- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
વૈ શાલીની સુપ્રસિદ્ધ ગણિકા પ્રથમ વાર ભગવાન બુદ્ધને મળવા આવી, ત્યારે તેમના શિષ્યોએ તેને ગણિકા જાણી રોકી. તેઓએ કહ્યું કે, 'તારા જેવા પાપાત્માથી આવા જીવંત પરમાત્માનાં દર્શન ન કરી શકાય.' ભગવાન બુદ્ધે આ સાંભળ્યું અને આમ્રપાલીને અંદર આવવાની રજા આપતાં કહ્યું,
'શિષ્યો ! તેને અંદર લઇ આવો તથાગત પાસે કોઈ જ પ્રકારના ભેદભાવ નથી. ગરીબ, શ્રીમંત, બ્રાહ્મણ, શૂદ્ર, સંત ને ગણિકા એ તથાગતની દ્રષ્ટિમાં સમાન છે. કોઈ પણ જીવ મૂળથી હીન નથી.'
આમ્રપાલી અંદર આવી. બુદ્ધના બીજા શિષ્યો પણ સામે આવીને બેઠા. આ વખતે ઉપદેશ આપતાં ભગવાન બુદ્ધે એક વાત કહી.
'ભિક્ષુઓ ! એક અરણ્ય હતું એ સુગંધી વૃક્ષો અને રૂપભર્યા ફૂલોવાળી વેલીઓથી ભરેલું હતું. આ અરણ્યમાં મોટા મિજાજી વાઘ, સિંહ, પહાડ જેવા પડછંદ હાથી, ભયંકર પરાક્રમી ગેંડા ને વરુ રહેતાં હતાં.'
આ બધાંની સાથે આ અરણ્યમાં ઘણાં પંખી પણ રહેતાં હતાં. એમાં એક સુંદર પંખી રહેતું હતું. એનું નામ ફૂલપંખી, તેનો વર્ણ સોનેરી હતો, એની ચાંચ માણેકના જેવી હતી. ગળે સુંદર કાંઠલો હતો. તેની પાંખો અત્યંત મનોહારી હતી.
એક દિવસ વનમાં આગ લાગી.
આ આગ જોઇને મોટા ચરમબંધી જેવા વાઘ-દીપડા જીવ લઇને નાસવા લાગ્યા. હાથી-સિંહ પૂંછ દબાવીને દોડયા. સહુ પોતાની જાત બચાવવાની ચિંતામાં પડયા. બાળબચ્ચાંની પણ દરકાર ન કરી. કોઇએ બીજાનો વિચાર સરખો પણ ન કર્યો. નાસી છૂટવાના પ્રયત્નમાં બીજા સામે જોયું પણ નહીં !
આ વખતે પેલા સુંદર ફૂલપંખીએ વનની આગ બૂઝાવવાનો વિચાર કર્યો, પણ નદી વહેતી હતી. એ નદીનાં જળમાં પોતાની સુંદર પાંખો બોળી એ પાણી વનની આગ પર છાંટવા લાગ્યું.
વનનાં બીજાં પ્રાણીઓ આ સુંદર પંખીની ચેષ્ટા પર હસવા લાગ્યાં, પણ આણે આગ બુઝાવવાનું કામ ન ત્યજ્યું. આગ ભયંકર હતી, પંખીની પાંખનું પાણી એમાં શું કરે ?
પણ પંખી ન હાર્યું, ન થાક્યું ! આખરે પોતાના પ્રયત્નમાં જ એ પંખી બળીને ભસ્મ થઇ ગયું !
ભગવાન બુદ્ધે આ કથા પૂરી કરતાં કહ્યું, 'એ સુંદર પંખીનો નવો અવતાર તે આમ્રપાલી. આમ્રપાલી સત્કર્મશીલ ને શુદ્ધચરિત છે એમ કહું તો તમને આઘાત થશે, પણ ખરેખર હકીકતમાં તે તેવી છે.'
'સારું ચારિત્ર્ય એ ખરાબ ચારિત્ર્ય બાહ્યરૂપ કે દેખાવથી નક્કી થઇ શક્તું નથી. આમ્રપાલી અંતે શુદ્ધ થઇ નિર્વાણ પ્રાપ્ત કરશે.'
બધા ભિખ્ખુઓ ભગવાન બુદ્ધની વાણી સાંભળી રહ્યા અને પોતાની જાતને ખોજવા લાગ્યા.
માનવીની સચ્ચાઈ કે બૂરાઈનું માપ એના ભીતરમાંથી મળે છે એની સત્તા, એના સ્થાન કે એના દેખાવમાંથી નહીં. આથી જ જીવનમાં ભાવ મુખ્ય છે. વ્યક્તિના હૃદયમાં જેવો ભાવ હોય છે તેવી સૃષ્ટિ રચાય છે.


