તમે પહેલું પગલું જ ચૂક્યા છો ! .
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
સ્વા મી રામકૃષ્ણ પરમહંસે પોતાની સાધના માટે કેટલીય વિચારધારા અને ધર્મોના ચિંતનનો અભ્યાસ કર્યો. તેઓ ઈશ્વરના સાકાર અને નિરાકાર બંને સ્વરૂપને માનતા હતા. રૂઢિચુસ્તો અને પ્રગતિવાદીઓ બંને એમની વિચારધારાને સમજવા કોશિશ કરતા હતા. ભારતના રહસ્યવાદી સંત સ્વામી રામકૃષ્ણ પાસે એક અતિ ધનવાન માનવી આવ્યો અને સ્વામી રામકૃષ્ણને વંદન કરીને એમની પાસે બેઠો.
સ્વામી રામકૃષ્ણ પરમહંસે સાહજિક રીતે પૂછ્યું, 'તમે કયા કારણથી આજે આવ્યા છો ?'
ધનવાને કહ્યું, 'મારા મનમાં એક પ્રશ્ન સતત ધોળાયા કરે છે. આપની પાસેથી મારે એ પ્રશ્નનો ઉત્તર મેળવવો છે.'
'કહો, તમારો શો પ્રશ્ન છે ?'
ધનવાને કહ્યું, 'સ્વામીજી, આ જગતે ઘણા દાનવીરો જોયા છે, કિંતુ મારા જેવો દાનવીર આ ધરતી પર હજી સુધી કોઈ થયો નથી. કોઈએ મારા જેટલું દાન આપ્યું નથી અને એથીય વધારે તો મારી માફક સંપત્તિનો ત્યાગ કર્યો નથી.'
સ્વામી રામકૃષ્ણ પરમહંસે કહ્યું, 'સારું છે. તમે બહુ યોગ્ય કાર્ય કર્યું છે. દાન આપવું જ જોઇએ.'
ધનવાને કહ્યું, 'એ વાત સાચી કે માણસે દાન આપવું જોઇએ, પણ મેં તો મારી સઘળી સંપત્તિ દાનમાં આપી દીધી છે, તેમ છતાં મને સવાલ એ છે કે મને ઇશ્વરનો સાક્ષાત્કાર કેમ થતો નથી ? આવું દાન આપ્યા પછી એ સંપત્તિનો ત્યાગ કર્યા બાદ ઇશ્વર-સાક્ષાત્કાર તો જરૂર થવો જ જોઇએ ને !'
સ્વામી રામકૃષ્ણ પરમહંસે ભારપૂર્વક કહ્યું, 'ના, તમને કદીય ઈશ્વર-સાક્ષાત્કાર થશે નહીં.'
સ્વામી રામકૃષ્ણ પરમહંસની આ વાત સાંભળીને ધનવાનને વજ્રઘાત થયો. એમાં પણ જ્યારે સ્વામીજીએ આટલી સ્પષ્ટતાથી કહ્યું ત્યારે એ મૂંજાઈ ગયો. એને સમજાયું નહીં કે શા માટે આ મહાન સંત એને વિશે આવું કહે છે ? તેથી એણે પૂછ્યું, 'આપ જ્ઞાાની છો એ સાચું, પણ મારા જેવો મહાદાનેશ્વરીને ઇશ્વરનો સાક્ષાત્કાર થશે જ નહીં તેમ આટલી બધી સ્પષ્ટતાથી તમે કેમ કહી રહ્યા છો ?'
'તમે તમારી તમામ ધનસંપત્તિનો ત્યાગ કર્યો, આ ત્યાગના માર્ગે ચાલવા માટે જે પહેલું કામ કરવાનું હોય તે તમે કર્યું નથી અને તેથી જ ત્યાગમાર્ગનું પહેલું પગથિયું જ ચૂકી ગયા છો, ત્યારે તમને ઇશ્વરનો સાક્ષાત્કાર થાય તેવી કલ્પના કરવી પણ મુશ્કેલ છે.'
'સ્વામીજી ! મેં બધું છોડયું છે અને આપ કહો છો કે મેં કશું ત્યજ્યું નથી, તેનો અર્થ શો ?'
'જુઓ, તમે ધનનો ત્યાગ કર્યો, પરંતુ એ પૂર્વે અહંકારનો ત્યાગ કરવાની જરૂર હતી. સત્તા, સંપત્તિ કે ઉચ્ચ પદવીનો માનવીને અહંકાર થાય છે, એ જ રીતે ત્યાગનો પણ અહંકાર થઇ જાય છે. તમે સંપત્તિનો ત્યાગ કર્યો છે, અહંકારનો નહીં. જ્યાં સુધી અહંકારમાત્ર નાશ પામે નહીં, ત્યાં સુધી ઇશ્વરનો સાક્ષાત્કાર શક્ય નથી.'
ધનવાનને સમજાયું કે એ પહેલું પગલું જ ચૂક્યો છે !