોતાના ગામે પહોંચવા માટે જંગલ વીંધીને પસાર થવું પડે તેમ હતું. આવી કાળી રાતે એ ઘનઘોર જંગલ વીંધીને કઈ રીતે પાર જશે ? જંગલી જાનવરો એને ફાડી ખાશે તો ?
આમ શિષ્યના હૃદયમાં ભય હતો. રસ્તામાં કશુંક થશે તો ? શિષ્યનો ભય ગુરુ તરત પારખી ગયા. એમણે પૂછ્યું કે, તું કંઈ ફિકરમાં લાગે છે ? કશાકથી ભયભીત બનેલો જણાય છે.
શિષ્યએ કહ્યું, 'ભય લાગે એ સ્વાભાવિક છે. અંધારી રાત છે. ગામ જવા માટે ભયાનક જંગલમાંથી પસાર થવું પડે છે. વળી મારી સાથે કોઈ સાથી કે સંગાથી નથી.'
ગુરુએ કહ્યું, 'તને ભય લાગે છે ને ? જો, હું તને એક દીવો સળગાવી આપું છું.'
ગુરુએ એક દીપકની જ્યોત જલાવી. શિષ્યના હાથમાં એ દીપક આપ્યો. શિષ્યને આમાં કંઈ સમજ ન પડી. પણ એણે ગુરુઆજ્ઞાા અવિચારણીય માનીને શિરોધાર્ય કરી.
જેવો શિષ્ય દાદરો ઊતરીને જતો હતો. ત્યાં જ ગુરુએ ફૂંક મારીને દીવાની જ્યોત ઓલવી નાખી.
અરે ! આ શું ? દીવો પેટાવી આપનાર પણ ગુરુ અને દીવો બુઝાવી નાખનાર પણ ગુરુ !
શિષ્યએ ગુરુને પૂછ્યું, 'આપે આવું કેમ કર્યું ? જો દીવો બુઝાવી જ
નાખવો હતો તો પછી સળગાવ્યો શા માટે ? આપનો સંકેત મને સમજાતો નથી.'
ઝેન ગુરુએ કહ્યું, 'આ એક એવી યાત્રા છે કે જ્યાં બીજા કોઈએ આપેલો દીવો કામમાં આવતો નથી. આ યાત્રા તો એકલા જ અને જાતે કરવાની હોય છે. એમાં કોઈ સહારો ઉપયોગી થતો નથી. આથી ભલે આધાર વિનાના થઈ જવાય, પણ ખોટા આધારનો આશરો કદી ન લેવો. મન તો સતત એમ કહેશે કે કોઈ આધાર પકડી લે, કોઈ નૌકા મેળવી લે, પણ એનાથી કશું નહીં વળે.'
સાચે જ, માનવીની અંતરયાત્રામાં કોઈ બાહ્ય સાધન ઉપયોગી થતા નથી. આ અંતરની યાત્રા વખતે એના કોઈ સાથી-સંગાથી હોતા નથી. એણે તો માત્ર પોતાના જ આધારે ચાલવાનું રહે છે, પણ માનવીને પોતાનામાં પૂરો ભરોસો નથી. એથી એ પારકા દીવાની જ્યોતે ચાલવા વિચારે છે. જંગલ ગમે તેટલું ભયાનક હોય, રાત ગમે તેટલી ઘનઘોર હોય પણ હૃદયમાં જલાવેલો દીપક જ સાથ આપશે, રસ્તો બતાવશે. બહારનો સહારો એ તો ડરપોકનો આશરો છે.