Get The App

મચ્છરના આગમન અને વિદાયની ઘોષણાનો કોઈ અર્થ નથી !

- ઝાકળ બન્યું મોતી- કુમારપાળ દેસાઈ

Updated: Jul 14th, 2020

GS TEAM

Google News
Google News
મચ્છરના આગમન અને વિદાયની ઘોષણાનો કોઈ અર્થ નથી ! 1 - image


એ કવાર મચ્છરોની મહાસભા મળી. સભામાં એક સવાલ રજૂ કરવામાં આવ્યો. વાત એવી હતી કે કેટલાક મચ્છર ઘરમાં રહેતા હતા, કેટલાક છોડ કે વૃક્ષ પર વસતા હતા. કોઈ છાણામાં, તો કોઈ દુકાનમાં રહેતું હતું. પણ સવાલ એ થયો કે મચ્છરનો રાજા ક્યાં રહે ?

મચ્છરોને રાજાનો મહેલ તો સામાન્ય મચ્છરોના નિવાસસ્થાનથી ચડિયાતો હોવો જોઇએ અને એથી મચ્છરના રાજાના મહેલ માટે શોધ ચાલી. તપાસ કરતાં એક સરસ સ્થાન મળી ગયું. હાથીના સૂપડા જેવા મોટા કાન મહેલ જેવા લાગ્યા. જેમાં મચ્છરોનો રાજા આરામથી રહી શકે.

મચ્છરોના રાજાએ હાથીના કાનમાં નિવાસ કરતાં પૂર્વે રાજવીની છટાથી હાથીને કહ્યું, 'અરે હાથી ! સાંભળ. હું છું મચ્છરોનો રાજા. આજે તારા પર અનુપમ કૃપા વરસાવવા આવ્યો છું. તારા કાનને મારા જેવા રાજવીના મહાલયની શોભા આપું છું.'

નિયમ મુજબ મચ્છર-રાજાએ ત્રણ વાર ઘોષણા કરી. મચ્છરનો રાજા જાણતો હતો કે એના જેવી મહાન વ્યક્તિ કશું કહ્યા વિના એમને એમ મહાલયમાં પ્રવેશ કરે તે બરાબર કહેવાય નહીં.

ત્રણ-ત્રણ વાર ઘોષણા છતાં હાથી કશું બોલ્યો નહીં. એના મૌનને મચ્છરના રાજાએ વિનમ્ર સંમતિ માની લીધી. પછી તો હાથીના કાનના મહેલમાં મચ્છર મહારાજા રહેવા લાગ્યા. એમનો પરિવાર વધ્યો મહેમાનોની ભીડ પણ જામેલી રહેતી.

ફરી મચ્છરરાજ માટે નવી જગાની શોધ ચાલી અને બીજા મચ્છરો નવો મહેલ શોધી લાવ્યા. મચ્છરરાજે વિદાય લેતી વખતે વિચાર્યું કે જ્યારે પોતે આ મહેલમાં આવ્યા હતા, ત્યારે આગમનની હાથીને જાણ કરી હતી. હવે હાથીને એના વિદાયની પણ જાણ કરવી જોઇએ. મચ્છરરાજે હાથીને કહ્યું, 'અરે ઓ હાથી ! હું મચ્છર સમ્રાટ, તારી વિદાય લઇ રહ્યો છું. તારા પર મેં અસીમ કૃપા કરી હતી. તારા કાનને મેં મારા નિવાસ માટેનો મહેલ બનાવ્યો હતો. હવે હું બીજા નિવાસસ્થાને જાઉં છું, તેની હું તને જાણ કરું છું.'

પરંતુ હાથીએ કોઈ જવાબ ન આપ્યો. મચ્છરરાજને થયું કે આ તે કેવું ? તેઓ આવ્યા ત્યારે હાથી કશું બોલ્યો નહીં. તેઓની સવારી વિદાય પામે છે, ત્યારે પણ કશું બોલતો નથી.

મચ્છરરાજે ખૂબ જોરથી અવાજ કાઢીને હાથીને કહ્યું, 'હું મચ્છરોનો રાજા તારી વિદાય લઉં છું.'

હાથીએ કાન ખૂબ સરવા કર્યા, ત્યારે એને મચ્છરની વાત સંભળાઈ. હાથીએ જવાબ આપ્યો. 'અરે મહાનુભાવ ! તમે ક્યારે આવ્યા તેની પણ મને જાણ નથી. કેટલા દિવસથી અહીં રહો છો એનો કશો ખ્યાલ નથી. તમારે રહેવું હોય કે જવું હોય, જે કરવું હોય તે કરો. મારે શું ?'

- પેલા મચ્છર રાજની માફક માનવી અહંકારથી ઘેરાઈને એમ માને છે કે પોતાને લીધે જ દુનિયા ચાલી રહી છે. પોતે જે ધારે છે તે કરી શકે છે. એના વિના દુનિયામાં અંધારુ છવાઈ જવાય આવું માનનારો માનવી માત્ર પેલા મચ્છરની માફક ઘોષણા કરે છે.

જગત તો ચાલે છે અને ચાલતું રહ્યું છે. એમાં મચ્છરના આવવા કે જવાની ઘોષણાનો કોઈ મતલબ નથી.

Tags :