જાતને જોવામાં પ્રમાદી, પરદોષો જોવામાં ઉત્સાહી! .
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
ભો જનખંડમાં મિત્રમંડળી ભોજન કરી રહી હતી. અલકમલકની વાતો ચાલતી હતી. અવનવી ઘટનાઓ એકબીજાને કહેવાતી હતી.
એવામાં રસોડામાં કોઈ વાસણ પડવાનો અવાજ થયો. વાસણ પડતાંની સાથે એ ફૂટયું હોય તેમ પણ લાગ્યું.
થોડીક ક્ષણ પછી એકાએક ઘરનો યુવાન બોલી ઊઠયો, 'ઓહ ! મારી માતાના હાથમાંથી વાસણ પડી ગયું અને ફૂટી ગયું લાગે છે.'
તરત જ નજીકમાં ઊભેલા યુવાનના મિત્રએ કહ્યું,
'તમે એમ કઈ રીતે ધારી લીધું કે તમારી માતાએ વાસણ ફોડયું છે. તમારી પત્ની પણ રસોડામાં છે. કદાચ એણે પણ વાસણ ફોડયું હોય.'
યુવાને કહ્યું, 'ના, તમે ખોટા છો. એકસો ને એક ટકા મારી માતાના હાથમાંથી વાસણ પડયું છે.'
મિત્રોએ રસોડામાં જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે યુવાનની વાત સાચી હતી. સાથે સૌને આશ્ચર્ય પણ થયું કે કઈ રીતે આ યુવાનને ખબર પડી ગઈ ? રસોડું તો દૂર છે. ભોજનખંડનું કશું દેખાતું નથી. છતાં વિશ્વાસપૂર્વક કઈ રીતે એ કહી શકે ?
આ સમસ્યાનો ઉકેલ આપતાં યુવાને કહ્યું, 'જો મારી પત્નીએ વાસણ ફોડયું હોય તો એ ફૂટયા પછી તરત જ મારી માતાનો અવાજ આવત, જરૂર કોઈ મહેણું માર્યું હોત, કશો ગુસ્સો કર્યો હોત. અવાજ ન આવ્યો એટલે સાબિત થયું કે મારી પત્નીની ભૂલ નથી, મારી માતાની ભૂલ હોવી જોઈએ.'
સામાન્ય રીતે માનવી બીજાનું જોવા માટે અને બીજાને ઠપકો
આપવા માટે અતિ આતુર હોય છે. જો વહુથી વાસણ તૂટી ગયું હોત તો માત્ર વાસણનો ખડખડાટ જ નહીં, પરંતુ એવી જ એક બીજી મોટી ગર્જના સંભળાઈ હોત.
માનવીની કરુણા જ એ છે કે પોતાની જાતને જોવામાં અતિ પ્રમાદી છે અને 'પર'ને કહેવામાં અતિ ઉત્સાહી છે. પોતાના દોષો એની નજરે ચડતા નથી. દોષો દેખાય તો એને પોતાની આવડત તરીકે વર્ણવે છે. બહુ સંકોચશીલ હોય તો એ દોષો છુપાવે છે.
આ માનવીને બીજાના દોષો જોવામાં બહુ મજા પડે છે, એમાં ઊંડો રસ આવે છે અને તેથી બીજાની નાનકડી ભૂલ થતાં એ તરત જ એને ઠપકો કે ઉપાલંભ આપવા દોડી જાય છે.
માનવીએ જાતને જોવી જોઈએ પછી જગતની ચિંતા કરવી જોઈએ.