- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
એ ક વૃદ્ધ બ્રાહ્મણ હતો. એકાએક એની આંખની રોશની ચાલી ગઈ. વિશાળ કુટુંબનો એ વડો હતો. કુટુંબના સહુ કોઇને ચિંતા થઈ.
બધાએ ભેગા મળીને વિચાર કર્યો કે, આંખોનો ઇલાજ કરાવવો. જરૂર પડે શસ્ત્રક્રિયા કરવી, પણ આંખો વિના ચાલે જ કેમ ? અંધાપામાં આયખું ગાળવું પણ ઘણું કપરું છે.
વૃદ્ધ બ્રાહ્મણને એના પુત્રોએ શસ્ત્રક્રિયા કરવાની વાત કરી, પરંતુ વૃદ્ધે તેનો અસ્વીકાર કર્યો અને કહ્યું,
મારે ક્યાં રોશનીની જરૂર છે ? તમે મારા આઠ દીકરાઓ મારી સાથે છો. આઠ પુત્રવધૂઓ મારી સાથે છે. આમ સોળ વ્યકિતની બત્રીસ આંખો મારી પાસે છે, પછી આંખની રોશનીની શી જરૂર ?
આમ વૃદ્ધે પુત્રોની વાત સ્વીકારી નહીં. એણે લાગણીભેર અંધાપો સ્વીકાર્યો. કોઈ સલાહ આપે તો તરત જ કહે કે મને તો બત્રીસ આંખો મળી છે, પછી બે આંખો ન હોય તો શું થયું?
એક વખત આ વૃદ્ધ બ્રાહ્મણના ઘરમાં આગ લાગી. આગ ચારેકોર ફેલાઈ ગઈ. એના દીકરાઓ પોતાની પત્નીને લઈને ઘરની બહાર દોડી ગયા. અંધ વૃધ્ધને સહુ ભૂલી ગયા.
એ વૃધ્ધ બ્રાહ્મણ આગમાં ખાખ થઈ ગયો.
આવી જ રીતે ઘણી વાર માનવી અજ્ઞાનને અંધશ્રધ્ધાથી આચરે છે અને સમય જતાં એ અજ્ઞાનને સત્ય માની ધુ્રતને હોમી દે છે. આવા અજ્ઞાનને સત્ય માનનારા તો સરોવરમાં સ્નાન કર્યા પછી બહાર આવીને પોતાના શરીર પર ધૂળ ફેંકતા હાથી જેવા છે.
જીવનના પ્રત્યેક આચારમાં જ્ઞાનની જરૂર છે.
જ્ઞાન વિનાની કોઈ પણ ક્રિયા ફળદાયી બનતી નથી. સમજ વિનાનો કોઈ પણ આચાર સાચો ઠરતો નથી.
વૃદ્ધે અંધાપો વેઠી લીધો એમ ઘણા અજ્ઞાનને વેઠે છે. સાચા જ્ઞાન વિના અજ્ઞાનની આરાધના કર્યે જાય છે.
જ્ઞાન એ પ્રકાશ છે, જ્ઞાન એ વ્યક્તિનાં ચક્ષુ છે. જ્ઞાન એ કોઈનેય આશ્રયે રહેલું નથી. જે પ્રકાશભરી આંખે જુએ એને જ્ઞાન જડે છે.


