- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
એ ક મહાન સંગીતકાર વિરાટ નગરમાં આવ્યો. નગરના રાજવીએ સંગીતકારને વીણા-વાદન માટે આમંત્રણ આપ્યું.
સંગીતકાર ખૂબ ધૂની હતો. લોકો સાથે જાતજાતની શરત કરતો. જો શરત માનવા તૈયાર થાય તો જ પોતાનું સંગીત સંભળાવતો હતો.
વિરાટ નગરના રાજા પાસે સંગીતકારે એક વિચિત્ર શરત મૂકી. તેણે કહ્યું કે હું આપના રાજમહેલમાં જરૂર વીણા વગાડીશ, પણ શરત એટલી કે શ્રોતાજનોમાંથી કોઈનુંય માથું ડોલશે તો હું વીણા વગાડવી બંધ કરી દઈશ.
બહુ વિચિત્ર શરત હતી સંગીતકારની ! પણ રાજા એમ પાછો પડે તેવો નહોતો. એણે તો નગરમાં ઢંઢેરો પીટાવ્યો. કહ્યું કે આજ રાત્રે મહેલમાં વિખ્યાત સંગીતકારનું વીણાવાદન છે, પણ સાંભળવા આવનારાઓએ જરા વિચાર કરીને આવવું. જો સંગીત સાંભળતાં કોઈનું માથું સહેજ પણ હાલશે, તો એનું માથું ધડથી જુદું થઈ જશે.
શહેરના અનેક માનવીઓ સંગીત સાંભળવા આતુર હતા, ઘણાં વર્ષો પછી આવો મહાન સંગીતકાર શહેરમાં આવ્યો હતો, પરંતુ પેલી શરત ઘણી આકરી હતી. સંગીત સાંભળવા માટે કોઈની માથું કપાવવાની તૈયારી નહોતી.
વળી માથું ક્યારે ડોલે એ કઈ રીતે કહી શકાય ? કદાચ માખી બેસે અને ઊડાવવા જતાં માથું ડોલી જાય. રાજા કંઈ આ બધી બાબતનો વિચાર કરે નહીં અને ડોકું કપાઈ જાય.
આવું હોવા છતાં ત્રણસો જેટલા સંગીતપ્રેમીઓ વીણાવાદન સાંભળવા રાજમહેલમાં આવ્યા. સામે ખુલ્લી તલવારે સૈનિકો ઊભા હતા અને ચાંપતી નજર રાખતા કે કોઈનું
માથું ડોલે કે તરત જ ઉડાવી દેવું. વળી ખંડના દરવાજા પણ બંધ કરવામાં આવ્યા, જેથી કોઈ નાસી ન જાય.
મધુર વીણાવાદન શરૂ થયું. રાત વહેવા માંડી. અડધી રાત થઈ. વીણાના સૂરમાં દશ-પંદર વ્યક્તિઓના માથા ડોલવા લાગ્યા. ધીરે ધીરે સંખ્યા વધતી ચાલી. પચાસેક વ્યક્તિઓના માથાં ડોલવા લાગ્યાં.
મહેફીલ પૂરી થઈ કે રાજાએ પચાસેયને પકડયા અને હુકમ કર્યો કે આ બધાના મસ્તક કાપી નાખો, ત્યારે સંગીતકારે કહ્યું કે આ શરત મેં બીજા કારણસર રાખી હતી. આ લોકો જ મારું સંગીત સાંભળવાના સાચા અધિકારી છે. કાલે માત્ર આ જ શોખીનોને સંગીત સંભળાવીશ.


