Get The App

વાવણીની વેળાએ ખેતર ખેડી લઇશું!

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
વાવણીની વેળાએ ખેતર ખેડી લઇશું! 1 - image

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

ગા મડાનો ખેડૂત રાત-દિવસ એક કરીને ખેતી કરતો હતો. મનોમન સ્વપ્ન સેવતો હતો કે એના બંને પુત્રો અભ્યાસમાં પ્રગતિ કરે અને ઊંચી નોકરી મેળવે.

ખેડૂત પિતાનું આ સ્વપ્ન વિફળ બન્યું. એના પુત્રો અભ્યાસ કરવાને બદલે રખડયા કરે, ગામમાં ધીંગામસ્તી કરે, પરીક્ષા સાવ નજીક આવે એટલે અભ્યાસનો પ્રારંભ કરે. આખું વર્ષ ભણ્યા ન હોય, તેથી માંડ માંડ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય.

ખેડૂતે પુત્રોને સમજાવ્યું કે આખું વર્ષ રખડવાને બદલે સતત અભ્યાસ કરે તો જ સારું પરિણામ આવે અને ઊંચી નોકરી મેળવી શકાય.

તોફાની અને રખડેલ પુત્રો પિતાની સલાહ સ્વીકારવાને બદલે એવો પ્રત્યુત્તર આપતા કે તમે જિંદગીભર ખેતી કરી છે, ક્યારેય એકડો પાડયો નથી, તેથી તમને વિદ્યાભ્યાસ શું કહેવાય એની કશી ગતાગમ પડે નહીં. એમાં કઈ રીતે પ્રગતિ સધાય એની તમને સૂઝ નહીં પડે.

ગરીબ ખેડૂત પુત્રોનાં મહેણાં સાંભળીને અકળાઈ જતો. મનોમન આનો ઉપાય વિચારવા લાગ્યો. એણે એકાએક ખેતરમાં જવાનું બંધ કરી દીધું. દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. આમ ને આમ મહિનાઓ પસાર થયા. વાવણીનો સમય સાવ નજીક આવ્યો. ખેડૂત પોતાના બંને પુત્રોને લઈને ખેતરમાં ગયો. વાવણીનો સમય અને ખેતર સહેજે ખેડેલું નહીં, ખેતરમાં ચારેબાજુ ઝાડી-ઝાંખરાં ઊગી ગયાં હતાં. પછીના દિવસે તો જમીન ખોદવાની હતી, પણ એ જમીન ચોખ્ખી કરતાં ખેડૂતના બંને પુત્રોનો દમ નીકળી ગયો. એમના હાથમાં છાલાં પડી ગયાં.

છોકરાઓએ અકળાઈને પૂછ્યું, ''પિતાજી, વાવણીની વેળા આવી ગઈ, તેમ છતાં તમે કેમ ખેતર ખેડયું નહીં ? જો પહેલેથી બરાબર ધ્યાન આપ્યું હોત તો આજે આવી દુર્દશા ન થાત. આ સ્થિતિમાં અનાજ ઊગવાની કોઈ આશા રહી નથી. આ વર્ષ નિષ્ફળ જશે.''

આ સાંભળીને ખેડૂતે હળવેથી કહ્યું, ''હું તો નિરક્ષર ખેડૂત રહ્યો, પણ તમને જોઈને મેં વિચાર્યું કે આખું વર્ષ મહેનત કરવાથી શું લાભ ? જ્યારે વાવણીનો સમય થશે ત્યારે વાવીને ફસલ મેળવી લઈશું.''

ખેડૂતના પુત્રો પિતાની વાતનો મર્મ પામી ગયા.