Get The App

સ્વર્ગની ઝંખનાએ પૃથ્વી પર નરક સર્જ્યું છે

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
સ્વર્ગની ઝંખનાએ પૃથ્વી પર નરક સર્જ્યું છે 1 - image


- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

વ હેલી પ્રભાતે ધર્મગુરુએ પોતાના પ્રવચનને અંતે જુસ્સાભર્યા અવાજે શ્રોતાઓને પૂછ્યું.

'કહો, તમારામાંથી કોણ સ્વર્ગમાં જવા ચાહે છે ? સ્વર્ગપ્રાપ્તિની જેને ઇચ્છા હોય તે પોતાના હાથ ઊંચા કરે.'

ધર્મગુરુની ધારણા હતી કે સહુની ઇચ્છા સ્વર્ગ મેળવવાની હશે. આથી બધા જ હાથ ઊંચો કરશે અને લગભગ બન્યું પણ તેવું જ.

માત્ર એક વ્યક્તિ સિવાય સહુએ હાથ ઊંચા કરીને સ્વર્ગ પ્રાપ્તિની ઇચ્છા દર્શાવી.

હાથ ઊંચો નહીં કરનારી વ્યક્તિને જોઇને ધર્મગુરુ વિચારમાં પડયાં. મનમાં થયું કે આને સ્વર્ગ પસંદ નહીં હોય નર્કમાં જવું હશે. એમ ધરીને ધર્મગુરુએ ફરી કહ્યું.

'બોલો, જેને નર્કમાં જવું  હોય તે હાથ ઊંચો કરે.'

આટલું બોલ્યા પછી ધર્મગુરુની નજર પેલા માણસ પર નોંધાઈ. એ તો એમને એમ બેસી રહ્યો હતો. ધર્મગુરુના આશ્ચર્યનો પાર ન રહ્યો.

એમણે પૂછ્યું, 'અરે ! તમે તો કેવા છો ? મેં સ્વર્ગનું પૂછ્યું ત્યારેય તમે હાથ ઊંચો ન કર્યો અને નર્કનું પૂછું છું ત્યારે પણ હાથ ઊંચા કરતા નથી ! સાવ વિચિત્ર લાગો છો તમે, તમારે જવું છે ક્યાં ?'

પેલી વ્યક્તિએ કહ્યું, 'હું તો અહીંયા જ રહેવા અને જીવવા માગું છું.'

ધર્મગુરુની પરેશાનીનો પાર ન રહ્યો. એમણે કહ્યું, 'અહીંયા તો અમે બધા રહીએ છીએ, કિંતુ સ્વર્ગ અને નર્કની બાબતમાં તમારો શો વિચાર છે ?'

પેલી વ્યક્તિએ જવાબ આપ્યો, 'હું તો અહીં જ રહેવા માગું છું. આ જીવનમાં અને તે પણ જીવનને સ્વર્ગ બનાવીને. નથી નર્કમાં જવા માંગતો કે નથી સ્વર્ગની ખેવના રાખતો.'

ધર્મગુરુ બોલ્યા, 'નર્કમાં જવાની ઇચ્છા ન હોય તે તો સમજી શકું છું. કિંતુ સ્વર્ગમાં જવાની ઇચ્છા ન હોય તે સમજાય તેવી વાત નથી.'

પેલી વ્યક્તિએ કહ્યું, 'સ્વર્ગની ખેવના એ માટે નથી કે સ્વર્ગની ઝંખનાએ માનવીનું જીવન નર્ક જેવું બનાવી દીધું છે.'

અને એ હકીકત છે કે સ્વર્ગની લાલસાએ માનવી પાસે ઘોર હિંસા કરાવી છે અને કરપીણ યુદ્ધો કરાવ્યાં છે. પોતાનાથી અન્ય ધર્મનું પાલન કરનારને હણવામાં કે એમની ઇમારતો તોડવામાં સ્વર્ગની પ્રાપ્તિનો પોકળ ખ્યાલ આપવામાં આવ્યો છે.

સ્વર્ગના નામે આ પૃથ્વી પર કેટલો બધો રક્તપાત થયો છે ! ઘણીવાર તો વાસ્તવિક જીવનથી દૂર નાસી જવા (એસ્કેપ) માટે સ્વર્ગનું બહાનું શોધાય છે. સ્વર્ગનાં સ્વપ્નાં એને ધરાતલની વાસ્તવિકતાથી વેગળો કરી દે છે. સામાન્ય માનવીને સ્વર્ગનાં સ્વપ્નાં બતાવીને છેતરવામાં આવે છે.

Tags :