FOLLOW US

ક્યારેય પ્રાર્થના છીનવી શકાય નહીં!

Updated: Sep 12th, 2023


- ઝાકળ બન્યું મોતી -કુમારપાળ દેસાઈ

એ ક અનોખો યહૂદી ફકીર થઈ ગયો. એનું નામ હતું બાલસેન. એ એમ માનતો કે ઈશ્વરે જન્મ લેવો જોઈએ. એથી જિંદગીભર એણે પરમાત્માને સતત એવો પડકાર કર્યો કે દુનિયા ઘણી ખરાબ થઈ ગઈ છે. દુનિયામાં પાપાચાર વધશે, ત્યારે જન્મ લેવાનો તમે વાયદો આપ્યો છે તો હે પરમાત્મા, હવે સહેજ પણ વિલંબ વિના પ્રગટ થાવ.

બાલસેન અને તેનો શિષ્ય રોજેરોજ પરમાત્માને પડકાર આપે. એને પૃથ્વી પર હાજર થવાનું કહે.

આ ઉપદ્રવથી પરમાત્મા એટલા બધા કંટાળી ગયા કે એમણે દેવદૂતને કહ્યું કે ફકીર બાલસેન અને તેના શિષ્યનું બ્રેઇનવૉશ કરી નાખ. આમ થશે તો જ એ બધા મને જંપવા દેશે, નહીં તો નિરાંતે બેસવા દેશે નહીં.

દેવદૂતે પરમાત્માના આદેશ મુજબ બાલસેન અને તેના શિષ્યનું બ્રેઇનવૉશ કરી નાખ્યું. એમની બધી જ યાદદાસ્ત મિટાવી દીધી. એટલે સુધી કે બાલસેનને એનું નામ પણ યાદ ન રહ્યું ! આવું હોય પછી પરમાત્માની તો યાદ ક્યાંથી આવે ? એને ધરતી પર બોલાવવાનો સવાલ ક્યાંથી જાગે ?

બધું ભૂલી ગયેલા બાલસેને પોતાના શિષ્ય તરફ જોયું અને ઝાંખી સ્મૃતિ જાગી ઊઠી કે પોતે ગુરુ છે અને આ શિષ્ય છે.

બાલસેને શિષ્યને કહ્યું કે, 'તને આપણા બંને વિશે જે કંઈ જાણકારી હોય તે બોલવા માંડ. નહીં તો આપણે આપણી યાદદાસ્ત ગુમાવી બેસીશું. શિષ્યને પણ કશું યાદ આવતું ન હતું.'

બાલસેને કહ્યું, 'મેં તને આટલું બધું શિક્ષણ આપ્યું છે. તેમાંથી કોઈ એક બાબત વિશે કહે તો બધું જ યાદ આવી જશે.'

શિષ્યે કહ્યું મને માત્ર હિબૂ્ર ભાષાની મારી માતૃભાષાની બારાખડી યાદ છે. ગુરુએ એ બોલવા કહ્યું અને પછી બંને સાથોસાથ બોલવા લાગ્યા અને એ પછી એમની બધી યાદદાસ્ત પાછી આવી ગઈ.

બાલસેને તરત જ પરમાત્માને કહ્યું, 'અરે ! આવી દગાબાજી કરે છે કેમ ?'

એમ કહેવાય છે કે બાલસેને બારાખડીમાં જ પોતાની પ્રાર્થના કરી લીધી. એણે એટલી તન્મયતાથી એનું ગાન કર્યું કે એના સહારે છેક વર્તમાન સુધી આવી શક્યો.

પરમાત્માએ દેવદૂતને કહ્યું કે તેં તો અધૂરું કામ કર્યું, ત્યારે દેવદૂતે કહ્યું કે આની પાસેથી બધું છીનવી શકાય તેમ છે, પરંતુ પ્રાર્થના છીનવી શકાતી નથી.

સાચે જ પ્રાર્થનાનો સંબંધ બુદ્ધિ સાથે નથી. બુદ્ધિ છીનવી શકાય, શબ્દ છીનવી શકાય પણ પ્રાર્થના છીનવી શકાતી નથી.

Gujarat
English
Magazines