Get The App

મને તો મારી સાચી તસવીર આપો! .

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
મને તો મારી સાચી તસવીર આપો!                     . 1 - image

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

આ દિવાસી પ્રજાનો સાચદિલ રાજા શહેરની સફરે આવ્યો. જંગલ અને ગામડાં જોનારો એ રાજવી શહેરની ભવ્ય રોનક જોઈ રહ્યો.

રસ્તામાં એણે એક સ્ટુડિયો જોયો અને પોતાની તસ્વીર પડાવવાની ઇચ્છા થઈ. એણે જોયું તો સ્ટુડિયોના દરવાજે તસ્વીરની વિગત અને ભાવ લખ્યા હતા.

એમાં લખ્યું હતું કે તમે જેવા છો તેવી જ તસ્વીર માત્ર દસ રૂપિયામાં પાડી આપવામાં આવશે.

તમે તમારા માટે જેવું થવાનું ધારો છો, તેવી તસ્વીર જોઈએ, તો તેની કિંમત પંદર રૂપિયા થશે.

તમારા મનમાં તમે બીજાને જે રીતે દેખાવા ઇચ્છો છો, તેવી તસ્વીરના વીસ રૂપિયા થશે.

અને છેલ્લે તમે વિચારો છો કે તમે આવા હોત તો બહુ સારું, તો તમારા વિચાર પ્રમાણેની તસ્વીરના પચ્ચીસ રૂપિયા થશે.

આદિવાસી રાજવી તો એક જ માનવીની તસ્વીરના જુદા જુદા ભાવોનું ભાવપત્રક જોઈને વિમાસણમાં પડી ગયો. સીધાસાદા રાજવીને એક જ વ્યક્તિની છબી આટલી જુદી જુદી રીતે પડાવી શકાતી હોય છે, તેનો ખ્યાલ પણ ક્યાંથી આવે ?

આ સરળ રાજવી તસ્વીરકાર પાસે ગયો. તસ્વીરકારે પ્રશ્ન કર્યો કે તમે તમારું કેવું ચિત્ર ઇચ્છો છો ?

સરળ રાજવીએ કહ્યું, 'અહીં આવતા અગાઉ મને ખબર જ નહોતી કે એક માનવીની આટલી ભિન્ન ભિન્ન તસ્વીર હોય છે, પરંતુ મારે તો બીજા કોઈની નહીં પરંતુ 

મારી જ તસ્વીર જોઈએ છે માટે હું જેવો છું તેવી તસ્વીર પાડી આપો.'

હકીકતમાં માનવી પોતાની મૂળ તસ્વીરને ભૂલી જાય છે. જે તસ્વીર ભગવાને બનાવેલી છે. એણે તો પોતાની તસ્વીર બીજાની બનાવવાનો હીન પુરુષાર્થ કર્યો છે.

પોતે જે નથી, તે દેખાવા ચાલે છે. બીજાની નજરે પોતાની જાતને ઊંચી બનાવવા કે બતાવવા માગે છે. આમાંથી જ દંભ અને પાખંડ પેદા થાય છે. વ્યક્તિના જીવનને કૃત્રિમ અને કરામતી બનાવે છે. બનાવટ કે પરતંત્રના આત્મઘાતક છે. માનવીનું સૌથી મોટું કાર્ય તો સ્વયંને પામવાનું છે. પોતાની પહેલી તસ્વીરને જાળવવાનું છે.