- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
ઈ. સ. ૧૯૦૮ની આ વાત છે. રાષ્ટ્રપ્રેમી લોકમાન્ય ટિળક તળેગામની મુલાકાતે ગયા હતા. રાષ્ટ્રનેતા હોવાની સાથે ધર્મ અને શિક્ષણના ક્ષેત્રના ઊંડા
અભ્યાસી હતા.
ગામના વિદ્ધાનોનું જૂથ લોકમાન્યને ઘેરી વળ્યું. લોકમાન્યની મર્મગામી દ્રષ્ટિ અને પ્રગાઢ વિદ્ધત્તાનો સહુ કોઈને અનુભવ થયો.
રાષ્ટ્રીય શિક્ષણ વિશે લોકમાન્ય ટિળક એમના વિચારો પ્રગટ કરતા હતા. ધીરે ધીરે ટ્રેનનો સમય થતો હોવાથી લોકમાન્ય પોતાની વાત સમેટવા લાગ્યા.
લોકમાન્યને આમ કરતાં જોઈ એક વિદ્ધાને કહ્યું, 'આપ, આમ વાત સમેટી લેશો નહીં. અમને વિગતે વાત કરો. કારણ કે હજી ઘણી વાર છે.'
લોકમાન્ય ટિળકે કહ્યું, 'ભાઈ, સમયસર સ્ટેશને તો પહોંચવું પડે ને ?'
પેલા વિદ્ધાને કહ્યું, 'આપ કશી ફિકર ન કરો. ગાડી આવવાનો સમય થઈ જાય અને આપ અહીંથી નીકળો તો પણ સહેલાઈથી ગાડી મળી જશે. આનું કારણ એ કે આ ગાડી મોટેભાગે મોડી જ આવે છે.'
'પણ ધારો કે આજે સમયસર આવી તો ?' લોકમાન્ય ટિળકે વળતો પ્રશ્ન કર્યો.
વિદ્ધાને કહ્યું, 'આપ નિરાંતે વાતચીત ચાલુ રાખો. હું ખાતરીપૂર્વક કહું છું કે આજે ટ્રેન મોડી જ આવશે. મારી વાતની આપ કસોટી કરી જુઓ.'
લોકમાન્ય ટિળકે કહ્યું, 'તમારી વાત પર મારો વિશ્વાસ બેસતો નથી. ગાડી મોડી આવે અને દૈવ મારા પર ઉપકાર કરે તે વાત જ મને પસંદ નથી. હું પુરુષાર્થવાદી છું.
દેવનો ઉપકાર મને ખપે નહીં. આથી ગાડી વખતસર આવે કે મોડી આવે, પણ હું તો સમયસર સ્ટેશને જઈને બેસીશ.'
વિચારવાની વાત એ છે કે આજે આપણું જીવન પ્રયત્નવાદી રહ્યું છે કે દૈવવાદી ? માણસ પુરુષાર્થને છોડીને પ્રારબ્ધને ખોળે બેઠો છે. પોતાની લાલસા સંતોષાય કે ભૌતિક ઝંખનાની સમૃદ્ધિ પૂરી થાય એને માટે પુરુષાર્થ કરવાને બદલે એ માત્ર ઈશ્વરને યાચના કરવા લાગ્યો છે. પ્રારબ્ધની હસ્તરેખા ઉકેલી રહ્યો છે.
આજે એ દેવની ઉપાસના વધુ ચાલે છે કે જે તરત ફળ આપે. મનની ઈચ્છા તરત પૂરી કરે. ધન કે પ્રમોશન આપે.
હહીકતમાં ધર્મનો પાયો માનવ પુરુષાર્થ છે. જ્ઞાાન, કર્મ, કે ભક્તિનો પુરુષાર્થ કરવો ઘટે. માત્ર નસીબને સહારે કે 'શોર્ટકટ'ના આધારે ચાલનાર કદી સાચા ધર્મને પામી શકતો નથી.


