ધનિકોની ધામધૂમમાં ગરીબોનો અવાજ ગૂંગળાય
ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઈ
એમનું નામ ભૂદેવ મુખોપાધ્યાય. બંગાળના એ અમીર માનવી. આખું બંગાળ દુર્ગા પૂજાના દિવસોમાં ઉત્સવથી રંગાઈ જાય. દુર્ગાપૂજાના ઉત્સવ માટે કેટલાય ફંડ-ફાળા થાય. ભૂદેવ મુખોપાધ્યાયના ઘેર ઉત્સવના આયોજકો ફંડ-ફાળા લેવા આવે તો એમને નિરાશ થઇને પાછા જવું પડતું હતું.
સમાજમાં ચોતરફ આ વાત વહેતી હતી.
એકવાર નિશાળમાં ભૂદેવ મુખોપાધ્યાયના દિકરાને શિક્ષકે ટોણો મારતાં કહ્યું,
'દુર્ગાપૂજા એ તો આપણો સૌથી મોટો તહેવાર. એના ઉત્સવને માટે બધા મોટી-મોટી રકમો દાનમાં આપે. આથી ધામધૂમથી આ ઉત્સવ થાય, પણ તારા બાપુજી એવા મખ્ખીચૂસ છે કે આટલી મોટી કમાણી હોવા છતાં ફંડફાળામાં રકમ આપતા નથી.'
શિક્ષકની વાત સાંભળીને ભૂદેવના પુત્રને માઠું લાગ્યું. એણે ઘેર આવી પિતાને પૂછ્યું,
'પિતાજી મારા શિક્ષક કહેતા હતા કે તમે સાવ કંજૂસ છો. દૂર્ગાપૂજાના ઉત્સવ માટે ફૂટીકોડી પણ આપતા નથી.'
ભૂદેવે કહ્યું, 'બેટા, તારા શિક્ષકની વાત સાચી છે. પરંતુ એની પાછળનું કારણ કંજૂસાઈ નથી.'
'તો શું ?'
'સાંભળ, આપણા ઘેર રોજ નિયમિતરૂપે દુર્ગામાતાની પૂજા થાય છે. પૂજાને હું અંગત બાબત માનું છું, જાહેર નહીં. જાહેરમાં થતી પૂજાથી અને એની આસપાસના ઉત્સવો અને ધામધૂમથી દૂર્ગા માની પૂજા થતી નથી, પણ આપણા ગર્વની પૂજા થાય છે એમ હું માનું છું.'
આ પછી થોડો જ સમય બાદ ભૂદેવ મુખોપાધ્યાયે સંસ્કૃત ભાષાના અધ્યયનને પ્રોત્સાહન આપવા દોઢ લાખ રૂપિયાનું દાન આપ્યું અને પોતાના પિતાની સ્મૃતિમાં 'વિશ્વનાથ ટ્રસ્ટ ફંડ'ની સ્થાપના કરી.
એમણે પુત્રને પોતાની ભાવના સમજાવતા કહ્યું કે કરકસરથી જીવન જીવીને એને ઉત્સવો, મહોત્સવો પાછળ પૈસા વેડફી ન નાંખીએ તો ઘણી બચત થાય છે. આવી બચતનો આપણે શુભકાર્યમાં ઉપયોગ કરી શકીએ.
આમ કહીને પુત્રને શિખામણ આપતાં બોલ્યા, 'ઓછી આવશ્યકતાવાળા કાર્યોમાં શક્તિ અને સંપત્તિનો ઉપયોગ કરવા જઇએ તો ખરેખરી જરૂરિયાતવાળા સારાં કાર્યો કરવાની શક્તિ અને ગુંજાશ બાકી રહેતા નથી.' ભૂદેવ મુખોપાધ્યાયની આ વાતને વર્ષો વીતી ગયા તેમ છતાં આજે પણ એટલી જ સાચી છે. એકબાજુ મોટા મોટા મહોત્સવો થઇ રહ્યાં છે અને એની પાછળ અઢળક નાણાં ખર્ચાઈ રહ્યા છે. આ નાણાંમાં શોષણ કે ચોરીથી મેળવેલા કાળા નાણાંની પણ રેલમછેલ છે. બીજી બાજુ કેટલાય લોકો ભૂખે મરી રહ્યા છે, અગર દવાને અભાવે મરી રહ્યા છે. થોડાક ધનિકોના ધનની ધામધૂમમાં હજારો ગરીબો, લાચારો અને બેકારોનો અવાજ સંભળાતો નથી.