રાજન! તમારાથી વધુ મોટો ભિખારી બીજો કોઈ નથી!
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
ત્યા ગી સંતનાં ચરણે શ્રેષ્ઠીએ સુવર્ણમુદ્રા ભેટ ધરી. સંતે એ સુવર્ણમુદ્રા પોતાના શિષ્યને આપતાં કહ્યું, 'હે શિષ્ય, જે સૌથી વધુ ભિખારી હોય, એને આ સુવર્ણમુદ્રા આપજે.'
શિષ્ય સુવર્ણમુદ્રા આપવા માટે નીકળ્યો. સૌથી મોટા ભિખારીની શોધ કરવા જતા ઘણી મુશ્કેલી પડી. એક ગરીબ નજરે પડે, તો વળી એનાથી વધુ ગરીબ જોવા મળે. કોઈ નાની યાચના કરે, તો કોઇ વળી એથી મોટી યાચના કરે. પરંતુ આ બધામાં સૌથી મોટો ભિખારી શોધવો મુશ્કેલ હતો.
એવામાં એની નજર પોતાની સેના સાથે પડોશી રાજ્ય પર હુમલો કરવા જતા રાજા પર પડી. એ રાજા આવેગપૂર્વક આક્રમણ કરવા જઇ રહ્યો હતો. જોરથી પોતાના બાહુઓ ઉછાળતો હતો અને અકળામણભેર સેનાને આદેશો આપતો હતો. લોકો પણ એને પસાર થતો જોઇને રસ્તાની બાજુમાં ઉભા રહી જતા હતા. એ ધસમસતા વેગથી જતો હતો અને એની સેનાને ઝડપભેર ચાલવા હુક્મ કરતો હતો.
શિષ્યે વિચાર કર્યો કે જેની પાસે આટલું વિશાળ સામ્રાજ્ય છે, એ હજુય વધુ મેળવવાની તીવ્ર લાલસા રાખે છે. બીજાનું રાજ્ય મેળવવા માટે કેટલો બધો આતુર અને અકળાયેલો છે. આનાથી વધુ મોટો ભિખારી બીજો કોણ હોય ?
શિષ્ય લોકોનાં ટોળાં વચ્ચેથી પસાર થઇને રાજાના રથની પાસે પહોંચ્યો અને રાજાના હાથમાં સુવર્ણમુદ્રા મૂકી. આ જોઇને રાજાને અપાર આશ્ચર્ય થયું. એણે શિષ્યને પૂછ્યું, 'આ સુવર્ણમુદ્રા તેં મને શા માટે આપી ?'
શિષ્યે કહ્યું, 'મારા ગુરુનો આદેશ હતો કે જે સૌથી મોટો ભિખારી હોય, તેને આ સુવર્ણમુદ્રા આપવી. મને આપનાથી મોટો કોઈ ભિખારી નજરે ચડયો નહીં.'
રાજાએ કહ્યું, 'હું ભિખારી ? કંઇ સાન-ભાન છે કે ?'
શિષ્યે ઉત્તર આપ્યો, 'રાજન, આપનું આટલું વિશાળ રાજ્ય છે. ધન-સુવર્ણથી ભર્ય ભર્યો રાજભંડાર છે. વિશાળ સેના છે અને તેમ છતાં જમીનના એક ટુકડાને માટે તમે કેટલા બધા આકુળવ્યાકુળ બની ગયા છો ! સંહાર કરીને પણ એ કોઈ પણ ભોગે અને હિસાબે મેળવવા ચાહો છો. તો આપનાથી વધુ મોટો ભિખારી બીજો કોણ હોય !'
શિષ્યનાં વચનો સાંભળીને રાજાની આંખ ઊઘડી ગઇ અને વિદેશી રાજ્ય પર હુમલો કરવાને બદલે પાછો વળી ગયો.